યુએલ્ઝમાન, જેરી (Uelsmann, Jerry) (જ. 1934, ડેટ્રૉઇટ, અમેરિકા) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ અમેરિકન પરાવાસ્તવવાદી ફોટોગ્રાફર.

રૉચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1957માં એમ.એસ.ની પદવી તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને 1960માં એમ.એફ.(માસ્ટર ઑવ્ ફાઇન આર્ટ)ની પદવી હાંસલ કરી. તે જ વર્ષે ગેઇન્સવાઇલ ખાતે યુનિવર્સિટી ઑવ્ ફ્લૉરિડામાં ફોટોગ્રાફીનું અધ્યાપન શરૂ કર્યું. તે જ યુનિવર્સિટીમાં યુએલ્ઝમાન 1974થી ગ્રૅડ્યુએટ રિસર્ચ પ્રોફેસર તરીકે નિમાયા.

અલગ અલગ એક્સ્પોઝ કરેલી એકથી વધુ નેગેટિવોના મૉન્ટાજ-સંયોજન વડે યુએલ્ઝમાન પરીકથાપ્રદેશનાં દૃશ્યો રચવા માટે જાણીતા બન્યા છે. આ દૃશ્યોમાં ઘણી વાર પરાવાસ્તવવાદી ભેંકારતા તેમજ ભૂતાવળનાં દર્શન થાય છે. યુએલ્ઝમાન કદી રંગો વાપરતા નથી; એમણે હંમેશાં શ્વેતશ્યામ ફોટોગ્રાફી જ કરી છે. સમગ્ર વિશ્વમાં તેમણે પોતાની ફોટોગ્રાફીનાં 100થી પણ વધુ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ અને મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, લંડનનું વિક્ટૉરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, પૅરિસનું ‘બિબ્લિયૉતેક નૅશિયૉનાલ’, જાપાન કયોતોનું નૅશનલ મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ તથા શિકાગોનું ‘શિકાગો આર્ટ ઇન્સ્ટિટ્યૂટ’  આ સર્વેમાં યુએલ્ઝમાનના ફોટોગ્રાફ કાયમી ધોરણે પ્રદર્શિત છે. તેમની ફોટોગ્રાફીનાં સાત પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને હજી પણ અઢળક મૅગેઝીનો અને છાપાંઓમાં એમની ફોટોગ્રાફીની કૃતિઓ છપાતી રહે છે.

અમિતાભ મડિયા