યૉર્ક વંશ (1461–1485) : ઇંગ્લૅન્ડનો પંદરમી સદીનો રાજવંશ. ઇંગ્લૅન્ડમાં લૅન્કેસ્ટ્રિયન વંશના શાસન (13991461) પછી યૉર્ક વંશના રાજાઓનું શાસન સ્થપાયું હતું. યૉર્ક વંશના પ્રથમ રાજા એડ્વર્ડ ચોથાએ યુદ્ધમાં વિજેતા બનીને 1461માં પોતાના શાસનની શરૂઆત કરી હતી. 1399ની રક્તવિહીન ક્રાંતિ પછી ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે એડ્વર્ડ ત્રીજાના ત્રીજા પુત્રને બાજુએ મૂકીને ચોથા પુત્ર હેન્રી લૅન્કેસ્ટ્રિયનને ગાદી સોંપી હતી. તેથી ત્રીજા પુત્રના વારસ ડ્યૂક ઑવ્ યૉર્કે 1455માં હેન્રી છઠ્ઠાને હરાવીને ઇંગ્લૅન્ડની ગાદી પચાવી પાડી; પરંતુ ડિસેમ્બર 1460માં વેકફીલ્ડની લડાઈમાં તેનું મૃત્યુ થયું. એ પછીના વર્ષે 1461માં ડ્યૂક ઑવ્ યૉર્કના પુત્રે હેન્રીનો પરાજય કરીને એડ્વર્ડ ચોથા તરીકે ઇંગ્લૅન્ડનો તાજ ધારણ કર્યો. 1470માં એણે રાજગાદી ગુમાવીને 1471માં ફરીથી પાછી મેળવી. એણે 1483 સુધી રાજ્ય કર્યું. આ સમય દરમિયાન એણે ઇંગ્લૅન્ડમાંથી અંધાધૂંધીને કડક હાથે દાબી દેવાનો પ્રયત્ન કર્યો. રાજાની કાઉન્સિલમાં ઉમરાવોનું વર્ચસ્ હતું એટલે થોડા સમય માટે એને નાબૂદ કરી, સમગ્ર વહીવટી તંત્રને પોતાના હાથમાં લીધું. આમ છતાં એ અમીરોના વર્ચસને કે અંધાધૂંધીને દૂર કરી શક્યો ન હતો.
ઈ. સ. 1483માં એના અવસાન પછી એનો 12 વર્ષનો પુત્ર એડ્વર્ડ પાંચમા તરીકે ગાદીએ આવ્યો; પરંતુ 1485માં એના કાકા ગ્લૉસ્ટરના ડ્યૂક રિચાર્ડે તેને જેલમાં પૂરી રિચાર્ડ ત્રીજા તરીકે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. એનું શાસન લાંબું ચાલ્યું નહિ. 1485માં રિચમન્ડના અર્લ હેન્રી ટ્યૂડરે બૉઝ્વર્થની લડાઈમાં રિચાર્ડ ત્રીજાને હરાવી મારી નાખ્યો. તેથી 1485માં ઇંગ્લૅન્ડમાં યૉર્ક વંશના શાસનનો અંત આવ્યો અને શક્તિશાળી ટ્યૂડર વંશના શાસનની શરૂઆત થઈ. આમ, ઈ. સ. 1455માં શરૂ થયેલા ‘ગુલાબના વિગ્રહો’નો 1485માં અંત આવ્યો. આ વિગ્રહોને ‘ગુલાબના વિગ્રહો’ એટલા માટે કહેવામાં આવે છે કે લૅન્કેસ્ટ્રિયન વંશ અને યૉર્ક વંશ એ બંનેનાં લશ્કરોના ધ્વજમાં ગુલાબનું નિશાન હતું. એકમાં સફેદ ગુલાબનું નિશાન હતું, જ્યારે બીજામાં લાલ ગુલાબનું.
મુગટલાલ પોપટલાલ બાવીસી