રંગાવલિ : પ્રયોગશીલ નાટ્યજૂથ (1977-1985), વડોદરા. વડોદરાના ‘રંગાવલિ’ નાટ્યજૂથમાં કેન્દ્રમાં હતા નટ અને દિગ્દર્શક ઉત્પલ ત્રિવેદી. 1977થી 1985ની વચ્ચે આ જૂથે અનેક એકાંકીઓ (‘વતેસરની વાત’, ‘ડાયલનાં પંખી’, ‘તમે સુંદર છો’ વગેરે); સળંગ નાટકો (‘હું જ મિસ્ટર આનંદ’, ‘સૉલ્યુશન એક્સ’, ‘પ્રતિશોધ’ વગેરે); ભવાઈનાટ્યો (‘અમે રે પોલીસ, તમે ચોર’, ‘ખુશનુમા ખયાલનો ખેલ’ વગેરે) રજૂ કર્યાં. હરીશ પટેલ, જનમેજય ત્રિવેદી, આશિષ દવે, હિમાંશુ બૂચ, શૈલેશ ત્રિવેદી, ઉત્પલ ત્રિવેદી વગેરે ‘રંગાવલિ’ અને એની નિર્માણપાંખ ‘કશુંક’ના નટો-દિગ્દર્શકોએ મળીને લગભગ પંચોતેર નાટકોની પાંચ સોથી વધુ રજૂઆતો કરી. ભવાઈ ‘ખુશનુમા ખયાલનો ખેલ’ ટેલિવિઝન પર પણ ખૂબ પ્રશંસા પામી હતી. ‘રંગાવલિ’એ એના દશાબ્દી મહોત્સવ નિમિત્તે ‘રંગભૂમિની ભાષા’ વિશે પરિસંવાદ યોજ્યો હતો; એમાં ‘મિથ્યાભિમાન’ જેવાં ભવાઈનાટ્યો પેશ કર્યાં હતાં. રંગાવલિ‘કશુંક’એ વડોદરામાં પ્રયોગશીલ નિર્માણ-અભિગમોથી એ દાયકામાં નવી હવા ઊભી કરી હતી, જેમાં વૈવિધ્ય, ઊંડાણ અને વિચારશીલતા પાયામાં હતાં.
હસમુખ બારાડી