યોકોહામા : જાપાનનું બંદર તથા વેપાર-ઉદ્યોગનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 35° 27´ ઉ. અ. અને 139° 39´ પૂ. રે. તે હૉન્શુ ટાપુ પર, ટોકિયોની દક્ષિણે આશરે 32 કિમી.ના અંતરે આવેલું છે. યોકોહામા જાપાનના કાનાગાવા પ્રીફ્રૅક્ચર(રાજકીય એકમ)નું પાટનગર છે તથા ટોકિયો પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર છે. વસ્તી : 31 માર્ચ 1999 મુજબ અંદાજે 33,52,000ની છે.

આ શહેર ટોકિયો ઉપસાગરના પશ્ચિમ કિનારા પર તથા આજુબાજુની ટેકરીઓના ઢોળાવો પર વસેલું છે અને 421 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. મધ્ય યોકોહામા ત્રિકોણીય મેદાનને આવરી લે છે. આ મેદાનની બે બાજુઓ પરની સીમા સાંકડી નદીઓથી બનેલી છે, જ્યારે ત્રીજી બાજુ પર ઉપસાગર આવેલો છે. શહેરના આવાસો ટેકરીઓ પર આવેલા છે. આ શહેરમાં ઘણા બાગબગીચા, પુસ્તકાલયો, ઉદ્યાનો અને થિયેટરો આવેલાં છે. કાનાગાવા યુનિવર્સિટી, કૅન્ટો ગેકુઇન યુનિવર્સિટી, યોકોહામા યુનિવર્સિટી અને યોકોહામા નૅશનલ યુનિવર્સિટી આ શહેરમાં આવેલી છે.

આજે આ શહેર હવા, પાણીના પ્રદૂષણનો અને જગાની તંગીનો સામનો કરી રહ્યું છે. અહીંનું બારું અતિ ગીચ વસ્તીવાળું બની રહેલું હોવાથી 1970માં ત્યાં પોતઘાટ(pier)નું બાંધકામ કરવામાં આવેલું છે. આ પોતઘાટ પરથી જહાજોના સામાનને ચઢાવવાનું અને ઉતારવાનું કામ યાંત્રિકી ઢબે થાય છે. એ રીતે યોકોહામા એ નૌભાર (cargo) માટેનું મોટામાં મોટું ધીકતું બંદર ગણાય છે. આ બંદરેથી અન્યત્ર જતાં ભારવાહક વહાણો ટોકિયો તેમજ નજીકનાં બીજાં ઔદ્યોગિક સ્થળે ઉત્પન્ન થતી પેદાશો ભરીને જાય છે. તે કોબે, ઓસાકા અને ટોકિયો જેવાં મોટાં શહેરો સાથે રેલમાર્ગોથી પણ જોડાયેલું છે. શહેરમાં મોટર-ગાડીઓ, વીજસાધનો, લોખંડ-પોલાદ, યંત્રો તથા રસાયણોનું ઉત્પાદન લેવાય છે.

1854 સુધી તો આજના યોકોહામાના સ્થળે દરિયાકિનારા પરનાં થોડાંક ઘરો સિવાય બીજું કંઈ જ ન હતું. એ જ વર્ષે યુ.એસ. નૌકા પાંખના કૉમોડૉર મૅથ્યુ સી. પેરીએ જાપાન સાથે વેપાર કરવા માટેના કરાર કરેલા. ઘણા યુરોપીય દેશોના વેપારીઓએ પણ જાપાન સાથે વેપારના કરાર કરેલા. 1859માં યોકોહામામાં તેમણે પોતપોતાનાં કાર્યાલયો પણ સ્થાપેલાં. વેપાર જેમ જેમ વિકસતો ગયો, તેમ આ સ્થળ જાપાનનું મુખ્ય દરિયાઈ બંદર બની રહ્યું.

1923ના સપ્ટેમ્બરની પહેલી તારીખે અહીં ભીષણ ભૂકંપ થયેલો, ત્યારે શહેરના 23,000 જેટલા લોકો મરણ પામેલા. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ.નાં બૉમ્બર વિમાનોએ હજારો અગ્નિ-ગોળા આ શહેર પર ફેંકેલા. આ બંને વખત યોકોહામા તદ્દન તારાજ થઈ ગયેલું અને બંને વખત તે ફરીથી બંધાયેલું. 1973માં બાંધકામ અંગેનો નવો કાયદો અમલમાં આવ્યો છે કે બાંધકામ એવું હોવું જોઈએ, જેથી તેની આજુબાજુના ભાગોમાં દિવસ દરમિયાન ઓછામાં ઓછા ચાર કલાક સૂર્યપ્રકાશ મળી શકે.

ગિરીશભાઈ પંડ્યા