રંગદર્શી કલા : યુરોપીય કલામાં 1750થી 1870 સુધીના ગાળામાં વ્યાપક બનેલ વલણ. રંગદર્શિતાવાદ નવપ્રશિષ્ટવાદની સમકાલીન ઘટના હતી. રંગદર્શિતાવાદી કલાને ગટે, કાન્ટ, બૉદલેર અને શૉપનહાઉર જેવાનું સમર્થન સાંપડ્યું હતું. પ્રકૃતિનાં પ્રબળ અને પાશવી પરિબળો સામે માનવનાં કૌશલ્ય, બુદ્ધિ, બળ અને જુસ્સો નગણ્ય બની રહેવાથી ઊભી થતી કરુણાંતિકાઓ, અને પ્રકૃતિ પ્રત્યે માનવીને થતી ભયમિશ્રિત આદરની લાગણીઓ રંગદર્શી કલાના વિષયમાં કેન્દ્રસ્થાન પામી. વીરત્વનો વિજય નહિ, પણ પરાજય રંગદર્શિતાવાદનો પ્રિય વિષય થઈ પડ્યો. સીમિત શક્તિવાળો માનવી અનંત શક્તિશાળી પ્રકૃતિ સામે વામણો પુરવાર થાય છે, પણ તે સંઘર્ષમાંથી પ્રકટ થતા માનવીના સંનિષ્ઠ પુરુષાર્થનો મહિમા કરવાની રંગદર્શિતાવાદી કલાની નેમ રહી છે.
નવપ્રશિષ્ટતાવાદી ચિત્રકારોએ ભાવના અને લાગણી તેમજ રંગોને લગભગ નકારી કાઢ્યાં અથવા તેમનો છેદ ઉડાડ્યો, જ્યારે રંગદર્શિતાવાદી કલાકારો માટે તો લાગણી અને રંગો આદર્શ બની રહ્યાં. તેથી રંગદર્શિતાવાદી કલાકારોની આકૃતિ શિલ્પ જેવી ઘનીભૂત નહિ, પણ ઉષ્માભર્યા રંગ-આયોજનથી ધૂંધળી બની રહેતી. ધારદાર છાયા-પ્રકાશ અને સ્પષ્ટ આલેખનને સ્થાને પીંછીના લસરકા, ઘસરકા અને થીંગડાં (impasto) વડે ધૂંધળાં અને ધુમ્મસિયાં આલેખનોનો મહિમા થયો.
ફ્રાન્સમાં થિયોડૉર જેરિકો અને યૂજીન દલાક્રવા રંગદર્શિતાવાદના પ્રણેતા હતા. માત્ર 33 વરસની યુવાન ઉંમરે મૃત્યુ પામનાર જેરિકોએ નેપોલિયનના યુદ્ધની વિભીષિકા નજરોનજર નિહાળી હતી અને યુદ્ધભૂમિ પર લડતા સૈનિકોનાં ત્વરિત રેખાંકનો પણ તેમણે સ્થળ પર જ કર્યાં હતાં. તેમને તેમજ દલાક્રવાને મન, નેપોલિયન આરસમાં કોતરેલો દેવ નહિ, પણ ક્રૂર સિતમગર જણાયો હતો. નવપ્રશિષ્ટતાવાદ પ્રાચીન રોમન સામાજ્યની ભવ્યતામાં રાચી વાસ્તવિકતાથી વેગળી માયાજાળ રચતો હતો તેવું રંગદર્શી ચિત્રકારોએ અનુભવ્યું; તેથી તેમણે પ્રાચીન વીરનાયકનાં વિજયો અને સિદ્ધિઓને સ્થાને અર્વાચીન અદના આદમીના રોજેરોજના જીવનસંઘર્ષને ચિત્રિત કર્યો. આ અદના આદમીના જીવનસંઘર્ષમાં જ તેમને સાચા વીરત્વનું દર્શન થયું. જેરિકોના રંગદર્શિતાવાદની સર્વોત્તમ કૃતિ જેવા ગણાતા ‘રૅફ્ટ ઑવ્ મેડુસા’ નામના ચિત્રે ફ્રાન્સમાં તરખાટ મચાવ્યો. તે સમયના ઉન્નતભ્રૂ કલાવિવેચકોને આ ચિત્રમાંથી પ્રકટતું અદના આદમીનું વીરત્વ જચ્યું નહિ તેથી તેને વખોડી કાઢ્યું. આ ચિત્રમાં તોફાની સાગર મધ્યે પડેલા ઘવાયેલા અને ભૂખ્યા માનવીઓની ઘોર નિરાશાને આલેખાઈ છે. 1818માં આ ચિત્ર દોરાયું તેના થોડા જ વખત અગાઉ ફ્રાન્સનું મેડુસા નામનું એક મોટું વહાણ પશ્ચિમ આફ્રિકા પાસે સમુદ્ર મધ્યે ડૂબી ગયું હતું. બચેલા માણસો એક તરાપા પર લગભગ 40 દિવસો સુધી વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી જીવતા રહ્યા અને છેવટે મૃત્યુ પામ્યા. જીવવા માટે આજુબાજુ કોઈ ખોરાકની શક્યતા ન હોવાથી તરાપા પર ચઢેલા આશરે 100 માણસોમાંથી બળિયાઓએ નબળા માનવીઓને ચીરી ફાડી ખાધા ! આશરે 40 દિવસ પછી તરાપો કોઈ બીજા વહાણની નજરે પડ્યો ત્યારે માત્ર 13 માનવી જીવિત હતા ! માનવીની જિજીવિષા, આશા, નિરાશા અને આદમખોરી(cannibalism)નું આલેખન આ ચિત્રમાં છે. તરાપાના એક છેડે મૃત, અર્ધમૃત-બેભાન માનવદેહો પડેલા છે; બીજે છેડે માણસો ઉત્સાહમાં છે. કારણ કે એમને એક મોટા મોજા પાછળ દૂર દરિયાઈ ક્ષિતિજે એક ટચૂકડું વહાણ નજરે પડે છે અને તેથી તેમની જિજીવિષા જાગ્રત થઈ ચૂકી છે. તેઓ એકબીજાના ખભે ચડી લૂગડાં કાઢીને પવનમાં લહેરાવે છે, જેથી વહાણ પરના માનવીઓની નજર પોતાની પર પડે અને પોતાને બચાવે; પરંતુ વચ્ચે રહેલું વિરાટ મોજું તેમને આશા અને નિરાશા વચ્ચે ટટળાવે છે, કારણ કે એ મોજાને કારણે વહાણના લોકોની નજરે તરાપો કદાચ ન પણ ચઢે ! આમ વહાણ પરથી માંડીને બીજે છેડે આશા-નિરાશાના ચઢાવ-ઉતાર કે આરોહ-અવરોહ આલેખીને પાશ્ચાત્ય સંગીતના મહત્ત્વના લક્ષણ જેવું અવાજની સ્થિતિ-ગતિનું દૃશ્ય માધ્યમમાં કેટલેક અંશે સમાંતર ચિત્રણ કર્યું. આ ચિત્રના સર્જન દરમિયાન જેરિકોએ ચિત્રણમાં સચ્ચાઈભર્યું નિરૂપણ કરવા માટે મેડુસાના તરાપા પરના જીવતા બચેલા આદમખોર 13 માણસોની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેમનાં ત્વરાલેખનો પણ કર્યાં હતાં. જેરિકોએ આજીવન નવપ્રશિષ્ટતાવાદીઓએ પ્રતિષ્ઠિત બનાવેલ ચીલાચાલુ રૂઢિગત ચિત્રપદ્ધતિનો વિરોધ કરેલો. તે ત્રીસમા વરસે ઘોડેસવારી દરમિયાન મૃત્યુ પામ્યા.
દલાક્રવાને પૂર્વના અને ખાસ તો ઉત્તર આફ્રિકાના ટ્યૂનિશિયા અને અલ્જીરિયા જેવા દેશોના જીવનમાં ઊંડો રસ હતો. તેમનાં અલ્જીરિયન રૂપસુંદરીઓનાં ચિત્રો ખાસ્સી ખ્યાતિ પામ્યાં હતાં. તેમણે ‘ડેથ ઑવ્ સધર્નાપૉલિસ’ શૈલીનાં ચિત્રોમાં વીરનાયકના પરાજય આલેખ્યા છે. બ્રિટિશ નિસર્ગ ચિત્રકારો જૉન કૉન્સ્ટેબલ અને વિલિયમ ટર્નર ફ્રાન્સની બાર્બિઝો અને પ્રભાવવાદી શૈલીઓના પુરોગામી બન્યા. બંનેએ રૂઢ અને પરંપરાગત અભિગમ ફગાવીને સ્ટુડિયોને બદલે નિસર્ગને ખોળે બેસીને ક્ષણેક્ષણે બદલાતાં જતાં ક્ષણિક હવામાન અને પ્રકાશને ચિત્રિત કર્યાં. ચિત્રને સાચવી-સાચવીને આલેખીને લિસ્સો અને સુંવાળો ચળકાટ આપવાનું ટાળીને પીંછીના જાડા બરછટ ઘસરકા અને થીંગડાંની શૈલીનો આવિષ્કાર કર્યો. બંનેને વાવાઝોડા અને દાવાનળ જેવી કુદરતની કોપાયમાન શક્તિઓ આલેખવાનું ખૂબ ગમતું. કૉન્સ્ટેબલે માત્ર બ્રિટિશ નિસર્ગનું ચિત્રણ કર્યું; જ્યારે ટર્નર સમગ્ર યુરોપ ખૂંદી વળ્યા. બ્રિટિશ કલાવિવેચક રસ્કિને ટર્નરને ‘ધૂંધળા પ્રકાશના ઉસ્તાદ’ તરીકે ઉલ્લેખ્યા છે. તેમનાં જાણીતાં ચિત્રોમાં ‘સ્નો સ્ટૉર્મ’, ‘રેઇન, સ્ટીમ ઍન્ડ સ્પીડ’, ‘ધ બર્નિંગ પાર્લમેન્ટ હાઉસિઝ’ સ્થાન પામે છે. આ ઉપરાંત મૅર્ટિને વિનાશ-સર્વનાશ-પ્રલય આલેખતાં નિસર્ગચિત્રો સર્જ્યાં; જેમાં ભયાનક રસ પ્રકટ થાય છે. જર્મનીમાં ફ્રિડરિખે ગૂંગળાવી નાખતી તીવ્ર એકલતા સૂચવતી અને મૃત્યુના ઓથાર હેઠળની ભેંકાર પ્રકૃતિનું આલેખન કરતાં નિસર્ગચિત્રો સર્જ્યાં. જર્મનીમાં રંગદર્શિતાવાદને મધ્યયુગની ગૉથિક કલા સાથે સાંકળવાનું વલણ પ્રગટ્યું અને ગ્રેકો-રોમન કલાને રંગદર્શિતાવાદી વલણના વિરોધી પ્રશિષ્ટતાવાદી ધ્રુવ તરીકે જોવાનું શરૂ થયું. આથી જ ગ્રેકો-રોમન પદ્ધતિના ચિત્રણની સાથે ગ્રેકો-રોમન પુરાકથાઓનો પણ ત્યાગ કરી ટ્યૂટૉનિક કથાઓનું આલેખન કરવામાં આવ્યું અને પ્રકાશ-છાયા અને દૂરત્વનું આલેખન કરતી ચિત્રશૈલીને ગ્રેકો-રોમન પ્રશિષ્ટતાના લક્ષણ તરીકે ગણીને ફગાવી દેવામાં આવી. સ્પેનમાં ફ્રાન્સિસ્કો ગોયાની ચિત્રકલામાં રંગદર્શી વલણ ખૂબ જ પ્રભાવક નીવડ્યું. નેપોલિયનના સ્પેન પરના વિજયની તેમણે કૅન્વાસ પર કડક આલોચના કરી. તેમના ચિત્ર ‘ધ સેક્ધડ ઑવ્ મે 1808’(1814)માં નેપોલિયનના સૈનિકોને સ્પેનના નિર્દોષ નાગરિકોની ઘાતકી કતલ કરતા આલેખ્યા છે. ‘ધ રૉયલ ફૅમિલી ઑવ્ ચાર્લ્સ ધ ફૉર્થ’માં રાજપરિવારના સભ્યોની નિષ્ઠુરતા અને લંપટતા ઉપરછલ્લા સુષ્ઠુ આલેખન હેઠળ પ્રગટ કરી ચિત્રને કટાક્ષ અને વ્યંગ્યની કક્ષાએ પહોંચાડ્યું છે. તેમનું ગાંડાઘરનું આલેખન કરતું ચિત્ર ‘ધ મૅડ હાઉસ’ જોતાં દર્શકના મનમાં દુ:ખ અને દયાની લાગણી જન્મે છે. તેમની અંતિમ ચિત્ર-શ્રેણી ‘ધ બ્લૅક પેઇન્ટિંગ્ઝ’માં આદમખોરી, ભૂતાવળ અને માનવીની યાતનાઓનું ત્રાસજનક અને જોતાં જ કંપારી છૂટે તેવું ચિત્રણ છે. ગોયા મુદ્રણકલાના ઉત્તમ જાણકાર હતા. તેમની ઇન્ટાલ્યો શૈલીની ચિત્રછાપોમાં પણ સામાજિક વિવેચન જોઈ શકાય છે; દા.ત., એક ચિત્રછાપનું શીર્ષક છે : ‘ધ સ્લીપ ઑવ્ રીઝન પ્રૉડ્યૂસિઝ મૉન્સ્ટર્સ.’
રંગદર્શિતાવાદ – દૃશ્યકલામાં માત્ર ચિત્રના માધ્યમ મારફત જ પ્રગટ્યો. શિલ્પ અને સ્થાપત્ય જેવી કલાઓ રંગદર્શિતાવાદથી અલિપ્ત રહેવા પામી.
અમિતાભ મડિયા