યોગિનીકુમારી (ભાગ 1, 2) (1915, 1930) : છોટાલાલ જીવણલાલ માસ્તર(વિશ્વવંદ્ય)-લિખિત અધ્યાત્મરહસ્યને લગતી સુપ્રસિદ્ધ આત્મકથનાત્મક નવલકથા. ‘યોગિનીકુમારી’ શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગના મુખપત્ર ‘મહાકાલ’માં 1904થી 1911ના ભાદ્રપદ માસના અંક સુધી હપતે હપતે છપાતી હતી. 1912માં છોટાલાલ જીવણલાલનું દેહાવસાન થતાં આ કૃતિ અપૂર્ણ રહી. તેમના મૃત્યુ પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ.
નવલકથાકારે રસસિદ્ધિશાસ્ત્ર (alchemy) અંગે ‘Mata the Magician’ નામના અંગ્રેજી ગ્રંથમાંથી પ્રેરણા લીધી છે. તે સિવાય સમગ્ર નવલકથાની રચના મૌલિક છે. નવલકથાનો નાયક ડૉ. મણિધરરાય ઇંગ્લૅન્ડમાં એમ.ડી. થઈ આવેલો સંસ્કારસંપન્ન જીવ છે. પણ પશ્ચિમના સંસર્ગને કારણે તેના મનમાં નાસ્તિકતાનાં જાળાં ભરાય છે. યોગૈશ્વર્યસંપન્ન મહાત્મા સુરેશ્વરાચાર્યના અને તેમની દીકરી યોગિનીના સંપર્કમાં આવવાથી જે વિશિષ્ટ અનુભવો અને વ્યતિકરો થાય છે, તેમને તર્કસુલભ શંકાકુશંકાથી તપાસવાનો તે પ્રયત્ન કરે છે અને ચર્ચા, શ્રદ્ધા અને અનુભૂતિને અંતે પોતાની ભૂલ સમજાતાં તેના વિચારો યોગ્ય વળાંક લે છે. આમ નવલકથાકારે ડૉક્ટર મણિધરરાય પાશ્ચાત્ય વિચારસરણી ધરાવતા સુધારાવાદીનો પ્રતિનિધિ હોય તેમ તેની પાસે વિરોધી વિચારો કઢાવી મહાત્મા સુરેશ્વરાચાર્યની દલીલો દ્વારા તેનું સમાધાન કરાવ્યું છે. પ્રથમ પુરુષ એકવચનમાં નિરૂપાયેલી નવલકથા હોવાથી નાયકનું આત્મપૃથક્કરણ ઘણું સ્વાભાવિક અને પ્રતીતિજનક બન્યું છે. નવલકથાનું મુખ્ય પાત્ર યોગિની નહિ, પણ તેની પુત્રી યોગિનીકુમારી છે. બાળપણથી જ જેની આંતરર્દષ્ટિ ઊઘડેલી છે તે વિલક્ષણ ખુમારીવાળી, સ્વૈરવિહારી, સ્વમાની યોગિનીકુમારીની દૈવી શક્તિ અને તેનામાં રહેલા પૂર્વજન્મના સંસ્કારોને બાલારામ કે મણિધરરાય સિવાય અધિકારના અભાવે ભાગ્યે જ કોઈ ઓળખી શકે છે. નવલકથામાં અનેક પાત્રો સાથે સંકળાયેલું 30 સપ્ટેમ્બરની તારીખનું રહસ્ય ક્રમશ: ઊઘડતાં સર્વ પાત્રોનો વ્યવહાર તાર્કિક અને બુદ્ધિગમ્ય નીવડે છે. મહાત્મા સુરેશ્વરાચાર્ય દેહ તજતાં પહેલાં મણિધરરાયને કેટલીક સૂચનાઓ સાથે પીળા વસ્ત્રે બાંધેલી પોથી આપે છે. તેમાં સાંકેતિક ભાષામાં રસસિદ્ધિપ્રાપ્તિ માટેની વિગતો આપેલી છે. ભૌતિક અને આધ્યાત્મિક સુખો આપનારી આ રસવિદ્યાએ તે વખતના વાચકો અને અભ્યાસીઓનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. પ્રાસાદિક શૈલીમાં લખાયેલી તત્ત્વ અને અધ્યાત્મ જેવા ગૂઢ વિષયોને ચર્ચતી ‘યોગિનીકુમારી’ નવલકથા મણિલાલ નભુભાઈની ‘ગુલાબસિંહ’ નામની રૂપાંતરિત કૃતિ પછીની એવા વિષયવસ્તુવાળી એક બીજી નોંધપાત્ર નવલકથા બને છે.
લવકુમાર દેસાઈ