રંગક-ઉદ્યોગ (dyestuff industry) : રંગકોનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. રંગક એ વસ્તુને રંગીનતા બક્ષતું કુદરતી તથા રાસાયણિક સંયોજન છે. સંસ્કૃતિના આરંભકાળથી જ મનુષ્ય ઝાડની છાલ, ફળ, ફૂલ, પાંદડાં, મૂળિયાં, કેસર, ગળી, મેંદી, કીટાણુઓ, શેલ-માછલી વગેરેમાંથી તૈયાર કરેલ કુદરતી રંગો કાપડ, કાગળ, રબર, ચામડું, શાહી, ખાદ્ય પદાર્થો વગેરેને રંગીન કરવા તેમજ સુશોભિત કરવા માટે ઉપયોગમાં લેતો આવ્યો છે. 1856માં ઇંગ્લૅન્ડમાં વિલિયમ પરકિને ઍનિલિનમાંથી ક્વિનાઇન બનાવવા જતાં આકસ્મિક આછા નીલલોહિત (pale purple) કાર્બનિક સંશ્ર્લેષિત રંગક(organic synthetic dye)ની શોધ કરી હતી, જે મેલો ફ્લાવર(mellow flower)ને મળતા મોવ (Maove) તરીકે પ્રચલિત છે. આ શોધે યુરોપિયન દેશોના સંશ્ર્લેષિત રંગકોના સંશોધનકાર્યને વેગ આપ્યો. ફ્રાન્સ, જર્મની તથા સ્વિટ્ઝર્લૅન્ડે રંગકોના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી હતી; પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપના દેશોની ખાનાખરાબીને કારણે રંગકોના ઉત્પાદન-કેન્દ્રનું અમેરિકામાં સ્થળાંતર થયું હતું. હાલ સંશ્ર્લેષિત રંગકોનું મહત્તમ ઉત્પાદન અને તેમનો ઉપયોગ અમેરિકામાં થાય છે. રંગકની વ્યાપક વ્યાખ્યા નીચે રંગકો (dye), રંગક-મધ્યવર્તીઓ (dye intermediates) અને વર્ણકો(pigments)નો સમાવેશ કરવામાં આવે છે.
ભારતમાં કેટલાક લઘુ ઉદ્યોગો કુદરતી રંગોનું – ખાસ કરીને ગળી જેવાનું – ઉત્પાદન કરતા હતા; પરંતુ રંગકની વધતી જતી માગને સંતોષવા તે અક્ષમ હતા. ભારત, ખાસ કરીને તેનો કાપડ-ઉદ્યોગ, રંગકોની આયાત પર જ નિર્ભર હતો. દેશમાં સંશ્ર્લેષિત રંગકના ઉત્પાદનનો પ્રારંભ કરવાનું શ્રેય મેસર્સ એસોસિયેટેડ રિસર્ચ લૅબોરેટરિઝ, પુણેને જાય છે. 1940માં તેમણે કાપડ-ઉદ્યોગ માટે ત્વરિત પાકા રંગક(rapid fast dye)ના ઉત્પાદનની શરૂઆત કરી હતી. 1952માં અતુલ પ્રૉડક્ટ્સ લિમિટેડે અમેરિકન સાઇનેમાઇડ કંપનીના તકનીકી અને નાણાકીય સહયોગથી વાપી પાસે રંગકો બનાવવાનો આરંભ કર્યો હતો. બીજાં પાંચ વર્ષમાં આહલાબ લિમિટેડ, અમર ડાઇકેમ લિમિટેડ, ઇન્ડિયન ડાઇસ્ટફ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ વગેરેએ વિવિધ રંગકો અને પટેલ હિકસન લિમિટેડે ખાદ્ય રંગો બનાવવાનો આરંભ કર્યો હતો. તેમાં કાપડ-ઉદ્યોગ માટે સ્વત: રંગકો (direct dyes) અને નૅપ્થૉલ્સ (naphthols), રેશમ અને ઊન માટે ઍસિડ-રંગકોનું ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું હતું. રેયૉન, નાયલૉન અને પૉલિયેસ્ટરના પ્રવેશ પછી પરિક્ષિપ્ત રંગકો (disperse dyes), વૅટ રંગકો (vat dyes) અને પ્રતિઅભિક્રિયાશીલ રંગકો(reactive dyes)ના ઉત્પાદનનો આરંભ થયો હતો. ત્યારબાદ હેક્સ્ટ (Hoechst), બેયર (Bayer) અને આઈસીઆઈ (ICI) જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે તકનીકી અને નાણાકીય સહયોગ કરી વિવિધ રંગકો તથા રંગક મધ્યવર્તીઓના ઉત્પાદનની શરૂઆત કરી હતી.
વિકસિત દેશોમાં પર્યાવરણ તથા સ્વાસ્થ્યના રક્ષણને સ્પર્શતાં કડક નિયમનોને કારણે કેટલાક રંગકો તથા રંગક-મધ્યવર્તીઓના ઉત્પાદન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેથી શિથિલ પર્યાવરણ-નિયમનો તથા નીચા મજૂરી-દરે તેમને ભારત તથા પૂર્વના દેશોમાં ઉત્પાદન-એકમો સ્થાપવા મજબૂર કર્યા હતા. સિત્તેર તથા એંશીના દાયકામાં કેન્દ્રીય જકાતવેરામાં છૂટછાટ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યનાં નિગમો તરફથી વિવિધ સવલતો, રાહત દરે ધિરાણ તથા બીજાં પ્રોત્સાહનો, ગુજરાતમાં કાપડ, રાસાયણિક, પેટ્રોકેમિકલ્સ, દવા વગેરેના ઉદ્યોગોના તૈયાર બજારને પરિણામે ગુજરાતમાં રંગકનું ઉત્પાદન કરતા સંખ્યાબંધ એકમો સ્થપાયા હતા. 1985માં ભારતમાં રંગકનું ઉત્પાદન કરતા આશરે 1,200 એકમોમાંથી 900 ગુજરાતમાં હતા. 1995માં પર્યાવરણ રક્ષણ માટે પ્રદૂષણ નિયંત્રણ મંડળે નિયત કરેલ ધોરણો પાળવા માટે કૉર્ટના આદેશો અમલમાં મુકાતાં ગણનાપાત્ર લઘુ એકમો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમને શુદ્ધીકરણની પ્રક્રિયા આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રોમાં સમાન નિ:સ્રવ સંયંત્ર(effluent plant)ની રચના કરવામાં આવી હતી; છતાં પણ સવલતનો લાભ લેવો શક્ય ન હોય તેવા એકમો બંધ કરવા પડ્યા હતા.
2000-2001ના વર્ષમાં ભારતમાં 50 સંગઠિત ક્ષેત્રના અને 900 લઘુ એકમો રંગકો, રંગક-મધ્યવર્તીઓ અને વર્ણકોના ઉત્પાદનમાં કાર્યશીલ હતા. સંગઠિત ક્ષેત્રના 50,000 ટન અને લઘુઉદ્યોગના 1,00,000 ટન સાથે કુલ ઉત્પાદન આશરે 1,50,000 ટન અંદાજવામાં આવ્યું હતું. તેમાંથી 740 લઘુ એકમો ફક્ત ગુજરાતમાં નોંધવામાં આવ્યા હતા. કુલ ઉત્પાદનના આશરે 80 ટકા રંગકો કાપડ-ઉદ્યોગમાં વપરાય છે. લઘુ અને મધ્યમ એકમો સામાન્ય રીતે સરળ પ્રક્રિયાવાળા ઓછી કિંમતના પ્રણાલીગત રંગકોનું ઉત્પાદન પસંદ કરે છે; જ્યારે સંગઠિત ક્ષેત્ર પરિક્ષેપ-રંગકો (disperse dyes), બૃહદ્પાત્ર રંગકો (vat dyes) તથા દ્રાવક રંગકો(solvent dyes)ના ઉત્પાદનને અગ્રતા આપે છે. તેઓ વિવિધ પ્રકારના રંગક-મધ્યવર્તીઓ તથા વર્ણકો(pigments)નું પણ ઉત્પાદન કરે છે. 1998-99માં લઘુ ઉદ્યોગ પરનો જકાતવેરો 36.5 ટકામાંથી ઘટાડી 16 ટકા કરવામાં આવતાં તેમની હરીફાઈ કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ હતી. વિશ્વમાં રંગકોના માથાદીઠ 425 ગ્રામના ધોરણ સામે ભારતનો વપરાશ ફક્ત 50 ગ્રામ છે.
સ્વતંત્રતા પૂર્વે રંગકોની આયાત પર જ નિર્ભર ભારતે આજે તેમને નિર્યાત કરવાની ક્ષમતા કેળવી લીધી છે. 1947-48માં રૂ. 15.41 કરોડની કિંમતના 8,790 ટન રંગકોની સરખામણીમાં 1972-73માં ફક્ત રૂ. 3.24 કરોડની કિંમતના 839 ટન રંગકોની આયાત કરવામાં આવી હતી. આજે રંગકોની બાબતમાં ભારત 95 ટકા સ્વનિર્ભર છે. ફક્ત 5 ટકા આયાત વિશિષ્ટ પ્રકારના રંગકો તથા રંગક-મધ્યવર્તીઓ પૂરતી સીમિત છે.
2000-2001ના વર્ષમાં ભારતે રૂ. 2,832 કરોડની કિંમતના રંગકોની અમેરિકા, યુરોપ, પૂર્વ એશિયા વગેરે દેશોમાં નિર્યાત કરી હતી. રંગક-ઉદ્યોગ 2010માં આશરે રૂ. 12,000 કરોડની નિર્યાત સાથે વિશ્વ-બજારનો 10 ટકા હિસ્સો મેળવવાની અભિલાષા રાખે છે. નિર્યાત-બજારમાં ચીન, કોરિયા, થાઇલૅન્ડ, તૈવાન અને પાકિસ્તાન નિકટના હરીફો ગણી શકાય.
વિશ્વનું રંગકો તથા વર્ણકોનું ઉત્પાદન રૂ. 80,000 કરોડ અને રંગક-મધ્યવર્તીઓનું રૂ. 34,000 કરોડ મળીને કુલ ઉત્પાદન રૂ. 1,14,000 કરોડ અંદાજવામાં આવ્યું છે. સાંપ્રત કાળમાં વિશ્વ-બજારમાં સામાન્ય રંગકોને સ્થાને વિશિષ્ટ રંગકોનો ઉપયોગ પ્રચલિત થયો છે. નિર્યાતમાં વૃદ્ધિ કરવા માટે ઉદ્યોગોએ તેના ઉત્પાદન-ખર્ચમાં ગણનાપાત્ર કરકસર કરવી આવદૃશ્યક બની છે. એચ., જે. ગામા તથા મેટાનિલિક ઍસિડો; ટોબાઇસ, ઍન્થ્રાક્વિનૉન વગેરેના ઉત્પાદન-ખર્ચમાં ગણનાપાત્ર કરકસર કરી શકાય તેમ છે; કારણ કે વિશ્વની સરખામણીમાં તે ખર્ચ ઘણો ઊંચો છે. રંગકના ઉત્પાદનમાં મધ્યવર્તીનો ખર્ચ આશરે 50 ટકા ગણાય છે. તેથી રંગક-ઉદ્યોગે સંશોધન માટે લાંબા ગાળાનું રોકાણ કરી ઉત્પાદનખર્ચ નીચો લાવી રંગકોમાં નવીનતા, વિવિધતા તથા ગુણવત્તામાં વૃદ્ધિ કરી ગ્રાહકલક્ષી બનવું આવદૃશ્યક છે.
જિગીશ દેરાસરી