યોગી આદિત્યનાથ

January, 2003

યોગી આદિત્યનાથ (જ. 5 જૂન 1972, પંચુર, પૌઢી ગઢવાલ, ઉત્તરાખંડ) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, લોકસભાના પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખમઠના મહંત, હિન્દુ યુવાવાહિનીના સ્થાપક. પૂર્વાશ્રમનું નામ અજયસિંહ બિષ્ટ.

આદિત્યનાથ યોગી

ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તે પહેલાં તેમનો જન્મ પૌઢી ગઢવાલ જિલ્લાના પંચુરમાં થયો હતો. ગઢવાલની હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન જ તેઓ આરએસએસની વિદ્યાર્થીપાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય થયા હતા. 1990 પછી રામ જન્મભૂમિનું આંદોલન વ્યાપક બન્યું તે વખતે તેઓ આ આંદોલનમાં જોડાયા. 20-21 વર્ષની વયે તેઓ ગોરખમઠના મહંત અવૈદ્યનાથના શિષ્ય બન્યા. દીક્ષા પછી યોગી આદિત્યનાથ નામ ધારણ કર્યું. યોગીએ ઉત્તરપ્રદેશમાં સામાજિક સેવાનાં કાર્યો શરૂ કર્યાં હતાં. ખાસ તો પૂર્વીય ઉત્તરપ્રદેશમાં હિન્દુ યુવાવાહિનીના માધ્યમથી તેમણે ઘણાં સામાજિક દૂષણો સામે લડત ચલાવી હતી.

ગોરખનાથની લોકસભાની બેઠક પરથી ગોરખમઠના મહંત અવૈદ્યનાથ ચૂંટાતા હતા. 1998માં લોકસભાની ચૂંટણીમાં ગુરુ અવૈદ્યનાથે યોગી આદિત્યનાથને ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. યોગી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને માત્ર 26 વર્ષની વયે પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા. યોગી આદિત્યનાથ 2014 સુધી સતત પાંચ વખત એ જ બેઠક પરથી ભારે સરસાઈ સાથે લોકસભામાં ચૂંટાતા રહ્યા. લોકસભામાં યોગી સૌથી સક્રિય સાંસદો પૈકીના એક ગણાતા હતા. લોકસભામાં તેમની સક્રિયતા 77 ટકા જેટલી નોંધાઈ હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશની 80માંથી ઐતિહાસિક 71 બેઠકોમાં વિજય મળ્યો તેમાં યોગી આદિત્યનાથના પ્રચારની પણ મહત્વની ભૂમિકા હતી.

ઉત્તરપ્રદેશમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 403માંથી 312 બેઠકોમાં વિજય મળ્યો. ભાજપે યોગી આદિત્યનાથને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા. મુખ્યમંત્રી તરીકે યોગીએ રોમિયો સ્કવોડનું ગઠન, પાન-ગુટકા અને ગૌવંશના સ્મગલિંગ પર પ્રતિબંધ જેવા મહત્વના નિર્ણયો લીધા હતા. તેમના કાર્યકાળમાં જ અયોધ્યામાં ફરીથી દીપોત્સવી મહોત્સવની ઉજવણી શરૂ થઈ હતી. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પછી રામ જન્મભૂમિ પર રામમંદિરનો શિલાન્યાસ થયો હતો. યોગી પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરનાર ઉત્તરપ્રદેશના ત્રીજા મુખ્યમંત્રી બન્યા અને 2022ની વિધાનસભાની ચૂંટણી પછી ફરીથી મુખ્યમંત્રી બન્યા તે સાથે જ વધુ એક રેકૉર્ડ તેમના નામે નોંધાયો. પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ ફરીથી સત્તામાં આવનારા યોગી ઉત્તરપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી છે.

2022ની વિધાનસભાની ચૂંટણી ભાજપે તેમના નેતૃત્વમાં લડી હતી. ભાજપને 255 અને ભાજપ સહિતના સાથીપક્ષોને કુલ 273 બેઠકો મળી હતી. સતત બે વખત દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હોવાથી યોગી આદિત્યનાથનું કદ રાષ્ટ્રીય સ્તરે પણ વધ્યું છે. ‘હઠયોગ : સ્વરૂપ એવમ્ સાધના’, ‘રાજયોગ : સ્વરૂપ એવમ્ સાધના’, ‘યૌગિક ષટકર્મ’ જેવાં પુસ્તકો પણ યોગી આદિત્યનાથે લખ્યાં છે.

હર્ષ મેસવાણિયા