રંગહીનતા (albinism) : રંગકણો(chromoplasts)ના અભાવમાં વનસ્પતિઓમાં અને મેલેનિન વર્ણરંજક (pigment) ઉત્પાદન કરવાની ક્ષમતાના અભાવમાં પ્રાણીઓમાં ઉદભવતી એક પરિઘટના (phenomenon). મેલેનિન એક ઘેરું શ્યામ રંગદ્રવ્ય છે અને તે કણસ્વરૂપે વાળ, પીંછાં, નેત્રપટલ, ત્વચા જેવાં અંગોમાં જોવા મળે છે. તે ટાયરોઝીન અને ટ્રિપ્ટોફૅન એમીનો ઍસિડોના ઑક્સિડેશનને લીધે નિર્માણ થાય છે. સસ્તનોમાં આ રંગદ્રવ્યના નિર્માણ માટે ટાયરોઝિનેઝ ઉત્સેચક અગત્યનું છે.
મેલેનિનના ઉત્પાદનમાં બે સ્વતંત્ર ઘટનાઓ સંકળાયેલી છે; દાખલા તરીકે, ઘર-ઉંદર(house rat)માં રંગહીનતાના બે વિભેદો (strains) આવેલા છે. આ બંને વિભેદોના સ્વફલનથી નિર્માણ થયેલી પ્રજા રંગહીન હોય છે; પરંતુ આ બે વિભેદોના પરફલનથી જન્મ પામેલી પ્રથમ પેઢીની બધી પ્રજા વર્ણંકિત (pigmented) હોય છે. આ પ્રયોગોના આધારે એમ માનવામાં આવે છે કે રંગનિર્માણ સાથે બે ઘટનાઓ સંકળાયેલી છે : (1) મેલેનિનના પૂર્વગામી (precursor)નું અસ્તિત્વ અને (2) ઉત્સેચકની હાજરી. સસ્તનોમાં મેલેનિનના નિર્માણમાં ટાયરોઝિનેઝ ઉત્સેચક આવશ્યક હોય છે. આ ઉત્સેચક માટે કારણભૂત જનીનને ‘C’ કહે છે. તેના વિકલ્પ જનીન (allele) તરીકે ‘C’ છે. તે એક પ્રચ્છન્ન જનીન છે. વિષમયુગ્મજ (heterozygous) મેલેનિન રંગદ્રવ્યયુક્ત પ્રાણીનું જનીન-સ્વરૂપ ‘Ce’ હોય છે અને તેમનાં સંતાનો રંગહીન હોવાની શક્યતા 25 % જેટલી હોય છે. તેથી પ્રજનકોમાં મેલેનિન રંગદ્રવ્ય હોવા છતાં તેમનાં સંતાનો રંગહીન હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સંપૂર્ણ રીતે રંગહીન હોય તેવાં પ્રાણીઓની ત્વચા દુગ્ધ-શ્ર્વેત (milky white), જ્યારે વાળ અને પીંછાં સફેદ હોય છે. વિપરીત સંજોગોમાં રંગહીનત્વ સાથે માનસિક કે શારીરિક નબળાઈ સંકળાયેલી હોય છે. કેટલાંક પ્રાણીઓનું રંગહીનત્વ આંશિક હોઈ શકે છે. તેવાં પ્રાણીઓમાં શરીર-ત્વચાનો વિશિષ્ટ ભાગ શ્યામવર્ણી જ્યારે શેષ ભાગ શુભ્રવર્ણી હોઈ શકે છે. અન્ય કેટલાંક પ્રાણીઓમાં (ખાસ કરીને માનવીઓમાં) શરીરની ત્વચા પર જ્યાંત્યાં શ્ર્વેત ભાગના અનિયમિત આકારના ડાઘા કે ટપકાં પ્રસરેલાં જોવા મળે છે.
વન્ય પ્રાણીઓમાં સંપૂર્ણ રંગહીનતા ભાગ્યે જ જોવા મળે છે. રક્ષણાત્મક વર્ણકતાનો અભાવ હોય તો તેઓ સહેલાઈથી ભક્ષકોના ભોગ બને. વળી તેવાં પ્રાણીઓ સૂર્યકિરણોની વિપરીત અસર ટાળી શકતાં નથી. જોકે ભારત તેમજ અન્ય કેટલાક દેશોનાં પ્રાણીસંગ્રહાલયોમાં રંગહીન વાઘ જોવા મળે છે; કારણ કે તેમને સંગ્રહાલયમાં પૂરતું રક્ષણ મળે છે.
કેટલીક વનસ્પતિઓમાં રંજકકણો(chromatophore)ના અભાવમાં તેનાં ફૂલ કે પાંદડાં અંશત: કે સંપૂર્ણપણે શ્ર્વેત રંગનાં હોઈ શકે છે. હરિતદ્રવ્ય(chlorophyll)ના અભાવમાં વનસ્પતિ સંપૂર્ણપણે શ્ર્વેત રંગની હોઈ શકે છે; પરંતુ આ રંગહીનતા અંકુર(sprouting)- અવસ્થા પૂરતી મર્યાદિત હોય છે. હરિતદ્રવ્યના અભાવમાં કાર્બોદિતોનું સંશ્લેષણ થતું નથી. પરિણામે આવી વનસ્પતિઓમાં ચયાપચયી પ્રક્રિયા કે વિકાસ અસંભવ બને છે.
મ. શિ. દૂબળે