યેમેન : અરબી દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 30´ થી 18° 00´ ઉ. અ. અને 42° 30´થી 52° 30´ પૂ. રે.ની વચ્ચેનો 5,28,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાઉદી અરેબિયા અને પૂર્વ તરફ ઓમાન આવેલાં છે, જ્યારે દક્ષિણે એડનનો અખાત અને પશ્ચિમે રાતો સમુદ્ર તેની સરહદ અને 1,642 કિમી. લંબાઈની તટરેખા રચે છે. નજીકમાં આવેલા ત્રણ ટાપુઓ – રાતા સમુદ્રમાં આવેલા કામરાન અને પેરિમ તથા હિન્દી મહાસાગરમાં આવેલો સોકોત્રા  આ દેશના જ ભાગ ગણાય છે. યેમેનના મોટાભાગના લોકો આરબ મુસ્લિમો છે. સાના યેમેનનું પાટનગર તેમજ મોટામાં મોટું શહેર છે. એડન અહીંનું મુખ્ય બંદર, તેલમથક તથા આર્થિક દૃષ્ટિએ મહત્વનું શહેર છે. 1990 સુધી યેમેન બે અલગ રાષ્ટ્રો – યેમેન (સાના) અથવા ઉત્તર યેમેન અને યેમેન (એડન) અથવા દક્ષિણ યેમેન – માં વિભાજિત હતું; તે પછી આ બંને રાષ્ટ્રો ભળી ગયાં છે અને હવે તે યેમેન નામથી ઓળખાય છે. યેમેનનું પૂરું અરબી નામ દેશની સત્તાવાર ભાષા મુજબ ‘અલ જુમહૂરિયહ અલ યમનિયહ’ (યેમેન પ્રજાસત્તાક) છે.

ભૂપૃષ્ઠ–આબોહવા : પશ્ચિમ તરફનું અને કિનારાઓ નજીકનું ભૂપૃષ્ઠ સમતળ સપાટ છે બાકીનો અંતરિયાળ ભૂમિભાગ ઊંચાણવાળો છે. અંદરના ભાગોમાં આવેલી ટેકરીઓ અને ભેખડોની પેલી પાર પથરાળ ભૂમિથી પથરાયેલો રણવિભાગ છે, તે સાઉદી અરેબિયા તરફ વિસ્તરેલો છે. રાતા સમુદ્ર પરનું કિનારાનું મેદાન તિહામાહના મેદાનને નામે ઓળખાય છે. તેની પહોળાઈ સ્થાનભેદે 32થી 80 કિમી. જેટલી છે. આ મેદાની ભાગ ગરમ અને ભેજવાળો છે. અહીં વસ્તીનું પ્રમાણ ઓછું છે. તાપમાન 20° સે.થી 54° સે. સુધીના ગાળાનું રહે છે. તિહામાહની પૂર્વ તરફની સરહદે થોડીક ટેકરીઓ આવેલી છે. તે પછીથી ઉગ્ર ઢોળાવવાળી ભેખડો શરૂ થાય છે. વરસાદને કારણે આ ભેખડો કોતરાઈ જવાથી તેમાં ઊંડી ખીણો રચાઈ છે. અહીંથી વધુ પૂર્વ તરફ યેમેનનો ઊંચાણવાળો વિસ્તાર આવેલો છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 1,800 મીટર જેટલી છે. તેમાં પહોળી ખીણો પણ આવેલી છે. તેની આજુબાજુ 3,760 મીટરની ઊંચાઈ ધરાવતા ઉગ્ર ઢોળાવવાળા પર્વતો પણ છે. આ ભાગ યેમેનનું સર્વોચ્ચ સ્થળ છે. ઊંચાઈને કારણે આ વિભાગ તિહામાહના મેદાન કરતાં પ્રમાણમાં ઠંડો રહે છે. પર્વતોથી વધુ પૂર્વ તરફની ભૂમિ સાઉદી અરેબિયાના રણ તરફ ઢળતી જાય છે. એડનના અખાત પરનું કિનારાનું મેદાન રેતાળ અને પ્રમાણમાં ઓછું ફળદ્રૂપ છે. તેની પહોળાઈ સ્થાનભેદે 8થી 16 કિમી. જેટલી છે. આ અખાતી મેદાનની સીમા પર સૂકો, પહાડી ઉચ્ચપ્રદેશ આવેલો છે, તે ઊંડી ખીણોથી છેદાયેલો છે, તેમાં કેટલાંક સમૃદ્ધ ખેતરો પણ આવેલાં છે. આ ઉચ્ચપ્રદેશની ઉત્તરે રણ આવેલું છે.

યેમેન

દક્ષિણ દરિયાકિનારા પર એડનમાં સરેરાશ વરસાદ 130 મિમી. જેટલો પડે છે, પરંતુ યેમેનના ઊંચાણવાળા ભાગોમાં વરસાદનું પ્રમાણ 250થી 380 મિમી. જેટલું રહે છે. રણવિસ્તારોમાં તો ક્યારેક પાંચ પાંચ વર્ષ સુધી પણ વરસાદ પડતો હોતો નથી.

અર્થતંત્ર : યેમેનનું મોટાભાગનું અર્થતંત્ર વિદેશી સહાય પર તેમજ અરબી દ્વીપકલ્પના અન્ય ભાગોમાં જતા યેમેનના લોકોની કમાણી પર આધારિત છે. આ ઉપરાંત ખેતી અને ખનિજતેલ-ઉદ્યોગ પણ દેશની આવકમાં ઉમેરો કરે છે. યેમેનનો મોટાભાગનો પ્રદેશ ગરમ અને સૂકો હોવા છતાં જ્યાં જ્યાં ફળદ્રૂપ ભાગો આવેલા છે, ત્યાંની જમીનોને ખેડાણ હેઠળ આવરી લેવામાં આવેલી છે. વાયવ્ય યેમેનનો ઊંચાઈ પર આવેલો અંતરિયાળ ભાગ રમણીય તેમજ ખેડાણયોગ્ય છે. અહીં ખેડૂતો ઘઉં, જવ, જુવાર જેવા ધાન્ય પાકોનું વાવેતર કરે છે. તેઓ જરદાળુ, કેળાં, દ્રાક્ષ, ખાટાં ફળો, પપૈયાં અને દાડમ જેવાં ફળો પણ વાવે છે. કેટલાક લોકો ગામડાંની બહારના ભાગોમાં વાલ, ડુંગળી અને ટામેટાંની ખેતી પણ કરે છે. તિહામાહના મેદાનના ખેડાણયોગ્ય ભાગોમાં જુવાર, કપાસ અને ખજૂરનું વાવેતર કરવામાં આવે છે. દક્ષિણ યેમેનમાં ભૂગર્ભીય જળ દ્વારા સિંચાઈ કરીને મર્યાદિત પ્રમાણમાં ખેતી થાય છે. અહીંના કેટલાક ભાગોમાં ખેડૂતો જવ, બાજરી, તલ, જુવાર અને ઘઉંનું પણ વાવેતર કરે છે. 1980ના દાયકાથી યેમેનવાસીઓએ રણવિસ્તારોમાં બંધ બાંધીને તેમજ ખેતીવિષયક પ્રૉજેક્ટો કરીને ત્યાંની જમીનોને ખેતીયોગ્ય બનાવવા પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત ખટ (Khat – એક પ્રકારનો પાંદડાંવાળો કાષ્ઠછોડ) અને કૉફી અહીંના અગત્યના રોકડિયા પાક છે. એડન અહીંનું મહત્વનું બંદર છે, ત્યાં ખનિજતેલ-રિફાઇનરી પણ આવેલી છે. તેને કારણે પણ યેમેનને ઘણી આવક થાય છે, કારણ કે ઈરાની અખાતનાં જહાજો અહીં તેલ ભરવા, જહાજ-દુરસ્તી માટે રોકાય છે. વળી માલવાહક જહાજોની પણ અહીંથી હેરફેર થતી રહે છે.

1980ના દાયકા દરમિયાન અહીં ઔદ્યોગિક વિકાસ થયો છે. વાયવ્ય વિભાગમાં ખનિજતેલના જથ્થા મળી આવેલા છે. ઇમારતી બાંધકામનો ઉદ્યોગ પણ વિકસ્યો છે અને નવાં કારખાનાં, હોટલો, કાર્યાલયો, શાળાઓ અને માર્ગોનું બાંધકામ થયું છે. યેમેનના મોટાભાગના લોકો ખેડૂતો અથવા તો હુન્નરઉદ્યોગના કુશળ કારીગરો છે. આજે તો નવા ધંધાઓનો વિકાસ થવાથી લોકો માટે નોકરીની તકો પણ ઊજળી બની છે. યેમેનના કુશળ કારીગરો તેના કાપડ-ઉદ્યોગ, ચર્મકામ અને લોહકામ માટે પ્રાચીન કાળથી જાણીતા છે. આ દેશમાં હજી આજે પણ હસ્તકારીગરીથી અનેક ચીજવસ્તુઓ બને છે. કેટલાક લોકો વણાટકામ અને કાપડ રંગવાનું કામ કરે છે, તો કેટલાક દોરડાં, કાચનાં વાસણો અને માટીનાં વાસણો બનાવે છે. ટ્રકો અને ગાડીઓ યેમેનમાં વાહનવ્યવહારનાં મુખ્ય સાધનો બની રહ્યાં છે, તેમ છતાં હજી આજે પણ લોકો ઊંટ, ઘોડા અને ગધેડાંનો ઉપયોગ કરે છે.

લોકો : 2001 મુજબ યેમેનની વસ્તી 1,91,00,000 જેટલી છે. અહીં વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ 21 વ્યક્તિ જેટલી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 71 % અને 29 % જેટલું છે. અહીંના મોટાભાગના લોકો મુસ્લિમ આરબો છે; બાકીના પાકિસ્તાની, ભારતીય, સોમાલીઓ અને ઇરિથ્રિયનો છે. અહીંના મુસ્લિમો ઝયદી કે શફી જાતિમાં વહેંચાયેલા છે. વાયવ્ય યેમેનમાં વસતા ઝયદી મુસ્લિમો સરકારી ક્ષેત્ર કે લશ્કર સાથે સંકળાયેલા છે, જ્યારે શફીઓ વેપારી પ્રજા છે. આમ રાજકીય રીતે સત્તાધારી ઝયદી લોકો અને શ્રીમંત શફીઓ વચ્ચે કડવાશ ઊભી થયેલી છે. આ કારણે દેશમાં બે જાતિ-જૂથ પડી ગયેલાં છે.

યેમેનના મોટાભાગના લોકો ખેડૂતો કે ભરવાડો છે. ખેડૂતો ખીણપ્રદેશોમાં તેમજ રણદ્વીપોમાં ખેતી કરે છે. ભરવાડો સૂકા પ્રદેશોમાં ઘેટાં ચરાવે છે. બીજા કેટલાક હુન્નરઉદ્યોગ પર પોતાનો જીવનનિર્વાહ કરે છે, તો કેટલાક ખંજરો, લાકડાના પટારા, પિત્તળનો સરસામાન અને ઝવેરાત બનાવે છે. કિનારા પર અને સોકોત્રાના ટાપુ પરના લોકો માછીમારીની પ્રવૃત્તિ કરે છે; બાકીના લોકો, વિશેષે કરીને યુવાનો, સાઉદી અરેબિયામાં કે અરબી દ્વીપકલ્પના અન્ય દેશોમાં કમાણી અર્થે જાય છે. શહેરી લોકો અર્વાચીન ઘરોમાં કે ફ્લૅટમાં રહે છે; જ્યારે બીજા કેટલાક એક માળનાં ઈંટોનાં મકાનોમાં રહે છે. કેટલાંક સમૃદ્ધ ખેડૂત-કુટુંબો સાયન (Sayun) જેવાં નગરોમાં રહે છે. નાના ખેડૂતો તેમનાં ખેતરોની નજીકનાં નાનાં ગામડાંમાં વસે છે. દેશના પશ્ચિમ ભાગોમાં, રાતા સમુદ્ર નજીક, લોકો ઘાસની બનાવેલી ઝૂંપડીઓમાં પણ રહે છે.

સમુદ્રકાંઠાની પર્વતીય છાયામાં વસેલું યેમેન

ચોખા, બ્રેડ, શાકભાજી, ગાડરાં (lambs)નું માંસ અને માછલી એ યેમેનવાસીઓનો મુખ્ય ખોરાક છે. સાલ્ટા (Salta) એ અહીંની મસાલેદાર રાષ્ટ્રીય વાનગી ગણાય છે. અહીંનાં લગભગ બધાં જ માણસો (પુરુષો અને સ્ત્રીઓ) ખટનાં પાંદડાં ચાવે છે. આ પાંદડાંમાં તાત્કાલિક સ્ફૂર્તિ આપતું દ્રવ્ય હોય છે, જે મંદ કેફકારક હોય છે. પુરુષો અને સ્ત્રીઓનાં જૂથ બપોર ગાળવા માટે ભેગાં મળીને ખટ ચાવીને મોજ માણે છે. શહેરી યેમેનવાસીઓ પાશ્ર્ચાત્ય ઢબનો પોશાક પહેરે છે. બીજા ઘણા તેમનો પરંપરાગત અરબી પોશાક ધારણ કરે છે. ઘણા પુરુષો માથે ટોપી, પાઘડી કે લાંબા, ગોળ ટોપા (તર્બુશ) પહેરે છે. સ્ત્રીઓ સંપૂર્ણ કદનો ઝભ્ભો, કાળી શાલ અને બુરખો પહેરે છે. યેમેનના લગભગ 16 %થી 17 % લોકો (15 વર્ષથી ઉપરની ઉંમરના) લખીવાંચી જાણે છે. જાહેર શાળાઓ મોટાં શહેરોમાં આવેલી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઇસ્લામી ધાર્મિક શાળાઓ ચાલે છે. સાના ખાતે 1970માં સર્વપ્રથમ યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી છે. એડન ખાતે પણ યુનિવર્સિટી છે.

ગિરીશભાઈ પંડ્યા