યૂગ્લીનોફાઇટા

January, 2003

યૂગ્લીનોફાઇટા : સામાન્યત: મીઠા પાણીમાં થતાં એકકોષી, નગ્ન અને ચલિત સજીવ સ્વરૂપોનો એક વિભાગ. આ વિભાગમાં કેટલાંક વૃક્ષાકાર (dendroid) વસાહતથી ઊંચી કક્ષાનાં નહિ તેવાં અચલિત બહુકોષીય સ્વરૂપોની ઉત્ક્રાંતિ થઈ છે. તેનો જીવરસ રંગહીન કે ઘાસ જેવા લીલા રંગનો હોય છે. ક્લૉરોફિલ a અને b રંજ્યાલવ(chromatophore)માં આવેલાં હોય છે. ક્લૉરોફિલ બાબતે તે ક્લૉરોફાઇટા વિભાગ સાથે સામ્ય દર્શાવે છે. આ ઉપરાંત રંજ્યાલવમાં β-કૅરોટિન અને ક્લૉરોફાઇટામાં ન હોય તેવું એક ઝેન્થોફિલ હોય છે. આ રંજ્યાલવ તકતી આકારનાં, પટ્ટિત કે તારાકાર હોય છે. કેટલીક જાતિઓમાં હિમેટોક્રોમ નામનું લાલ રંજકદ્રવ્ય આવેલું હોય છે. ખોરાક-સંગ્રહ ઉપમંડકાય (paramylam) અને લિપિડ સ્વરૂપે થાય છે. ઉપમંડકાય સ્ટાર્ચ સાથે સંબંધિત અદ્રાવ્ય કાર્બોદિત છે. કૂર્ચ (tinsel) પ્રકારની કશા ઉપર પાર્શ્વસૂત્રો (mastigoneme) જોવા મળે છે. ચલિત કોષો એક, દ્વિ કે ત્રિકશીય (triflagellate) હોય છે. તે હંમેશાં અગ્ર છેડે હોય છે. તેનો નીચેનો છેડો અંત:સ્થ વિવર (આશય = reservoir) સાથે જોડાયેલો હોય છે. કોષના અગ્ર છેડે કોષમુખ (cytostome) આવેલું હોય છે. તે વિભેદિત પરિદ્રવ્યક (periplast) છે. તેની નીચે ચંબુ આકારની ગ્રસિકા (gullet) આવેલી હોય છે. તે સાંકડી કોષરસનળી (cytopharynx) અને વિસ્તારિત આશયની બનેલી હોય છે. તેની પાસે એક કે તેથી વધારે આકુંચક (contractile) રસધાનીઓ આવેલી હોય છે. ગ્રસિકાની નજીક લાલ રંગનું પ્રકાશસંવેદી નેત્રબિંદુ (eye spot) આવેલું હોય છે. પ્રત્યેક કશા તેના નીચલા છેડે આશયમાં દ્વિશાખી બને છે અને પ્રત્યેક શાખા અંતે તલસ્થકણિકા(blepharoplast)માં પરિણમે છે. બે પૈકીની એક તલસ્થકણિકા મૂલતંતુ (rhizoplast) દ્વારા બહિ:કોષકેન્દ્રીય તારાકેન્દ્ર સાથે જોડાયેલી હોય છે.

કેટલીક પ્રજાતિઓમાં જીવરસ એક વર્મિકા (lorica) નામના શિથિલ આવરણ દ્વારા આવરિત હોય છે. તે જીવરસથી અલગ પડે છે અને અગ્ર છેડે આ આવરણ ખુલ્લું હોય છે. આ ખુલ્લા છેડેથી કશા બહાર નીકળે છે. તે સેલ્યુલોઝવિહીન દૃઢ શ્લેષી (gelatinous) પદાર્થનું બનેલું હોય છે. શરૂઆતમાં તે રંગહીન અને પારદર્શક હોય છે. પરંતુ લોહયુક્ત સંયોજનો તેમાં ઉમેરાતાં કેટલીક વાર અપારદર્શક અને પીળાથી માંડી ઘેરા બદામી રંગનું બને છે. આ આવરણના આકાર અને અલંકરણ (ornamentation) દ્વારા આવરણ ધરાવતી પ્રજાતિઓ અલગ તારવી શકાય છે.

આકૃતિ 1 : યૂગ્લીનોફાઇટા : (અ) Euglena intermedia; (આ) Trachel-omonas; (ઇ) Entosiphon; (ઈ) Urceolus; (ઉ) Colacium; (ઊ) Euglenaનો અગ્ર છેડો; (એ) કશા, (ઐ, ઓ અને ઔ) કોષવિભાજનની અવસ્થાઓ.

રંજ્યાલવ ધરાવતી જાતિઓ સ્વપોષી (autotrophic) હોય છે અને પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બનિક પોષકતત્વો બનાવે છે. રંજ્યાલવરહિત કેટલીક જાતિઓ મૃતોપજીવી (saprophyte) હોય છે. તેઓ કોષસપાટીએથી પ્રસરણ દ્વારા કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે છે. સ્વપોષી હોવા ઉપરાંત તેઓ વનસ્પતિસમ પોષણ (holophytic nutrition) કે પ્રાણીસમ પોષણ (holozoic nutrition) ધરાવી શકે.

પ્રજનન સામાન્યત: લંબ અક્ષે થતા કોષવિભાજન દ્વારા થાય છે. કેટલીક પ્રજાતિઓમાં જાડી દીવાલ ધરાવતા કોષ્ઠ(cyst)નું નિર્માણ થાય છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુષુપ્તાવસ્થા ભોગવે છે અને અનુકૂળ સંજોગો પાછા ફરતાં અંકુરણ પામી નવા સજીવો ઉત્પન્ન કરે છે. માત્ર એક પ્રજાતિ(Phacus)ને બાદ કરતાં, લિંગી પ્રજનનનું પ્રાયોગિક રીતે નિદર્શન થયું નથી. Phacus પ્રજાતિમાં સ્વકયુગ્મન (autogamy) દ્વારા લિંગી પ્રજનન થાય છે, જેમાં કોષમાં રહેલાં બે ભગિની-કોષકેન્દ્રો(sister-nuclei)નું યુગ્મન થાય છે.

યૂગ્લીનોફાઇટા વિભાગ એક જ વર્ગ યૂગ્લીનોફાઇસીનો બનેલો છે. આ વર્ગને બે ગોત્રો (1) યૂગ્લીનેલ્સ અને (2) કૉલેસિયેલ્સ (યુગ્લીનો કેપ્સેલ્સ)માં વર્ગીકૃત કરવામાં આવે છે. યૂગ્લીનેલ્સમાં ચલિત કશાધારી સ્વરૂપો જોવા મળે છે. કૉલેસિયેલ્સ દીવાલ વડે આવરિત અચલિત કોષો ધરાવે છે અને તેઓ વૃક્ષાકાર અને શ્લેષ્મસ્થતાભ (palmelloid) વસાહતસ્વરૂપમાં હોય છે. યૂગ્લીનેલ્સ ગોત્રમાં Euglena, Trachelomonas, Entosiphon, Rhabdomonas, Urceolus અને Phacus જેવી પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Entosiphon અને Urceolus પ્રજાતિઓ અમેરિકામાં નૈસર્ગિક રીતે મળી આવે છે. કૉલેસિયેલ્સ ગોત્ર Colacium નામની એક જ પ્રજાતિ ધરાવે છે. સમગ્ર વિભાગ લગભગ 25 પ્રજાતિઓ અને 450 જાતિઓનો બનેલો છે.

યૂગ્લીનોફાઇટા વનસ્પતિ અને પ્રાણી બંનેનાં લક્ષણો દર્શાવે છે. ગ્રસિકાની હાજરી, પ્રાણીસમ પોષણ, કેટલીક જાતિઓમાં ક્લૉરોફિલની ગેરહાજરી અને કશા દ્વારા થતું પ્રચલન પ્રાણીઓ સાથે સામ્ય સૂચવે છે. તેથી પ્રાણીશાસ્ત્રીઓ તેને પ્રજીવ (protozoa) સમુદાયના કશાધારી (flagellata) વર્ગમાં મૂકે છે. વનસ્પતિશાસ્ત્રીઓએ તેને લીલમાં સ્થાન આપ્યું છે, કારણ કે તેઓ અત્યંત સરળ વાનસ્પતિક દેહરચના અને મોટાભાગની જાતિઓ ક્લૉરોફિલ ધરાવે છે. લીલી વનસ્પતિઓની જેમ તેઓ પ્રકાશસંશ્લેષણ કરે છે. Colacium પ્રજાતિમાં લીલનું વાસ્તવિક સંગઠન હોય છે, જે અચલિત કોષોનું બનેલું હોય છે અને વસાહત સ્વરૂપે જોવા મળે છે. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ તેમની પ્રાણીઓ તરીકેની ગણના કરે છે જેમનામાં વનસ્પતિનાં કેટલાંક લક્ષણો હોય છે. અન્ય તેને વનસ્પતિ તરીકે જ ઓળખાવે છે અને માને છે કે કેટલીક જાતિઓએ ક્લૉરોફિલ ગુમાવતાં પ્રાણીસમ પોષણ અપનાવ્યું છે.

તેઓ સંભવત: અત્યંત પ્રાથમિક કક્ષાનાં સજીવો છે અને જેમાંથી વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ ઉદભવી તેવા પૂર્વજ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ ઉપર્યુક્ત મુશ્કેલી ટાળવા આ વિભાગને પ્રોટીસ્ટા ઉપસૃષ્ટિમાં મૂકે છે. પાશ્ચરે (1931) આ લીલ માટે ‘યૂગ્લીનોફાઇટા’ નામકરણ સૌપ્રથમ કર્યું. જી. એલ. સ્મિથ અને ફ્રીસ્ચ નામના લીલવિજ્ઞાનીઓ(algologist)એ આ નામને સ્વીકૃતિ આપી હતી. તે ચોક્કસ રંજ્યાલવ ધરાવે છે, અને તે રીતે સાયનોફાઇટાના રંજ્યાલવથી અલગ પડે છે. ખોરાકસંગ્રહ સ્ટાર્ચ-સ્વરૂપે ન થતો હોવાથી તેને ક્લૉરોફાઇટાથી અલગ યૂગ્લીનોફાઇટા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ