રંગીતીકી નદી : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 40° 18´ દ. અ. અને 175° 14´ પૂ. રે. . તે કૈમાનાવા પર્વતોમાંના પૂર્વ ઢોળાવોમાંથી નીકળે છે, તે દક્ષિણ તરફ 240 કિમી.ના અંતર સુધી વહે છે અને વાગાનુઈથી દક્ષિણે 40 કિમી.ના અંતરે તસ્માન સમુદ્રના તારાનાકી ઉપસાગરમાં ઠલવાય છે. આ નદી તેની મુખ્ય સહાયક નદીઓ (મોઆ વ્હાંગો અને હાઉતાપુ) સહિત 3,190 ચોકિમી. વિસ્તાર ધરાવતું થાળું રચે છે. તે તેના ઉપરવાસમાં કોતરમાં થઈને માર્ટન સુધી ઉગ્ર ઢોળાવોમાં વહે છે. તે પછીથી તેનો ખીણપ્રદેશ પહોળો બને છે. આ નદીને કિનારે ઉતિકુ, માંગાનેકી, ઓહિગૈતા અને બુલ્સ સ્થળોમાં ડેરી-ઉદ્યોગ અને ગાડર-ઉછેર-ઉદ્યોગ વિકસેલા છે.
જાહ્નવી ભટ્ટ