યોગ

‘યોગ’ શબ્દ સંસ્કૃત ધાતુ युज् પરથી નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે ‘જોડવું.’ મન અને શરીરને સંવાદી બનાવીને જીવવાની પ્રવિધિને પ્રારંભિક યોગ ગણવામાં આવ્યો છે. ભગવદગીતામાં કર્મકુશળતાને યોગ ગણ્યો છે. કેટલાક વિદ્વાનોએ મૂળ સંસ્કૃત શબ્દનો અર્થ કર્યો છે, ધ્યાનને કેન્દ્રિત કરવાની ક્રિયા. યોગ એવો વિષય છે કે જેને મર્યાદિત વ્યાખ્યામાં બાંધીને એની સર્વમાન્ય એવી કોઈ એક વ્યાખ્યા કરવાનું શક્ય બન્યું નથી. તેના સાધકોએ પોતપોતાના અભિગમથી એનું સ્વરૂપ સમજાવ્યું છે, જે સર્વગ્રાહી નથી પણ તે યોગના કોઈ એકાદ સ્વરૂપ કે પાસાને સ્પર્શે છે.

આજના સમયમાં શબ્દોને પકડવાને બદલે તેના ઉપયોગને કેન્દ્રમાં રાખવામાં આવે છે. યોગનો એક જીવનપદ્ધતિ તરીકે સ્વીકાર કરી તેને જીવનનું વિજ્ઞાન ગણવામાં આવે છે. યોગ અત્યારે વિશ્વવ્યાપી છે. તેનું ઉદભવસ્થાન મૂળ ભારતીય તત્વજ્ઞાનમાં છે. ભારતીય તત્વજ્ઞાન અને હિંદુ ધર્મના મૂળભૂત જોડાણને કારણે તેના સિદ્ધાંતો સાથે આ સંસ્કૃતિને પાયાનો સંબંધ છે. ભારતીય તત્વજ્ઞાનનાં મૂળ છ સમુચ્ચયોમાંથી – દર્શનોમાંથી ચોથું દર્શન યોગદર્શન છે.

ઈ. પૂ. બીજી સદીમાં મહાભાષ્યના સર્જક પતંજલિએ ‘યોગસૂત્ર’ની રચના કરી. પતંજલિએ આ માટે ગૌતમ બુદ્ધના સમય પૂર્વે રચાયેલા સાંખ્યદર્શનનો જ સંદર્ભ તરીકે ઉપયોગ કર્યાનું જાણવા મળે છે. તેમણે પુરુષ (આત્મા) અને પ્રકૃતિ(પદાર્થ)ના દ્વૈતને સ્વીકાર્યો જણાય છે. મૂળમાં અંગત ઈશ્વરના અસ્તિત્વની વાત નથી, પણ ‘યોગસૂત્ર’માં આ વિભાવના વિશે ધારણા કરવામાં આવી છે. યોગથી પુરુષ અને પ્રકૃતિનું આંશિક કે સંપૂર્ણ જોડાણ થાય છે. પરિણામે આત્મા પદાર્થ પર આધિપત્ય સ્થાપી શકે છે અને એનો નિષેધ પણ કરી શકે છે. આ સ્થિતિએ પહોંચેલા યોગીઓ કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે, જેમાંની કેટલીક ગહન, રહસ્યમય અને આશ્ચર્યજનક હોય છે. કેટલાક યોગીઓએ આ બાબતોને સ્વીકારીને એને બહુ ઊંચો દરજ્જો આપ્યો છે; જ્યારે કેટલાકે આ બાબતે મૌન સેવ્યું છે અને તેને બહુ ઊંચો દરજ્જો આપ્યો નથી. પ્રકૃતિના ગુરુત્વાકર્ષણ જેવા સામાન્ય સિદ્ધાંતોની વિરુદ્ધની સિદ્ધિઓને યોગના મૂળ સ્વરૂપ સાથે કોઈ સીધો સંબંધ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

યોગનું સાચું ધ્યેય વિશ્વસ્તરીય-વિશ્વસ્વીકૃત જ્ઞાન પ્રાપ્ત કરી તેનો ઉત્તરોત્તર વિકાસ કરવાનું છે. તેનાથી મનમાં ઉત્પન્ન થતાં પ્રશ્નો, શંકાઓ અને સંઘર્ષોનું સમાધાન થાય છે. પરિણામે મન:શારીરિક સમતોલન અને મનની શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. યોગમાં ‘પૂર્વપ્રાકૃત આત્મા’ ‘પૂર્વપ્રાકૃત પદાર્થો’થી પણ પૂર્વે અસ્તિત્વમાં હોવાની વિભાવના સ્વીકારાઈ છે. એ રીતે પુરુષ પછી પ્રકૃતિની રચના થઈ હોવાની માન્યતા છે. આ બંનેનું જોડાણ એટલે કે પ્રકૃતિ(પદાર્થ)ના પુરુષ(આત્મા)માં અને આત્માના પરમાત્મા કે બ્રહ્માંડમાં વિલીન થવાની સૈદ્ધાંતિક કલ્પના એક યા બીજા સ્વરૂપે સ્વીકારવામાં આવી છે. યોગીઓ આ જગતમાં મૂળભૂત પદાર્થો પર પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કરે છે, તેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં 84 આસનો, ત્રાટક, શ્વાસોચ્છવાસની ચોક્કસ લયગતિ અને રીતિઓ દ્વારા પ્રાણાયામ વગેરેનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાથી યોગી અતિહળવાથી પણ વધારે હળવો અને અતિભારેથી પણ વધારે ભારે થવાનું, નાનાથી પણ નાનો, સૂક્ષ્માતિસૂક્ષ્મથી વધારે સૂક્ષ્મ અને અતિવિશાળથી પણ વધારે વિશાળ હોવાનું પોતાની જાતના સંદર્ભમાં અનુભવે છે. યોગી જે રીતે ઇચ્છે એ રીતે પદાર્થની અનુભૂતિ કરી શકે છે; ભૂત-ભવિષ્ય અને વર્તમાન જોઈ શકે છે. અદૃશ્ય બની શકે છે. અવકાશમાં વિહાર કરી શકે છે. ત્યાં સુધી માનવામાં આવે છે કે મૃત થયેલ શરીરને પોતાના જ આત્મા દ્વારા સજીવન કરી શકે છે !

7. સહસ્રારા, 6. અજનાચક્ર, 5. વિશુદ્ધા ચક્ર, 4. અનાહત ચક્ર, 3. મણિપુર (નાભિપદ્મ), 2. સ્વઅધિષ્ઠાનચક્ર, 1. મૂલાધાર ચક્ર

યોગનું સમગ્ર સિદ્ધાંતતંત્ર વ્યક્તિને આધ્યાત્મિક રીતે સર્વોપરી બનાવે છે. તેમાંથી માનવીની ઉત્પત્તિ થઈ છે. તે જગતના સર્જનહાર સાથેના અંતિમ જોડાણની સ્થિતિ માટે સાધનરૂપ બને છે. એમ પણ કહેવાય છે કે જ્યાં સાધક, સાધના અને સાધ્ય (ધ્યેય) વચ્ચેનો ભેદ મટી જઈ એકત્વ થાય તે સ્થિતિ તે યોગ.

ધ્યેય સમાન હોવા છતાં યોગના વિવિધ અભિગમો, પ્રકારો કે પ્રવિધિઓમાં ઘણું બધું વૈવિધ્ય છે. સામાન્ય રીતે હઠયોગ અને રાજયોગ એ પ્રચલિત અભિગમો છે. ‘શિવસંહિતા’માં આ બે ઉપરાંત મંત્રયોગ, લયયોગ અને શિવયોગની ચર્ચા કરવામાં આવી છે.

મંત્રયોગ : ધરતી પર દર્ભાસન પાથરી તે પર સુખાસનમાં બેસી ૐ કે એવા કોઈ પવિત્ર અક્ષર, શબ્દ કે શબ્દગુચ્છને મંત્ર તરીકે નિશ્ચિત કરીને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ઉત્તર દિશા તરફ મુખ રાખી નાસિકાને એક બાજુથી બંધ રાખવાનું પણ સૂચવવામાં આવે છે. પવિત્ર મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરીને મંત્રયોગ સિદ્ધ કરવામાં આવે છે. બોલચાલની ભાષામાં તેને ‘જપ’ કહેવામાં આવે છે. કેટલાક પ્રવર્તકો હાથમાં સુખડ કે રુદ્રાક્ષની માળા રાખી પ્રત્યેક મંત્રોચ્ચાર વખતે માળાના મણકાને નિયત રીતથી ખસેડીને નિશ્ચિત સંખ્યાના જપ કરવાની પણ હિમાયત કરે છે. વિવિધ હેતુસર જપ કરવાના આધારે તેના પ્રકાર ગણાવવામાં આવે છે.

સિદ્ધજપ, સાધ્યજપ, સંસિદ્ધજપ અને રિપુજપ એવા ચાર પ્રકાર પાડવામાં આવે છે. અમુક સમયમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે સાધ્યજપ કરવામાં આવે છે. સાધ્યજપમાં ઈશ્વર પ્રત્યેની વફાદારી દર્શાવવાનો મુખ્ય હેતુ હોય છે અને તેની સંચિત અસરો લાંબા ગાળે ફળીભૂત થાય છે. સંસિદ્ધયોગમાં તાત્કાલિક ધ્યેય હાંસલ થાય છે અને તે પણ જપ કરનારની ગુણવત્તા પર ફળ નિશ્ચિત થાય છે. રિપુજપ મંત્રમાં કોઈની સિદ્ધિ કે પાત્રતાને નષ્ટ કરવાનો હેતુ સિદ્ધ થાય છે.

કેટલાક સિદ્ધયોગીઓએ થોડા જુદી રીતે પ્રકારો વર્ણવ્યા છે. નિત્યજપ (રોજિંદા ક્રમમાં), નૈમિત્તિક જપ (પ્રસંગોપાત્ત), કામ્ય જપ (પરિણામલક્ષી), નિષિદ્ધજપ (અશુદ્ધિ અને પ્રદૂષણયુક્ત), પ્રાયશ્ચિત્ત જપ (પાપ કે દોષના નિવારણ માટે), અચલજપ (ખાસ ગૂઢ શક્તિઓ માટે કે બીજાંને મદદરૂપ થવા), ચલજપ (હાલતાંચાલતાં, ગમે ત્યાં થઈ શકે), વાચિકાજપ (મોટેથી બીજાને સંભળાય એ રીતે ઉચ્ચારણ કરીને) વગેરે ઘણા પ્રકારો વર્ણવ્યા છે.

લયયોગ : લયયોગમાં યમ, નિયમ ઉપરાંત સ્થૂલ ક્રિયા, સૂક્ષ્મ ક્રિયા, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, લયક્રિયા અને સમાધિ જેવાં સોપાનોનો સમાવેશ થાય છે. લયયોગ સિદ્ધ કરવાની બે ક્રિયાઓ મુખ્ય છે : ‘નાદ’ અને ‘આત્મજ્યોતિદર્શન’. નાદનો અર્થ થાય છે અંતર-આત્માનો અવાજ અને આત્મજ્યોતિદર્શન એટલે સ્વના તેજથી પ્રગટતું દર્શન. નાદ પ્રાપ્ત કરવા માટે નાદ-અનુસંધાન વિધિને અનુસરવામાં આવે છે. પરિણામે મનને શાંત કરી શકાય છે અને તે પછી પ્રાપ્ત થતી સિદ્ધિ રૂપે ‘દર્શન’ પ્રાપ્ત થાય છે.

શિવયોગ (રાજાધિરાજયોગ) : બધા જ પ્રકારના યોગનું અંતિમ ધ્યેય એક જ એટલે કે સમાન હોય છે. પણ પ્રાપ્ત કરવાના માર્ગો વૈકલ્પિક હોય છે અને ક્યારેક પરસ્પરપૂરક પણ હોય છે. શિવયોગમાં અષ્ટાંગ યોગનાં આગળનાં બધાં સોપાનો બાજુ પર રાખીને સીધા જ રાજયોગમાં પ્રવેશીને રાજાધિરાજ કે મહાયોગમાં પ્રવેશવાની હિમાયત કરી છે. શિવયોગના સિદ્ધાંતો બહુ જ ઓછા અને પ્રમાણમાં ઘણા સાદા છે. માનવ-વસ્તીથી દૂર જઈને પવિત્ર-સાત્વિક જગાએ, ગુરુના સાન્નિધ્યમાં સ્વસ્તિકાસન ધારણ કરીને ધ્યાન કરવાનું હોય છે. વેદાંતની અંતિમ પ્રજ્ઞાને પ્રાપ્ત કરીને વ્યક્તિ આધ્યાત્મિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરે છે. મન મુક્ત થાય છે. વિચારોથી મુક્ત થઈને વિચારરહિત સ્થિતિને પ્રાપ્ત કરે છે. વિચાર અને વિચારક એક બની જાય છે. કેટલાક પ્રવર્તકોએ શિવને નિદ્રાના દેવ ગણીને તેમનામાં લીન થવાને – લય પામવાને – અંતિમ ધ્યેય ગણ્યું છે. તો બીજા કેટલાક પ્રવર્તકોએ આ બાબતને અમૂર્ત ખ્યાલ ગણી તેને ‘વર્ણનથી મુક્ત’ રાખવાનું પસંદ કર્યું છે. પણ અંતે બંને પ્રવિધિઓમાં એક જ પ્રકારની સમાન અનુભૂતિ હોવાનું પણ સ્વીકાર્યું છે.

કેટલાક વિદ્વાનોએ આંતરયોગ, બહિર્યોગ અને સામયોગ જેવા પ્રકારો પણ વર્ણવ્યા છે. ભગવદગીતામાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ  એ પ્રમાણે ત્રણ અભિગમો ગણાવ્યા છે. જ્ઞાનયોગમાં જ્ઞાન, તર્ક અને વિચારવિસ્તાર, વિશ્લેષણ-સંશ્લેષણ દ્વારા સિદ્ધ સ્થિતિ પ્રાપ્ત થાય છે. નિષ્કામ કર્મ, કાર્યકુશળતા અને સાચી દિશાનાં કર્મો દ્વારા કર્મયોગ સિદ્ધ થાય છે. બિનશરતી શરણ લઈ પ્રેમ અને ભક્તિના નિર્મળ તંતુથી સિદ્ધિ પામનારા ભક્તિયોગથી સિદ્ધ થાય છે. જે તે વ્યક્તિ પોતાના મૂળભૂત પિંડ પ્રમાણે અનાયાસે જ આમાંથી કોઈ એક અભિગમ પ્રત્યે વળે છે.

યોગનું આચરણ કરનાર માટે જુદા જુદા ત્રણ તબક્કાઓ સૂચવાયા છે. અભિગમ કોઈ પણ લીધો હોય, પરંતુ દરેક માણસ તેના અંતિમ ધ્યેય સુધી પહોંચે જ છે એવું નથી. પણ આવા આચરણથી જ્યાં છે, ત્યાંથી તે આગળ જરૂર જાય છે. યોગમાં ત્રિવિધ ભૂમિકાએ કામ

વિવિધ યોગાસનો

કરતા યોગીઓના આ પ્રમાણે ભેદ છે : ‘આરુરુક્ષુ’ એટલે પ્રારંભિક તબક્કામાં જે વ્યક્તિ ઉત્ક્રાન્તિ કે ઊર્ધ્વીકરણની ઇચ્છાથી યોગ આચરવાનો પ્રારંભ કરે છે તે. ‘યુંજન’ એટલે કે મધ્ય તબક્કામાં યોગનું સારા એવા પ્રકારનું આચરણ કરી પ્રગતિના પંથે રહ્યા હોય તે. ‘યોગારૂઢ’ એટલે કે યોગી ઊર્ધ્વીકૃત થઈ, યોગના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા હોય તે.

આ બધા જ અભિગમોમાં અષ્ટાંગયોગ સર્વસ્વીકૃત અને પ્રચલિત છે. તેનાં મૂળ પાતંજલ યોગદર્શનમાં છે. આજના સમયમાં આ અભિગમનું આચરણ વિશેષ જોવા મળે છે. તેમાં આઠ તબક્કાઓ છે, જેમાંના પ્રથમ ચાર તબક્કાઓ હઠયોગ તરીકે અને પછીના ચાર રાજયોગ તરીકે ઓળખાય છે. હઠયોગથી રાજયોગમાં જવાની ભૂમિકા તૈયાર થતી હોય છે. જોકે બધા લોકો આ ક્રમને માન્ય ગણતા નથી. કેટલાક શરૂઆતથી જ રાજયોગમાં જવાની હિમાયત કરે છે. હકીકત એ છે કે વ્યક્તિ અત્યારે જે સ્થિતિમાં છે તેનાથી આગળ જવા માટે એ જે તે સોપાનથી યોગમાં પ્રવેશ કરી શકે છે એવો ઉદાર મત પણ વધુ ને વધુ સ્વીકારાતો જણાય છે.

અષ્ટાંગયોગના આઠ તબક્કા પતંજલિએ આ પ્રમાણે બતાવ્યા છે : यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोडष्टांङगानि  (‘યોગસૂત્ર’ની 29મી કંડિકા)

(1) યમ (આત્મનિયંત્રણ) : અષ્ટાંગયોગના આ પ્રથમ તબક્કામાં શુદ્ધ આચરણ માટેનાં સૂચનો છે, જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના આચરણનો સમાવેશ થાય છે. આ પ્રત્યેકનો રૂઢ કે સંકુચિત અર્થ નહિ, પણ વિસ્તૃત અને વાસ્તવિક અર્થ કરવાનો હોય છે; જેમ કે, અહિંસામાં માનવી કે જીવજંતુની જાનહાનિ ઉપરાંત વનસ્પતિ કે પર્યાવરણને નુકસાન અને અન્ય પ્રાણી-માનવીને પીડા આપવાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. કોઈને મન, શરીર કે વાણીથી પણ નુકસાન ન કરવું તેને અહિંસા ગણવામાં આવે છે. આ જ રીતે બધા જ યમમાં સમાયેલ સૂચનોનો વ્યાપક અર્થ કરી અમલ કરવાનો રહે છે.

(2) નિયમ : આ સોપાનમાં ધાર્મિક, આધ્યાત્મિક અને વિધાયક વલણો અને નિયંત્રણો કેળવવા માટે શુદ્ધિ, પવિત્રતા, સંતોષ (તૃપ્તિ), તપ, સ્વાધ્યાયની અને ઈશ્વરાધીન થવાની બાબતોનો સમાવેશ થાય છે.

(3) આસન : સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાના એક સોપાન તરીકે માનસિક- શારીરિક ક્ષમતા વધારવા માટેની વિવિધ પ્રવિધિનું આચરણ કરવામાં આવે છે. આસનો દિવસે-દિવસે લોકપ્રિય થતાં જાય છે. કેટલાક લોકો આસનોને જ યોગ સમજે છે. આસનો એ સમગ્ર યોગ નથી, પણ યોગપદ્ધતિનું એક મહત્વનું સોપાન છે, જે વ્યક્તિ વસ્તુલક્ષી રીતે આચરી શકે છે. અત્યારના સમયમાં ચોક્કસ પ્રકારની માનસિક-શારીરિક બીમારીના ઇલાજ માટે કે સ્મરણશક્તિ કે ધ્યાન વધારવા માટે પણ આસનો કરવામાં આવે છે. આસનો માત્ર પુસ્તકો વાંચીને કે થોડીઘણી જાણકારી મેળવીને કરવામાં જોખમ છે. તાલીમ પામેલા નિષ્ણાતો અને ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેમના સીધા નિરીક્ષણ હેઠળ આ બધી પ્રવિધિઓનો ઉપયોગ કરવો સલાહભરેલું છે. આ પ્રવિધિઓને તેનાં હેતુ અને અસરોને આધારે અલગ અલગ જૂથમાં મૂકવામાં આવે છે. કુલ મળીને 84 પ્રવિધિઓ છે.

સ્થિતિદર્શક આસનો : તેમાં બેસીને, ઊભા રહીને કે સૂઈને એક જ સ્થિતિમાં રહીને આચરણ કરવાનું હોય છે. સિદ્ધાસન, સુખાસન, પદ્માસન, વજ્રાસન, સિંહાસન, ભદ્રાસન વગેરે અમુક પ્રકારની બેઠક પર આધારિત આસનો છે. પ્રાર્થનાસન, એકપાદાસન અને વૃક્ષાસન એ ઊભા રહેવાની સ્થિતિનાં આસનો છે, જ્યારે શવાસન, મકરાસન વગેરે સૂવાની સ્થિતિનાં આસનો છે. આમાં ‘ગતિ’ને બદલે સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરી આપણી બેઠક, ઊભા રહેવાની અને સૂવાની યોગ્ય પદ્ધતિથી શરીરને ટેવાવાની અને મન અને શરીરની ક્રિયાઓને નિમ્ન કક્ષાએ લાવવાની વાત પર ધ્યાન આપવામાં આવે છે.

ગતિદર્શક આસનો : શરીરને ચોક્કસ રીતે વાળીને કે અમુક રીતે ખેંચીને કરવાની ક્રિયાઓનો આમાં સમાવેશ થાય છે. તાલાસન, કોણાસન, ભુજંગાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, ચક્રાસન વગેરે આ પ્રકારની પ્રવિધિઓ દર્શાવે છે. આ પ્રવિધિઓથી શરીરનાં વિવિધ તંત્રોની કામગીરીની ગતિ વધે છે અને કાર્યક્ષમતા પણ વધે છે.

બંધ : શરીરને ઇચ્છિત સ્થિતિમાં લાવી બધી શક્તિઓને ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરવા માટે સ્નાયુઓનાં વિસ્તરણ અને સંકોચનની ક્રિયા વધારવા માટે બંધનું આચરણ કરવામાં આવે છે. તેનાથી મન અને શરીરની સ્થિતિસ્થાપકતા વધે છે. મૂલબંધ, ઉડ્ડયાનબંધ, મૂલાધારબંધ, જલાધરાબંધ એ તેનાં ઉદાહરણો છે.

મુદ્રાઓ : ઊર્ધ્વગામી ગતિને પ્રાપ્ત કરવામાં આસનોની વિવિધ પ્રવિધિઓને વધુ અસરકારક બનાવવા માટે મજ્જાકીય, સ્નાયવિક, માનસિક ક્રિયાઓ વચ્ચેના સંકલનની જરૂર પડે છે. તે માટે વિવિધ મુદ્રાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભુજંગિનીમુદ્રા, માતંગીમુદ્રા, અશ્વિનીમુદ્રા, યોગમુદ્રા અને યોનિમુદ્રા એ આનાં ઉદાહરણો છે.

ષટ્ક્રિયા : આ પ્રવિધિઓમાં જુદી જુદી 6 ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેનાથી પાચનતંત્ર, શ્વસનતંત્ર અને તેના જુદા જુદા અવયવોની સૂક્ષ્મ સફાઈ કરી મન અને શરીરને હળવાં બનાવવામાં આવે છે.

(ક) નૌલિકી (નૌલી) : સિદ્ધાસન કે પદ્માસનમાંથી ઉચ્છવાસ લઈ પેટને જમણી તરફથી ડાબી તરફ ગતિ કરે તે રીતે પાણીના હિલોળાની જેમ ધ્રુજાવવામાં આવે છે.

(ખ) વસ્તી (બસ્તી) : તેમાં હવા અથવા પાણીથી આંતરડાને સાફ કરવાની પ્રવિધિ કરવાની હોય છે.

(ગ) ધોતી : તેમાં જઠરની શુદ્ધિ કરવામાં આવે છે. તેમાં શુદ્ધ કરેલી પાતળી દોરી ચાવીને પેટમાં ઉતારવામાં આવે છે. લાંબી દોરીનો બીજો નાનો છેડો બહાર રહે એટલે સાવચેતીપૂર્વક તેને ધીરે ધીરે ખેંચીને બહાર લાવવામાં આવે છે. તેની સાથે ચોંટીને અશુદ્ધિઓ બહાર આવે છે.

(ઘ) નેતી : નાક, ગળું અને તેની વચ્ચેની નલિકાઓની શુદ્ધિ કરવામાં આવે છે. તેમાં જલનેતી અને સૂત્રનેતી એમ બે પ્રકાર છે. તેના આચરણથી આ ભાગની અશુદ્ધિઓ દૂર થાય છે.

(ઙ) ત્રાટક : આંખનાં સ્નાયુ અને મજ્જાઓની કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પ્રકારનાં ત્રાટક કરવામાં આવે છે, જેમાં આંખનો પલકારો માર્યા વિના ચોક્કસ રીતે ચોક્કસ સમય સુધી કોઈ એક વસ્તુ પ્રત્યે નજરને કેન્દ્રિત કરવામાં આવે છે અને નજરને અમુક રીતે ગતિ આપવામાં આવે છે.

(ચ) ગજકરણી : આ ક્રિયામાં હાથીની જેમ એકસાથે પિવાય એટલું ખૂબ પાણી પીવામાં આવે છે. થોડી વાર પેટમાં રાખીને પછી તેનું વમન (ઊલટી) કરવામાં આવે છે. પાણીની સાથે જઠર-હોજરીનો અને અન્નનળીનો કચરો સાફ થાય છે. આ ઉપરાંત કપાલભાતિ અને શંકાપ્રક્ષાલિ ક્રિયાઓ પણ સૂચવાઈ છે.

(4) પ્રાણાયામ : ઉપર જણાવેલ બધી જ પ્રવિધિઓ વ્યક્તિને યોગ માટે તૈયાર કરે છે હવે વધારે સૂક્ષ્મ પ્રવિધિઓની વાત પ્રાણાયામમાં આવે છે, જેનાથી ખૂબ જ પ્રભાવક શક્તિ–પ્રાણ પરનું નિયંત્રણ શક્ય બને છે. માણસ કુદરતી રીતે શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. પણ એના પર તેનું ઐચ્છિક નિયંત્રણ હોતું નથી. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આવું નિયંત્રણ જરૂરી બને છે. શ્વાસોચ્છવાસના લયમાં ઐચ્છિક હસ્તક્ષેપ કરવાની ક્રિયા પ્રાણાયામ તરીકે ઓળખાય છે, જેમાં ‘પ્રાણ’ અને ‘અપાન’ બંને ક્રિયાનો સમન્વય છે. શ્વાસોચ્છવાસની ક્રિયા પરનું નિયંત્રણ, પૂરક–રેચક અને કુંભક.

પૂરક (શ્વાસ) : નાક દ્વારા હવાને અંદરની તરફ ખેંચીને ફેફસાં તરફ લઈ જવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે. ચોક્કસ રીતે, ચોક્કસ સમયમાં અને ચોક્કસ લયમાં આંચકા આપ્યા વિનાની આંદોલિત રીતે શ્વાસ લેવાની પ્રવિધિઓનો પૂરકમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે આપણે આડેધડે અને આંચકાથી શ્વાસ લેતા હોઈએ છીએ તે નુકસાનકર્તા હોય છે. પ્રાણાયામની પ્રવિધિથી યોગ્ય રીતે શ્વાસ લેવાની ક્રિયાથી પ્રાણશક્તિમાં વધારો થાય છે.

રેચક (ઉચ્છવાસ) : જે રીતે શ્વાસ લેવાની ક્રિયા અયોગ્ય હોય છે તે રીતે ઉચ્છવાસ કાઢવાની રીત પણ અયોગ્ય હોય છે. ઘણુંખરું આપણે પૂરેપૂરી હવા બહાર કાઢતા નથી. દૂષિત વાયુ કે અશુદ્ધ વાયુ અડધોપડધો ફેફસાંમાં જ રહી જાય છે. રેચકમાં પૂર્ણ ઉચ્છવાસ માટેની પ્રવિધિઓ શીખવાની હોય છે. વારંવારના સભાન પ્રયત્નોથી ટેવાઈ ગયા પછી વ્યક્તિ સહજ રીતે જ યોગ્ય રીતે ઉચ્છવાસ કરવા ટેવાઈ જાય છે.

કુંભક (શ્વાસને રોકી રાખવાની ક્રિયા) : શ્વાસ પણ નહિ, ઉચ્છવાસ પણ નહીં અને કોઈ શ્વસન અવયવોમાં હલનચલન પણ ન કરવાની સ્થિર સ્થિતિને કુંભક તરીકે ઓળખાવાય છે. એમાં બે પ્રકાર છે : ઉચ્છવાસ કરીને એ ખાલી ફેફસાંવાળી સ્થિતિને અમુક સમય માટે સ્થગિત કરવાની ક્રિયાને બાહ્ય કુંભક કહે છે. જ્યારે શ્વાસ અંદર લઈને ઉચ્છવાસ કરતાં પહેલાં શ્વાસને રોકી રાખવાની સ્થિર સ્થિતિને આભ્યંતર કુંભક કહેવામાં આવે છે.

આ ક્રિયાઓને ‘ૐ’ બોલીને અથવા આંકડાથી ગણતરી કરીને નિયંત્રિત કરવામાં આવે છે. શ્વાસ લેતી વખતે ચાર વાર ૐનું મૌન ઉચ્ચારણ, ઉચ્છવાસ કરતી વખતે આઠ વાર, જ્યારે કુંભકમાં 16 વાર ૐ લેવામાં આવે છે. સમયાંતરે આ સમયમાં જુદા જુદા પ્રયોગો અને મતમતાંતરો પણ થયા છે અને દરેક પ્રવર્તકે પોતાની શૈલી વિકસાવી હોવાનું જાણવા મળે છે.

કેવલ કુંભક : સમયની ગણતરી કર્યા વિના શ્વાસ લઈને કે બહાર કાઢીને વધુમાં વધુ જેટલી વાર સ્થિર સ્થિતિમાં રહી શકાય તેટલા વધારે સમય સુધી સ્તંભન કરવાની ક્રિયાને કેવલ કુંભક કહેવાય છે.

પ્રાણાયામમાં સ્થળ, લય અને સમય : શ્વાસોચ્છવાસના નિયંત્રણની પદ્ધતિઓમાં ઘણું બધું વૈવિધ્ય છે. આંતરિક શ્વાસમાં નાકથી શરૂ કરીને 16 આંગળાં જેટલાં ઊડાણ સુધી જતા શ્વસનને તેનું સ્થાનીકરણ કહેવામાં આવે છે. અને એ જ રીતે ઉચ્છવાસ પણ એટલે ઊંડેથી આવે કે જે પણ 16 આંગળ જેટલી ગતિ કરીને નાક સુધી પહોંચે છે એને બહિર્શ્વાસ કહેવામાં આવે છે, જે 12 આંગળ અંદર જઈ શકે તે ઉચ્છવાસમાં પણ એટલો જ વિસ્તાર સાંકળે છે. જો ચાર આંગળ અંદર તરફ હોય તો 4 આંગળ બહાર આવે. વધારે વિસ્તાર સામેલ કરે તેને દીર્ઘ શ્વસન કહે છે. ઓછો વિસ્તાર લે તેને સૂક્ષ્મ શ્વસન કહે છે.

આ પ્રણાલીને સમય સાથે જોડવામાં ઝડપી અને મંદ શ્વસન પણ નિયંત્રણના એક પાસા તરીકે ઉપયોગમાં લેવાય છે. કાળ અથવા આ સમયને મંદથી શરૂ કરીને ઝડપી અને ઝડપીથી મંદ તરફ લઈ જઈને નિયંત્રણ કેળવાય છે.

(5) પ્રત્યાહાર : સંવેદનની ઇન્દ્રિયોનું નિયમન : પ્રત્યાહારમાં મનુષ્યને બાહ્ય જગત સાથે જોડતી વિવિધ સંવેદનની ઇન્દ્રિયો અને સંવેદનોને (જેમ કે દૃષ્ટિ, શ્રવણ, ગંધ-સુગંધ, સ્વાદ, સ્પર્શ, દબાણ, દુખાવો વગેરે) અનુભવવા પર વ્યક્તિ કાબૂ મેળવીને તેના ઉદ્દીપકોથી અલિપ્ત રહેવાની અને ખલેલથી મુક્ત રહેવાની ભૂમિકાએ પહોંચે છે. તે પોતાની જાતને અંદર તરફ સંકોરી લે છે. રાજયોગમાં પ્રવેશવા માટેનું આ સોપાન છે.

(6) ધારણા : મનને મક્કમ કરવાની સ્થિતિ. ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને ચેતનાવસ્થાને અંદરની બાજુએ વાળી ધ્યાનને સ્થિર અને કેન્દ્રિત કરવાની આ અવસ્થા છે. લાંબા સમય સુધી ધ્યાનની માનસિક અવસ્થા પર નિયંત્રણ કરવાથી ધ્યાનાવસ્થા પ્રાપ્ત કરવાની ભૂમિકા કેળવાય છે.

(7) ધ્યાન : ધ્યાનાવસ્થા અલ્પ સમયથી શરૂ કરીને લાંબા સમય સુધીની હોઈ શકે છે. તે ધ્યાનથી સિદ્ધ થાય છે. એથી ચેતનાવસ્થામાંથી અધિચેતનાવસ્થામાં જવાની અને ત્યાં અમુક સમય સુધી ટકી રહેવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચેતનાવસ્થાનો ભાર બાજુ પર રાખી શકાય એટલી હળવી અધિચેતનાવસ્થાનો અનુભવ થાય છે.

(8) સમાધિ : આ અષ્ટાંગ યોગનો આખરી તબક્કો છે. આ અવસ્થા દરમિયાન જગત સાથેનો તંતુ લુપ્ત થઈ જાય છે. પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને પરમાત્મા વચ્ચેના દ્વૈતનો અંત આવે છે. તાદાત્મ્યની સંપૂર્ણતા ચરમ સીમાએ પહોંચે છે. વ્યક્તિના વ્યક્તિ તરીકેના અસ્તિત્વનો અંત આવે છે, કારણ કે તેના અસ્તિત્વનું ધ્યેય પૂર્ણ થાય છે. વિચાર અને વિચારક – ભાવ અને ભાવક એક બની જાય છે. વ્યક્તિનું તેજોમય અતિશુદ્ધ અસ્તિત્વ બ્રહ્માંડના તેજમાં ભળી જાય છે. આને જ પ્રત્યેક જીવનું અંતિમ ધ્યેય ગણવામાં આવ્યું છે.

સૂક્ષ્મ શરીરમાં રહેલાં ચક્રો : અંતિમ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવા માટે આસન-પ્રાણાયામ વગેરેના ઉપયોગથી શરીરમાં રહેલાં ચક્રો ગતિમાન થાય છે. શરીરમાં છેદ મૂકીને જોવાથી આવાં કોઈ ચક્રો દેખાતાં નથી, પણ આ ચક્રો કાર્યરત હોય તે વ્યક્તિની ઊર્ધ્વગતિમાં ફાળો આપતાં હોય એવું યોગમાં દૃઢપણે સ્વીકારવામાં આવ્યું છે. શરીરશાસ્ત્રીઓએ નલિકારહિત ગ્રંથિઓ માટે જે જગાઓ શોધી છે, તે ગ્રંથિઓના સ્થાન અને યોગમાં દર્શાવેલ ચક્રોમાં ઘણું સામ્ય જણાયું છે. પણ આ બંને બાબતો એક જ છે એ બાબત હજુ સંશોધન માંગી લે છે.

કુલ સાત ચક્રો હોય છે : મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, અજના, સહસ્રાર. તે દરેકનું સ્થાન, રંગ, આકાર પાંખડીઓની સંખ્યા વગેરે અલગ અલગ છે. તેનું ટૂંકું વર્ણન આ પ્રમાણે છે.

(1) મૂલાધાર : તે કરોડરજ્જુના છેલ્લા મણકાના સ્થાને છે, જેમાં કુંડલિનીની બેઠક હોય છે. શારીરિક અવયવો જેવા કે મૂત્રપિંડ, મૂત્રાશય અને કરોડરજ્જુ સાથે સંકળાયેલ કાર્યો પર તેનું પ્રભુત્વ હોય છે. તે પૃથ્વીતત્વને અધીન હોય છે.

(2) સ્વાધિષ્ઠાન : જાતીય ગ્રંથિઓના સ્થાને આવેલું છે. પ્રજનનતંત્ર, જાતીય વૃત્તિ, આવેગો સાથે સંકળાયેલ છે અને જલતત્વ સાથે સંકળાયેલું છે.

(3) મણિપુર : ઍડ્રિનલિન ગ્રંથિના સ્થાને આવેલું છે. પાચનતંત્રના અવયવો સાથે જોડાયેલું છે અને અગ્નિતત્વ સાથે સંકળાયેલું છે.

(4) અનાહત : થાયમસ ગ્રંથિના સ્થાને આવેલું છે. હૃદય, ફેફસાં, યકૃત અને રુધિરાભિસરણની ક્રિયાની સાથે સંકળાયેલ છે. જલતત્વના પ્રભુત્વવાળું મનાય છે.

(5) વિશુદ્ધ : થાઇરૉઇડ ગ્રંથિના સ્થાને આવેલું છે. ગળું, શ્વાસનલિકા વગેરે સાથે સંકળાયેલું છે.

(6) આજ્ઞા : પિટ્યૂઇટરી ગ્રંથિના સ્થાને આવેલું છે. સ્વયંસંચાલિત મજ્જાતંત્ર અને હાયપોથૅલેમસ સાથે સંકળાયેલું છે. ઘણી બધી આધિભૌતિક ક્રિયાનો અનુભવ આ ચક્ર જાગ્રત થવાથી થાય છે.

(7) સહસ્રાર : પિનિયલ ગ્રંથિના સ્થાને છે. હજાર પાંખડીઓવાળું ચક્ર છે. ઉચ્ચ મસ્તિષ્કકાર્યક્ષમતા સાથે સંકળાયેલું છે. આ ચક્ર જાગ્રત થવાથી આપણે આપણા આધ્યાત્મિક અસ્તિત્વ સાથે જોડાઈ શકીએ છીએ. યોગથી મૂલાધારથી શરૂ કરી એક પછી એક ઉચ્ચ કક્ષાનાં ચક્રો જાગ્રત થાય છે. સહસ્રાર જાગ્રત થવાથી સંપૂર્ણ સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતી હોવાનું મનાય છે. આ ચક્રોની દેખીતી ચકાસણી શક્ય ન હોવા છતાં એનાં અસ્તિત્વ અને કાર્ય વિશે વિશ્વકક્ષાએ સહસંમતિ જણાય છે. તેના આકાર અને રંગ વિશેનાં વર્ણનો સિદ્ધ વ્યક્તિઓની અનુભૂતિને આધારે તૈયાર કરવામાં આવ્યાં છે, જેમા સર્વસંમતિ જોવા મળે છે.

અષ્ટાંગ યોગને અનુસરવામાં યમ અને નિયમનું પાલન કરવું આવશ્યક છે; પણ અત્યારના સમયમાં યોગનો ઉપયોગ કરનાર દરેકનું ધ્યેય સમાધિ સુધી પહોંચવાનું નથી હોતું. યોગના આધુનિક ઉપયોગમાં રોજિંદા જીવનની નાનીમોટી સમસ્યાઓના ઉકેલરૂપે આસન-પ્રાણાયામનો ઉપયોગ કરવામાં આવે છે. જુદાં જુદાં શારીરિક રોગો કે સમસ્યાઓમાં, માનસિક સમસ્યાઓમાં અને તણાવ ઓછો કરવા માટે યોગનાં આ સોપાનોનો જુદી જુદી રીતે ઉપયોગ કરવાનું વલણ દેશ-વિદેશમાં વધી રહ્યું છે. એનો ઉપયોગ જેમ જેમ વ્યાપક થતો જાય છે તેમ તેમ તેનાં મૂળતત્વો સાચવવાનું મુશ્કેલ બનતું જાય છે. યોગનો અર્થ પ્રદૂષિત થવાનો અને તેનો દુરુપયોગ થવાનો ભય પણ ઊભો થયો છે. યોગથી ફાયદા થાય છે, પણ જો તેનું બરાબર આચરણ કરવામાં આવે તો જ. જો ખોટી રીતે આચરણ કરવામાં આવે તો નુકસાન થવાની પણ એટલી જ શક્યતા રહેલી છે.

પ્રારંભમાં યોગનો ઉપયોગ ઋષિ-મુનિઓ, સાધુ-સંન્યાસીઓ અને સાધકો માટે જ મર્યાદિત હતો. હવે પ્રત્યેક વ્યક્તિને પણ યોગ અને તેના લાભ માટે લાયક માનવામાં આવે છે. એટલે ‘ગુરુ’ પાસેથી યોગ શીખવાની વાત હવે ‘સંસ્થાઓ’ પાસે પહોંચી ગઈ છે. દેશમાં અને વિદેશમાં અનેક ખાનગી અને શૈક્ષણિક સંસ્થાઓમાં યોગશિક્ષણની જોગવાઈ છે. એ માટે ઘણા બધા કાર્યશિબિરો ને તાલીમવર્ગો કામ કરતા થયા છે. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના ઉકેલ અને તનાવ ઘટાડવા માટે યોગનો ઉપયોગ કરતી સંસ્થાઓ કાર્યરત છે.

યોગક્ષેત્રના ઘણા બધા પ્રવર્તકોએ પોતાનાં અલગ સ્વરૂપોને કેન્દ્રમાં રાખીને તેનો પ્રચાર કર્યો છે. યોગની સૈદ્ધાંતિક, ક્રિયાત્મક, શિક્ષણલક્ષી, આધ્યાત્મિક, તત્વજ્ઞાનલક્ષી અને સંશોધનલક્ષી બાબતોમાં ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. દેશવિદેશમાં યુનિવર્સિટીકક્ષાએ પણ તેના ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમો શરૂ થયા છે. ભારત ઉપરાંત અમેરિકા અને રશિયામાં આ પ્રકારના સંશોધન માટે ઘણું કામ થઈ રહ્યું છે. તેમાં અમેરિકાની જૈવીય-પ્રતિપોષ સંશોધન-પ્રણાલી વિશેષ ધ્યાન ખેંચે છે. અમેરિકામાં યોગના પ્રગટ ફાયદા અને પરિવર્તન પર વધારે કામ થાય છે. રશિયામાં યોગનાં ગૂઢ પાસાંઓ પર સંશોધન થાય છે. જ્યારે ભારતમાં થતાં સંશોધનોમાં આધ્યાત્મિક અભિગમ કેન્દ્રિત હોવાનું જણાય છે.

યોગનું સમયફલક ઘણું વિશાળ છે. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, આનંદમયી માતાજી, શ્રી અરવિંદ, રજનીશજી, સ્વામી શિવાનંદ, સ્વામી ચિન્મયાનંદ વગેરે સિદ્ધ યોગીઓ અને તેમના શિષ્યો દ્વારા યોગપ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વામી પ્રભુપાદ (ઇસ્કૉન) ભક્તિયોગથી જાણીતા બન્યા એ અગાઉ ભાવાતીત ધ્યાનના રાજયોગથી મહર્ષિ મહેશ યોગી જાણીતા બન્યા. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં રાજયોગનું શિક્ષણ અપાય છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં સંત માધવદાસજીએ અને એમના શિષ્યો સ્વામી કુવલયાનંદ અને યોગેન્દ્રજીએ જનસમુદાયમાં યોગશિક્ષણનું નોંધપાત્ર કાર્ય કર્યું છે. અમદાવાદમાં સ્વામી શિવાનંદ આશ્રમમાં અધ્યાત્માનંદજીએ 592 જેટલી યોગશિબિરો યોજીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વળી અમદાવાદમાં સ્વામી મનુવર્યજીએ વર્ષો સુધી યોગની તાલીમ આપી છે. વળી કેટલાક સાચા યોગીઓનું કાર્યપ્રદાન શાંત રીતે ચાલતું જ હોય છે.

પ્રતીક્ષા રાવલ