રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ

January, 2003

રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ : કલા-સાહિત્યમાં પ્રચલિત બે સિદ્ધાંતો કે વાદો. રંગદર્શિતા ‘રોમૅન્ટિસિઝમ’નો તો રૂપદર્શિતા ‘ક્લાસિસિઝમ’નો પર્યાય છે. ‘રોમૅન્ટિસિઝમ’ તથા ‘ક્લાસિસિઝમ’ સંજ્ઞાઓ સામસામે તોળાતી સંજ્ઞાઓ છે અને ગુજરાતીમાં તેમના અનેક પર્યાયો છે : કવિ કાન્ત ‘રોમૅન્ટિક’ માટે ‘મસ્ત’ અને ‘ક્લાસિકલ’ માટે ‘સ્વસ્થ’ પર્યાય આપે છે. ખબરદાર અને વિજયરાય વૈદ્ય એ રીતે અનુક્રમે ‘રંગપ્રધાન’ કે ‘રંગદર્શી’ અને ‘રૂપપ્રધાન’ કે ‘રૂપદર્શી’ પર્યાયો આપે છે. કનૈયાલાલ મુનશી ‘આનંદલક્ષી’ અને ‘શિષ્ટાચારી’, વિશ્વનાથ મ. ભટ્ટ ‘કૌતુકપ્રિય’ અને ‘સૌષ્ઠવપ્રિય’, કવિ ન્હાનાલાલ ‘નવપલ્લવિત’ કે ‘સૌન્દર્યશોભન’ અને ‘સંસ્કારશોભન’ પર્યાયો પ્રયોજે છે. આનંદશંકરે રોમૅન્ટિસિઝમને જીવનના ઉલ્લાસ કે આનંદ રૂપે અને ક્લાસિસિઝમને સંસ્કારી સંયમ કે તપ રૂપે નિર્દેશ્યા છે. ઉમાશંકરે ‘રોમૅન્ટિક’ માટે ‘આસમાની’ શબ્દ પણ વાપર્યો છે. કેટલાક ‘કૌતુકરાગી’, ‘મસ્તરંગી’ કે ‘ઉદ્રેકવાદી’ પર્યાયો પણ આપે છે. આ બધા પર્યાયો ‘રોમૅન્ટિસિઝમ’ તથા ‘ક્લાસિસિઝમ’માંનાં કેટલાંક જીવાતુભૂત તત્ત્વો કે લક્ષણોના સંકેતરૂપ હોવાનું જોઈ શકાય છે.

રંગદર્શિતાવાદ : ‘રોમૅન્ટિક’ – એ અંગ્રેજી શબ્દના મૂળમાં ફ્રેન્ચ ભાષાનો ‘Romanz’ શબ્દ છે. આ ‘રોમૅન્ટિક’ શબ્દની અનેક અર્થચ્છાયાઓ છે. પ્રેમમાં મસ્ત, તરંગવાળું, કલ્પિત, કંઈક નૂતન, પરંપરાથી ફંટાતું અને કલ્પનાલોકમાં રાચતું વગેરે વિવિધ અર્થોનો સંકેત ‘રોમૅન્ટિક’ સંજ્ઞાથી થાય છે. જે કલા કે સાહિત્યના માટે ‘રોમૅન્ટિક’ સંજ્ઞા પ્રયોજાય છે અથવા જે સાહિત્યમાં રોમૅન્ટિસિઝમનો પ્રભાવ હોય છે તેમાં સામાન્યત: આ પ્રકારની કેટલીક વિલક્ષણતાઓ જોવા મળે છે : (1) એમાં બાહ્ય સ્વરૂપના મુકાબલે અંતસ્તત્ત્વ પર ભાર હોય છે. કલાકૃતિનો આત્મા પોતાની રીતે જે સ્વરૂપાભિવ્યક્તિ સાધે તે એનું બાહ્ય સ્વરૂપ બને છે. (2) એક પ્રકારનું પારલૌકિકતાનું તત્ત્વ એમાં ઝળૂંબેલું જોવા મળે છે. એમાં કલ્પનાસૃષ્ટિનો સ્વૈરવિહાર જોવા મળે છે. (3) એમાં પ્રકૃતિનાં ઉદાત્ત (sublime) અને ઉદ્દામ તત્ત્વોને સ્પર્શતું, આવરતું વિષયવસ્તુ હોય છે. (4) એમાં સાહિત્ય-કલાનાં અંતિમ તત્ત્વોની ઉપાસના જોવા મળે છે. ક્યારેક સ્વાતંત્ર્યભાવનાના અતિરેકે ઉદ્દંડતા કે સ્વચ્છંદતા પણ આવી જાય છે. (5) એમાં પ્રયોગશીલતા ને સાહસિકતાનું પ્રાબલ્ય હોય છે. (6) એમાં નવીનતા પ્રત્યેનો પક્ષપાત હોય છે. તત્કાલીન જીવનની વાસ્તવિકતાઓને ઊંડળમાં લેવાનો અભિગમ પણ હોય છે. (7) આ સાહિત્યમાં ઉત્સાહ, તરવરાટ અને તાજગી, ઉત્તેજના, વિસ્મય કે કૌતુકરાગિતા, આધ્યાત્મિક અભિનિવેશ, પ્રગતિલક્ષી આવેશ, મૌલિકતાનો આગ્રહ, ગહનતાનું આકર્ષણ, મુક્તિનો મિજાજ, પ્રગલ્ભતા, જીવંતતાની જિકર વગેરે હોય છે. (8) આ સાહિત્યમાં સહજતા સ્વાભાવિકતા કે અકૃતકતાની તરફદારી હોય છે. (9) આ સાહિત્યમાં કલ્પનાના મુક્ત ઉડ્ડયનને, અતીતથી વિરુદ્ધ અનાગત પ્રતિના આત્મવિહારને, હળવાશ અને મોકળાશને વિશેષભાવે અનુકૂળતા મળે છે. આ સાહિત્યમાં જે કંઈ સ્થગિત, જડ, રૂઢ ચોકઠાબંધ હોય તે સામે વિદ્રોહ હોય છે. પ્રણાલિકાભંજનનો જુસ્સો હોય છે. (10) એમાં સમષ્ટિના મુકાબલે વ્યષ્ટિચેતનાની પ્રતિષ્ઠા હોય છે. (11) એમાં સૌન્દર્યભક્તિ, રહસ્યલક્ષિતા, આદિમતા વગેરેનું પ્રાબલ્ય હોય છે. (12) એમાં એક પ્રકારની એવી બંડખોરવૃત્તિ હોય છે, જે રૂપદર્શિતાનાં ધોરણો-નિયમો વગેરેને વશ વર્તતી નથી. તેના સર્જકની જિજીવિષા, જિજ્ઞાસા ને સિસૃક્ષા વગેરે એવાં ઉત્કટ હોય છે કે તે પરંપરાનિષ્ઠ કલામૂલ્યોની માવજત પ્રત્યે પણ બેપરવા રહે છે. ખોજવૃત્તિ ને જોખમો ઉઠાવવાની વૃત્તિનું જોર વિષયવસ્તુથી માંડી રજૂઆતરીતિમાં અણધાર્યા રમણીય અકસ્માતો સર્જે છે. (13) આ રોમૅન્ટિક શૈલીની રચનારીતિ કેટલીક રીતે ગૉથિક દેવળોની રચનારીતિનું સ્મરણ કરાવતી હોય છે. ઉપવન કરતાં વનનો આકાર એમાં સધાતો વરતાય. (14) આવું સાહિત્ય જેવો ‘કલાકાર એવી કલાકૃતિ’  એવા વિધાનને પુષ્ટિ કરતું હોય છે.

જીવનમાં જેમ મનમોજી, અલગારી કે રંગીલા માણસો હોય છે તેમ સાહિત્ય-કલાના ક્ષેત્રે પણ એવા ફાંટેબાજ, ફાંકેબાજ સાહિત્યકારો કલાકારો હોય છે, જેની સાહિત્યકલાક્ષેત્રે પોતાની આગવી  અનન્ય ચાલ હોય છે. આવા સાહિત્યકારો  કલાકારોની સાહિત્ય કલા માટે ‘રોમૅન્ટિક’ – ‘રંગદર્શી’ કે ‘રંગદર્શિતાવાદી’ સંજ્ઞા વિશેષણ તરીકે પ્રયોજાતી હોય છે.

રૂપદર્શિતાવાદ (classicism) : ‘ક્લાસિસિઝમ’ શબ્દના મૂળમાં ‘class’ શબ્દ છે. લૅટિન ‘classis’નો અર્થ વર્ગ, જૂથ કે ઉપવિભાગ – એવો થાય છે અને તે શબ્દ ઍલેક્ઝાન્ડ્રિયાના વિખ્યાત ગ્રંથાલયમાં કામ કરતા વિદ્વાનોના સંદર્ભમાં પ્રયોજાતો હતો. ફ્રેન્ચ ‘classique’ અને ‘classicisme’ શબ્દો ઉત્તમ કૃતિઓના મહાન સર્જકોનો સામાન્યત: નિર્દેશ કરે છે. ફ્રાન્સમાં લુઈ ચૌદમાના શાસન દરમિયાન તે શબ્દો એ સંદર્ભમાં પ્રયુક્ત થતા હતા. જર્મન ભાષાનો ‘klassizismus’ શબ્દ પણ ગેટે, શિલર જેવા મોટા ગજાના લેખકોનો સંકેત કરે છે. આ શબ્દો સુદૃઢ માળખું, ભાવોદ્રેકનો અભાવ, ટાઢીબોળ વિચારણા જેવાં લક્ષણોનો પણ આડકતરી રીતે નિર્દેશ કરે છે. ક્લાસિકલ અભિગમ રોમૅન્ટિક અભિગમથી ઊલટી બાજુનું સૂચન કરે છે.

‘ક્લાસિકલ’ શબ્દ જીવન પ્રત્યેનો એક નિયત અભિગમ દાખવે છે. માનવ-પરિસ્થતિ જોવાના બે માર્ગો છે : પહેલો માર્ગ આવા પ્રશ્ર્નોથી શરૂ થાય છે : જીવન શાના માટે છે ? જીવન મનુષ્યને ક્યાં લઈ જાય છે ? મનુષ્ય જે કંઈ જાણે છે તેનીયે પાર પહોંચી શકે ? કઈ રીતે ? પૂર્ણ જીવન શું છે ? એની પૂરેપૂરી અભિવ્યક્તિ શક્ય છે ? આવા પ્રકારના પ્રશ્ર્નો રૂપદર્શી પ્રકૃતિવાળા મનુષ્યોને, કલાકારોને થાય એ સ્વાભાવિક છે. રંગદર્શી પ્રકૃતિવાળા મનુષ્યો – કલાકારોનો માર્ગ આવા પ્રશ્ર્નોથી શરૂ થાય છે : ભૂતકાળે મનુષ્યને શું શીખવ્યું છે ? જે પેઢીઓ આંખ આગળથી પસાર થાય છે, તેમને શું પ્રદાન કરી શકાય એમ છે ? મનુષ્ય જે હતું, જે છે અને જે થનાર છે તેની સાથે કેવી રીતે મેળ પાડી શકશે ? ખરેખર જે બદલાતી નથી એમ કહેવાય છે તે કુદરત કેવી છે ? આવા પ્રશ્ર્નોનું તલાવગાહી, ચિંતન-મનન-દર્શન કરતાં મનુષ્ય અનિવાર્યતયા રંગદર્શી વલણો પ્રતિ પોતાનો ઝોક દાખવતો થાય છે.

જે કલા કે સાહિત્ય માટે ‘રૂપદર્શી’ કે ‘ક્લાસિક’ કે ‘ક્લાસિકલ’ વિશેષણો પ્રયોજાય છે અથવા જે કલાસાહિત્યમાં ક્લાસિસિઝમનો પ્રભાવ હોય છે તેમાં સામાન્યત: આ પ્રકારની કેટલીક વિલક્ષણતાઓ નજરે ચડે છે : (1) આ સાહિત્યમાં બાહ્ય સ્વરૂપ પર, તેનાં સૌન્દર્ય પર ભાર હોય છે. આકાર-સૌષ્ઠવ, પ્રમાણબદ્ધતા, સંયમ, વ્યવસ્થિતતા, અખિલાઈના સંદર્ભમાં સંવાદિતા આદિનો એમાં આગ્રહ રખાય છે. (2) એમાં ઐહિકતાની પ્રતિષ્ઠા હોય છે. જે તે જીવનના વસ્તુલક્ષી સંદર્ભો સાથે કામ પાડવાનો અભિગમ એમાં હોય છે. દુનિયાથી – દુનિયાદારીથી દૂર કાલ્પનિક વ્યોમવિહાર એમાં વર્જ્ય લેખાય છે. (3) આ સાહિત્યમાં રસનું કેન્દ્ર માનવચિત્ત રહે છે. (4) આમાં મધ્યમ માર્ગની (golden mean) ઉપાસના ઇષ્ટ હોય છે. સ્વસ્થ ચિત્તના વિચારોની વ્યવસ્થિત અભિવ્યક્તિ એમાં અપેક્ષિત હોય છે. (5) એમાં પરંપરાગત ભાવ-ભાવના-વિચારો-માન્યતાઓની ને મૂલ્યોની સાદર હિમાયત હોય છે. એમાં જે ઉત્તમ હોય, મહિમાવંત હોય તેના અનુકરણ-અનુકૃતિ(imitation)નું લક્ષ્ય હોય છે. (6) આ સાહિત્યમાં જેમ સંયમ, શિસ્ત તેમ ઔચિત્ય, પ્રમાણવિવેક, સંરક્ષકભાવ વગેરે બળવત્તર હોય છે. (7) આ સાહિત્યમાં આપ્તવાક્ય, જૂનું તે સોનું (‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’) જેવી માન્યતાઓ સવિશેષ સમર્થિત થતી હોય છે. (8) આમાં જે કંઈ કરાય તે સર્વમાં સુશ્ર્લિષ્ટતા, સુરેખતા, સુઘડતા, સંપૂર્ણતા, સમતુલા વગેરે અનિવાર્ય લેખાય છે. (9) એમાં આવતા સંરક્ષણવાદી ખ્યાલો, પરંપરાનિષ્ઠ વલણો, અજ્ઞાતનો ભય ને સાહસવૃત્તિ કે પ્રયોગવૃત્તિનો ક્ષય કે અભાવ સર્જનાત્મક જુસ્સાને અવરોધક કે કુંઠિત કરનાર નીવડતો હોય એવું કવચિત્ જોવા મળે છે. (10) રોમૅન્ટિસિઝમના ‘ડાયોનિશિયન’ અભિગમ સામે આમાં ‘ઍપોલોનિયન’ અભિગમ જોરદાર હોય છે. તર્કપુર:સરનું, આત્મનિયંત્રિત સૌષ્ઠવયુક્ત કલાસૌન્દર્ય સિદ્ધ કરવાની ખેવના આમાં પ્રબળ હોય છે. (11) આ સાહિત્યમાં ઉત્કૃષ્ટ અભિરુચિનું – સુરુચિનું વર્ચસ્ હોય છે. એ રુચિ પરંપરાના આકલને ઘડાયેલી હોય છે. (12) આ ક્લાસિકલ રીતિના સાહિત્યમાં રીતિ પર સવિશેષ ભાર મુકાતાં સાહિત્ય અને કલાનાં બાહ્ય તત્ત્વોની આરાધના બળવત્તર થઈ. એના અતિરેકે શબ્દાળુતા, કૃતકતા, જટિલતા, વધુ પડતી સભાનતા, આડંબર વગેરેથી કલાસાહિત્યના સહજ પ્રવાહમાં વિક્ષિપ્તતા આવવાના દાખલા જોવા મળે છે. (13) આ સાહિત્યમાં રૂઢિ કે રૂઢ બળો જોર કરે અને તેથી પ્રયોગશીલતા રૂંધાય એવું બને છે. ઘણી વાર આ કારણે પાત્રાલેખન, વર્ણન આદિમાં ચોકઠાબંધી, રીતિદાસ્ય વગેરે આવી જાય છે. (14) સામાન્ય રીતે ક્લાસિકલ રુચિવાળા કલાસાહિત્યમાં પ્રશિષ્ટતાનાં ધોરણો મૂલ્યોની જતન જાળવણીનો આગ્રહ રહે છે. તેથી કલાવિધાનમાં વિશદતા, સ્પષ્ટતા, સુશ્ર્લિષ્ટતા, સમતા-સંવાદિતા વગેરે આરાધ્ય બને છે. (15) ક્લાસિકલ રચનાઓ ગ્રીક મંદિર જેવી હોય છે – સુગ્રથિત, સુઘડ, સૌષ્ઠવયુક્ત ને ચુસ્ત આકારબદ્ધ.

આમ ક્લાસિકલ – પ્રશિષ્ટ કે રૂપદર્શી મિજાજવાળા સર્જકો સાહિત્યકલાના ઉજ્જ્વળ વારસાના રક્ષક, સમર્થક, પ્રકાશક કે પ્રવર્તક તરીકે સવિશેષ ધ્યાન ખેંચતા હોય છે. આ ક્લાસિકલ વલણના ઉદભવના મૂળમાં ગ્રીક અને રોમન કલાસાહિત્ય રહેલાં છે. ગ્રીક અને રોમન કલાવારસાના નમૂનાઓ પશ્ચાદવર્તી અનેક કલાસર્જકો માટે પ્રેરક કે આદર્શ બની રહ્યા. એ રીતે અતીત સાથેનો રૂપદર્શિતાનો સંબંધ સ્પષ્ટ છે. આમ છતાં આ રૂપદર્શિતા અતીતપૂજા કે અતીતરાગમાં સમાપ્ત થતી નથી. એમાં ચિરસ્થાયી-ચિરંતન કે સનાતન કલામૂલ્યો ને જીવનમૂલ્યોની જિકર પણ પ્રબળ હોવાનું જણાય છે. એમાં તલસ્પર્શી અભિગમે સર્જન ને વિવેચનની બુનિયાદ મજબૂત ને મક્કમ થાય એવો શિવસંકલ્પ પણ જોવા મળે છે. એનો અભિગમ દૃષ્ટિપૂત, તપ:પૂત, સંયમપૂત હોઈ, તે કેટલીક રીતે કલાસાહિત્યના સ્વાસ્થ્ય-વિકાસને પોષક હોઈ અનિવાર્ય બને છે. ક્લાસિસિઝમ સાહિત્ય-કલાના ધરુ માટે અનિવાર્ય ધરતી, ખાતર, પાણી પૂરાં પાડે છે તો રોમૅન્ટિસિઝમ એના મુક્ત વિકાસ ને ખિલાવટ માટેનાં હવા, પ્રકાશ ને અવકાશ – આકાશ પૂરાં પાડે છે. બેયનો સમુચિત સુમેળ – સહકાર સાહિત્ય-કલાના સર્વતોમુખી વિકાસ માટે અનિવાર્ય બની રહે છે.

આ પ્રકારનાં વલણો કલા-સાહિત્યના ક્ષેત્રે ઉદભવવિકાસના બધા તબક્કાઓમાં જોઈ શકાય છે. રામાયણ  મહાભારત કે ‘ઇલિયડ’ – ‘ઑડેસી’માં રંગદર્શી કે રૂપદર્શી વલણો જોઈ શકાય. આ વલણો એકબીજાંથી વિભિન્ન જરૂર છે; પરંતુ એ વલણો એક જ યુગમાં, એક કલાકારમાં ને એની એક જ કલાકૃતિમાં સહોપસ્થિત હોઈ શકે. ‘કાન્ત’ એમનાં ખંડકાવ્યોની રચનામાં વિષયવસ્તુ પરત્વે રંગદર્શી પણ તેની અભિવ્યક્તિ પરત્વે રૂપદર્શી હોવાનું જોઈ શકાય. એથી ઊલટું ન્હાનાલાલ એમની ડોલનશૈલીની રચનામાં વિષયવસ્તુ પરત્વે રૂપદર્શી અને અભિવ્યક્તિ પરત્વે રંગદર્શી હોવાનું પ્રતીત થાય છે.

આ રંગદર્શી અને રૂપદર્શી વલણો વાદ તરીકે ઊપસી આવ્યાં યુરોપમાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં. અઢારમી સદીનો યુગ ઉત્ક્રાંતિનો યુગ બની રહ્યો. ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રેન્ચ ક્રાંતિ જેવી ઘટનાઓએ વિજ્ઞાનના વિકાસવ્યાપે, બૌદ્ધિકતાના પ્રભાવે જનજીવન અને કલાજીવનમાં અનેકાનેક ઊથલપાથલો પેદા કરી. જૂનાં બંધનો તોડવાની ને નવાં વલણો અપનાવવાનું વલણ જોરદાર બન્યું. તેથી જૂના-નવાનો સંઘર્ષ પણ થયો. કલા ને સાહિત્યક્ષેત્રે ‘ક્લાસિકલ’ ને ‘રોમૅન્ટિક’ના પક્ષો ઉદભવ્યા. હૉરેસ, સિસેરો, ઝાં રેસિન (Jean Rancine), બ્લેઇઝ પાસ્કલ, રેને ડેસ્કાર્ટ, લેસિંગ, ગેટે, ફ્રેડરિક શિલર, બેન જ્હૉન્સન, ડ્રાયડન, પોપ, કૉર્નિલ, એડિસન વગેરે ક્લાસિકલ વૃત્તિ ધરાવનારા તો ફ્રેડરિક શ્ર્લેગલ કૉલરિજ, વડર્ઝવર્થ, શૅલી, કીટ્સ, બાયરન, બ્લેક વગેરે રોમૅન્ટિક વૃત્તિઓ ધરાવનારા લેખકો – કવિઓ હતા. ગેટે, શિલર બીથોવન જેવા તો રોમૅન્ટિકોની હરોળમાં પણ સ્થાન પામે છે ! વળી માઇકેલેન્જેલો રફાયેલ જેવા કલાકારો તથા મોઝાર્ટ, બીથોવન જેવા સંગીતકારો પણ આ રૂપદર્શી કલાશૈલીના સર્જકો લેખાય છે. શેક્સપિયર રંગદર્શી વલણવાળો સર્જક લેખાયો છે.

રૂપદર્શી-પ્રશિષ્ટ (ક્લાસિકલ) સાહિત્યનો પ્રભાવ ઘણાં વર્ષો સુધી ચાલ્યો હતો. એક જમાનામાં ગ્રીસ અને રોમન સાથે સંલગ્ન આ વાદ પંદરમી  સોળમી સદીમાં યુરોપમાં નૂતન રૂપદર્શિતાવાદ કે ‘નિયો-ક્લાસિસિઝમ’ તરીકે પાછો અસ્તિત્વમાં આવેલો. એની મજબૂત પરંપરા રહી છે. પ્રશિષ્ટ સાહિત્યમાં એકની એક વસ્તુની રટણા તથા ગતાનુગતિક બદ્ધતાના કારણે સ્થગિતતાનો અનુભવ થવા માંડ્યો હતો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લૅન્ડ તેમજ જર્મનીમાં પ્રશિષ્ટતાવાદના પ્રત્યાઘાત રૂપે રંગદર્શિતાવાદી વિચાર-વલણો અને તેનો પ્રભાવ પ્રગટ કરતું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. 1835-40 સુધીમાં તો આ વલણો સમગ્ર યુરોપમાં વ્યાપક બને છે અને કલા તેમજ જ્ઞાનનાં ક્ષેત્રોમાં તે ચર્ચાનો કેન્દ્રીય વિષય બની રહે છે. આ રંગદર્શિતાવાદી વલણોમાં કેટલાંક વલણો સર્વસામાન્ય છતાં એમાં અત્રતત્ર કેટલીક ભિન્નતા પણ જોવા મળે છે; જેમ કે, ‘વિષાદયુક્ત સંવેદના કે એવી સ્થિતિ’ પણ રંગદર્શિતાવાદનું એક લક્ષણ લેખાઈ હતી.

સાહિત્યમાં રંગદર્શિતાવાદ(romanticism)ની સંજ્ઞાનો સૌપ્રથમ પ્રયોગ કરનાર જર્મન ચિંતક ફ્રેડરિક શ્ર્લેગલ હતો. રૂપદર્શિતાવાદી (classical) વિચાર-વલણોના વિરોધમાં તેમણે 1798માં આ સંજ્ઞા પ્રયોજી હતી, જે પછી દુનિયાની વિવિધ ભાષાઓના સાહિત્યમાં સમયાંતરે પડઘાતી જોવા મળે છે.

ઝાં જેક્વિસ રૂસો (Jean Jaques Rousseau) રંગદર્શિતાવાદના પિતા મનાય છે. જોકે આ વાદ-વલણનો પહેલો વ્યવસ્થિત આવિર્ભાવ થાય છે જર્મનીમાં શિલર, ગેટે, નોવાલિસ, ક્લૅઇસ્ટ અને ટીકની કૃતિઓમાં અને કૅન્ટ, ફિશ્ત (Fichte), શેલિંગ અને હેગેલની આદર્શવાદી તત્ત્વવિચારણામાં. ઇંગ્લૅન્ડમાં આ વાદના અગ્રેસરો હતા થૉમસ ગ્રે, વિલિયમ કૉલિન્સ, વિલિયમ કૂપર, રૉબર્ટ બર્ન્સ, ટૉમસ ચેટરટન (Chatterton) અને વિલિયમ બ્લેક. વળી ગૉથિક નવલકથાના ઉદભવે પણ આ વાદને સમર્થિત કર્યો. આ વાદને પર્સીના ‘રેલિક્સ ઑવ્ ઍન્શ્યન્ટ ઇંગ્લિશ પોએટ્રી’ અને મેકફેરસનના ‘ઓસિયાન’(Ossian)થી વેગ મળ્યો. ફ્રૅન્ચ ક્રાંતિએ રંગદર્શિતાવાદને ભારે બળ આપ્યું. પરિણામે વિક્ટોરિયન યુગના મહત્ત્વના કવિઓ રોમૅન્ટિક કવિઓ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આ રંગદર્શિતાવાદનાં ચિહ્નો વૉલ્ટર સ્કૉટ, ચાર્લ્સ લૅમ્બ, વિલિયમ હેઝલિટ અને ટૉમસ દ ક્વિન્સીમાં પણ જોઈ શકાય છે.

ફ્રાંસમાં માદામ દ સ્ટેઇલ (mme de STAEL) અને શેતેબ્રિયાં (Chateaubriand) રંગદર્શિતાવાદના અગ્રેસર હતા. જોકે ફ્રાન્સમાં 1820 સુધી નિશ્ચિતપણે રંગદર્શિતાવાદનું કહેવાય એવું કોઈ આંદોલન નહોતું. પણ પછી 1843 સુધીમાં આ વાદ ત્યાં ચરમ સીમાએ પહોંચ્યાનું જોઈ શકાય છે. લેમરતાઇન (Lamartine), મ્યુસેત (Musset), વિગ્ની (Vigny) અને ગાઉતિયર (Gautier) વગેરે કવિઓ અને એમનું નેતૃત્વ કરનાર વિક્ટર હ્યુગોમાં અને જ્યૉર્જ સેન્ડ, દૂમા, સ્ટેન્ધાલ અને મેરિમી(Merimee)માં રંગદર્શિતાવાદનો પાકો રંગ જોઈ શકાય છે.

અમેરિકામાં રંગદર્શિતાવાદ કંઈક પાછળથી વિકાસ પામ્યો અને તેનું રૂપ ત્યાંના સ્થાનિક સાંસ્કૃતિક પરિવેશને કારણે જોઈએ તેટલું સ્પષ્ટ નહોતું. અહીંના રંગદર્શિતાવાદમાં માનવતાવાદ અને સુધારાની પ્રવૃત્તિ પર સારો એવો ભાર મુકાયેલો જોવા મળતો હતો અને આ વાદના પુરસ્કર્તાઓમાં ચાર્લ્સ બ્રૉકડેન બ્રાઉન, જેમ્સ ફેનિમોર કૂપર, વૉશિંગ્ટન ઇરવિંગ, વિલિયમ ગિલમોર સિમ્સ, વિલિયમ ક્લેન બ્રાયન, પો, એમર્સન, થૉરો, હૉથોર્ન, મેલવિલે, લૉન્ગફેલો, વ્હિટિયર અને વ્હિટમૅનનો સમાવેશ થાય છે. અમેરિકન સાહિત્યમાં પ્રગટ થતા પારલૌકિકતાવાદ(transcedentalism)ને અમેરિકન રંગદર્શિતાવાદના એક લાક્ષણિક ઉદાહરણરૂપે જોવામાં આવે છે.

સંગીતમાં બીથોવન, બેરલિયોઝ (Berlioz), શૂબર્ટ (Schubert), મેન્ડેલ્સોહન (Mendelssohn) અને શૂમૅન (Schumann) તો ચિત્રકળામાં ડેલાક્રોઇક્સ (delacroix), ઇન્ગ્રિસ (Ingres), કોરોટ (Corot) અને મિલેટ રંગદર્શિતાવાદી અભિગમ દાખવનારા કલાકારો તરીકે જાણીતા છે.

ઇંગ્લૅન્ડમાં 1832 પછી આ રંગદર્શિતાવાદી આંદોલનનાં વળતાં પાણી જોવા મળે છે. અલબત્ત, એનો થોડોક સળવળાટ પ્રી-રફાયેલાઇટ બ્રધરહૂડમાં વરતાયેલો ખરો. અમેરિકામાં તે આંદોલન પ્રાદેશિક વલણો ને પ્રભાવોમાં પર્યવસાન પામ્યું. ફ્રાન્સમાં રંગદર્શિતાવાદ બૉદલેરમાં ઉગ્ર સ્વરૂપે જોવા મળ્યો પણ પછી તે પ્રતીકવાદ, પરાવાસ્તવવાદ વગેરેમાં  સંક્રાન્ત થયો. જર્મનીમાં શોપનહાઉર, નિત્શે વગેરેના તત્ત્વજ્ઞાનમાં તેમજ ટૉમસ માનની નવલકથાઓ તેમજ રિલ્કે ને સ્ટીફન જ્યૉર્જ જેવાની કવિતામાં આ વાદનો સંચાર વરતાતો રહ્યો.

ભારતમાં વૈદિક ઋચા-સ્તોત્રોમાં રંગદર્શિતા જોઈ શકાય. સંસ્કૃત કાવ્ય-નાટ્ય સાહિત્યમાં રૂપદર્શિતાવાદનો પ્રભાવ બળવત્તર છતાં તેમાંયે રંગદર્શિતાનો સંચાર પકડવો મુશ્કેલ નથી. સંસ્કૃત, પ્રાકૃત ને અપભ્રંશ કથાસાહિત્યમાં રંગદર્શિતાવાદની અનેક વિશેષતાઓ જોઈ શકાય છે.

હિન્દીમાં છાયાવાદમાં રોમૅન્ટિસિઝમ તો રીતિવાદમાં ક્લાસિસિઝમ જોવા મળે છે. ભારતનાં અન્ય પ્રાદેશિક સાહિત્યોમાં પણ આ બે ધારાઓ અલગ તેમજ સમન્વિત રૂપે જોવા મળે છે. ગુજરાતીમાં દલપતરામ, નરસિંહરાવ, મણિશંકર ર. ભટ્ટ (કાન્ત), રમણભાઈ નીલકંઠ વગેરેમાં જો રૂપદર્શિતાવાદી વલણોનો તો નર્મદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ આદિમાં રંગદર્શિતાવાદી વલણોનો પ્રભાવ જોઈ શકાય છે.

આ રંગદર્શી તેમજ રૂપદર્શી વલણો દ્વારા જીવનની, ચિંતનવિચારણાની, કલાસાહિત્યમાં અભિગમ તેમજ અભિવ્યક્તિ-રીતિની બે લાક્ષણિક શૈલીઓ પ્રગટ થાય છે. આ શૈલીઓ અવારનવાર પરસ્પર સાથે મેળ-મિશ્રણ સાધતીયે જોવા મળે છે. એ રીતે આ વાદ-વલણો કે તત્પ્રેરિત શૈલીઓ વચ્ચે કોઈ અભેદ્ય દીવાલ નથી. કલાકારોને એમની કલાકૃતિઓમાં, સાહિત્યકારોને એમની સાહિત્યકૃતિઓમાં આ બેય શૈલીઓના મેળમેળાવા સાથે ઉભયના સમન્વયરૂપ શૈલીના આવિષ્કારો પણ જોવા મળે છે.

આમ રંગદર્શિતાવાદી સાહિત્યમાં ભાવની ઉત્કટતા તથા એની અરૂઢ કલ્પનામઢી અભિવ્યક્તિ મહત્ત્વનાં મનાયાં છે. સંવેદનની તીવ્રતા, આત્મલક્ષિતા, સંવેદનપટુતા, ઉલ્લાસનું કલ્પનારંગી ચિત્રણ, અરૂઢ પદવિન્યાસ, અલંકારખચિતતા, રોમાન્સનું આલેખન, પરંપરાથી વિચ્છેદ  જેવાં લક્ષણો સાહિત્ય અને અન્ય કળાઓમાં પ્રવર્ત્યાં છે. ‘લિરિકલ બૅલેડ્ઝ’થી માંડીને લઘુ ઊર્મિકાવ્યોમાં, ટૂંકી વાર્તાથી માંડીને બૃહન્નવલ સુધી રંગદર્શિતાવાદી વલણો પ્રસરેલાં રહ્યાં છે.

પ્રશિષ્ટ પરંપરાની સુગઠિત – સુનિયંત્રિત અભિવ્યક્તિને સ્થાને રંગદર્શીઓ તર્કને ઓળંગી જતા કલ્પનાવિહારને, નિરંકુશતા તથા સર્જકની વૈયક્તિક ભાવસૃષ્ટિને વધારે મહત્ત્વ આપે છે. પરંપરાગત સાહિત્ય-સ્વરૂપો, તર્કબદ્ધ સંયોજના વગેરે રૂપદર્શિતાવાદી સાહિત્યનાં લક્ષણો સામે રંગદર્શિતાવાદીઓ વિદ્રોહ કરે છે અને રહસ્યમય સ્વપ્નલોકમાં રાચે છે. વાસ્તવને બદલે નિસર્ગલીલાને; આનંદ તથા મધુર જીવનને ઝંખતા સર્જકો પ્રતિષ્ઠિત જીવનમૂલ્યોની ઉપેક્ષા કરે છે અને અતીતરાગ સાથે ભવ્ય આદર્શોમાં રાચે છે. રંગદર્શી સાહિત્યની આ લાક્ષણિકતાઓ એની મર્યાદાઓ બનવા સુધીના અંતિમે જતાં તેમાં રૂપશૈથિલ્ય, બનાવટી ભાવાવેગો, ઊર્મિવેડા વગેરે પ્રવેશે છે. ઓગણીસમી સદીના અંત પહેલાં યુરોપમાં ઓસરી – આથમી જનાર રંગદર્શિતાવાદે વાસ્તવવાદને, પરાવાસ્તવવાદને, પ્રતીકવાદ તથા આધુનિકતાવાદને સંકોરવામાં મદદ કરી છે. એ વાદોમાં ક્યાંક ને ક્યાંક રંગદર્શિતાવાદી વિચારધારાની ઓછીવત્તી અસરો વાંચી શકાય છે. સાહિત્યિક આંદોલનરૂપે ઓસર્યા છતાં રૂપદર્શિતાવાદ તથા રંગદર્શિતાવાદ આજે પણ મનોવલણરૂપે અનેક સર્જક-પ્રતિભાઓમાં અને વિશ્વની સર્જનકળાઓમાં ઓછેવત્તે અંશે પ્રત્યક્ષ થયાં કરે છે.

આ બંનેય વાદોનો અપૂર્વ સુમેળ-સમન્વય મહાન કલાકૃતિઓમાં જોવા મળે છે. એ સુમેળ-સમન્વયે નિરૂપાતું જીવન અને જગતનું એક પરિપૂર્ણ, બહુપરિમાણી અને સંકુલ કલાત્મક ચિત્ર-દર્શન ભિન્નરુચિ ભાવકોના સંવિતને પરિતોષ અર્પી રહે છે. જગતની શ્રેષ્ઠ ને પ્રશિષ્ટ લેખાતી કલાકૃતિઓ રૂપસૌષ્ઠવે તથા કૌતુકરંગે વિભિન્ન દેશકાળના ભાવકોને કોઈ ને કોઈ રીતે હંમેશાં આકર્ષતી રહે છે.

મણિલાલ હ. પટેલ

ચન્દ્રકાન્ત શેઠ