રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
January, 2003
રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : વિવિધ જાતના સૂક્ષ્મજીવોના કોષરસના ભાગ રૂપે દેહધર્મ-પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતાં રંજકદ્રવ્યો. આમ તો રંજકદ્રવ્યો બધાં સજીવોમાં એક યા બીજા સ્વરૂપે આવેલાં હોય છે. કોષના બંધારણ રૂપે આવેલાં રંજકદ્રવ્યોનો ખ્યાલ પરાવર્તન (reflection) અને પ્રકીર્ણન (scattering) જેવી પ્રક્રિયાઓને અધીન અભિવ્યક્ત થતો હોય છે.
લીલ-શેવાળ (green alga), પ્રકાશ-સંશ્લેષક જીવાણુઓ અને ડાયઍટમ જેવાં સૂક્ષ્મજીવોમાં આવેલાં આ દ્રવ્યો પ્રકાશ-સંશ્લેષણમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આ રંજકદ્રવ્યો મોટેભાગે વિવિધ પ્રકારનાં હરિત દ્રવ્યો (chlorophylls) અને તેની સાથે સંકળાયેલ કેરૉટિનૉઇડ અણુઓનાં બનેલાં હોય છે. તેઓ સૂર્યપ્રકાશનાં કિરણોમાં આવેલ કાર્યશક્તિનું શોષણ કરી તેમને રાસાયણિક બંધનો(chemical bonds)માં ફેરવવાની અને પર્યાવરણમાંથી અકાર્બનિક પદાર્થોને મેળવી તેમને જીવનાવશ્યક સેન્દ્રિય (organic) સંયોજનોમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે.
સૂક્ષ્મજીવોમાં આવેલાં કેટલાંક રસાયણો તેમનાં અનુચલનમાં (chemotaxis) સક્રિય હોય છે. કેટલાક જીવાણુઓ અને ફૂગમાં આવેલાં આ દ્રવ્યો પ્રકાશથી આકર્ષિત થઈને પ્રકાશની દિશા તરફ ગતિ કરવામાં અથવા તો અપકર્ષણથી પ્રકાશથી દૂર ખસવા ઉપર્યુક્ત સજીવોને પ્રેરે છે. (જુઓ : રંગબંધકો)
કેટલાંક રંજકદ્રવ્યોને જે તે સૂક્ષ્મજીવો માટે વિશિષ્ટતા ધરાવતાં વર્ણવી શકાય. દાખલા તરીકે વાદળી લીલ (blue green alga) શેવાળમાં આવેલાં વિશિષ્ટ દ્રવ્યો શેષ પ્રકાશને શોષવામાં મદદરૂપ નીવડે છે. જ્યારે ન્યૂરોસ્પોરા જેવા રેસામય ફૂગમાં આવેલાં કેરૉટિનૉઇડ દ્રવ્યો પ્રકાશને લીધે થતી વિપરીત અસર ટાળવા ઉપયોગી નીવડે છે.
અસંતૃપ્ત (aromatic) હાઇડ્રોકાર્બન અણુઓનાં બનેલાં ભૂખરાં (brown) ક્વેનૉઇડ અને ફ્લેવોનૉઇડ સંયોજનોનાં બનેલાં રંજકદ્રવ્યો કેટલાક જીવાણુઓ અને ફૂગમાં આવેલાં છે. ખાસ કરીને જૂજ Serratia mercescensમાં અને મોટાભાગના S. rubidaea જાતના ગતિશીલ (motile) જીવાણુઓ પ્રોડિજિઓસિન નામથી ઓળખાતાં લાલ અવિખેરક (nondiffusible) રંજકદ્રવ્યો બનાવે છે. આ ઘટકોની અસર હેઠળ આ સૂક્ષ્મજીવો માનવીના મૂત્રમાર્ગ (renal tract) જેવા ભાગને ચેપ લગાડતા હોય છે.
સ્યૂડોમોનૅસ પ્રજાતિના કેટલાક કશાધારી જીવાણુઓ પીત-લીલ (yellow greens) પ્રતિદીપ્તિશીલ (X) (fluorescent) રંજકદ્રવ્યોને જ્યારે અન્ય કેટલાક જીવાણુઓ પીળા, લાલ અથવા ભૂરા રંગનાં અપ્રતિદીપ્તિશીલ (non fluorescent) રંગદ્રવ્યોને પેદા કરે છે.
હોસંગ ફરામરોજ મોગલ
મ. શિ. દૂબળે