યુ-બોટ (U-boat) : જર્મનીની લડાયક પનડૂબીઓ. જર્મન ભાષામાં તે ‘Utersee boote’ નામથી ઓળખાતી હતી. તેની સહાયથી દરિયાના પાણીમાં ગહેરાઈ સુધી ગુપ્ત રીતે જઈ શકાતું અને ત્યાંથી દરિયાની ઉપર આવાગમન કરતાં શત્રુનાં લશ્કરી જહાજો, પ્રવાસી જહાજો તથા વ્યાપારી જહાજોને નિશાન બનાવી તેમનો નાશ કરી શકાતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મન લશ્કરે તેનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. 1914માં જર્મન પનડૂબી યુ-9 દ્વારા કરવામાં આવેલ હુમલામાં એક જ કલાકમાં ત્રણ બ્રિટિશ ક્રૂઝરનો નાશ કરવામાં આવ્યો હતો. એક સમયે બ્રિટનને ઘેરો ઘાલવામાં અને બ્રિટનનાં હજારો પ્રવાસી જહાજો અને વ્યાપારી જહાજોને ડુબાડવામાં જર્મનીની આ પ્રકારની પનડૂબીઓએ ભારે સફળતા મેળવી હતી. મે 1915માં આ પ્રકારની એક જર્મન પનડૂબીએ ‘લુસિટાનિયા’ નામના એક બ્રિટિશ પ્રવાસી જહાજને નિશાન બનાવી તેના પર સવારી કરી રહેલા આશરે 1,500 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં સફળતા મેળવી હતી. 1916માં જર્મન પનડૂબીઓએ અમેરિકાનાં વ્યાપારી જહાજો પર પણ આક્રમણ કર્યું હતું, જેને કારણે અમેરિકા એપ્રિલ 1917માં પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રો વતી જોડાયું હતું. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં પણ 200 ટન વજન ધરાવતી જર્મન યુ-બોટોએ મિત્રરાષ્ટ્રોનાં હજારો નાનાંમોટાં વ્યાપારી જહાજો ડુબાડ્યાં હતાં. જર્મનીની આ પનડૂબીઓ ‘wolf packs’ નામ ધરાવતાં જૂથોમાં શત્રુ પક્ષ પર પ્રહાર કરવામાં નિષ્ણાત ગણાતી હતી. પનડૂબીઓના દરેક જૂથમાં આશરે ચાળીસ પનડૂબીઓનો કાફલો રહેતો. તેના હુમલાઓને કારણે બીજા વિશ્વયુદ્ધના ગાળામાં મિત્રરાષ્ટ્રોનાં આશરે 4,770 જહાજો નાશ પામ્યાં હતાં એવો અંદાજ છે. મિત્રરાષ્ટ્રો દ્વારા રડારની મદદથી આવાગમન કરતાં આક્રમક વિમાનોના વ્યાપક ઉપયોગને કારણે સમય જતા જર્મન પનડૂબીઓ યુદ્ધમાં નિરુપયોગી બની હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે