યુસ્પૉરેન્જિયોપ્સીડા (સુબીજાણુધાનીય) : વનસ્પતિઓના ફિલિકોફાઇટા કે પ્ટેરોફાઇટા વિભાગનો આદિ હંસરાજ(primitive ferns)નો બનેલો એક વર્ગ. તેના બીજાણુજનક(sporophyte)નું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોય છે. પર્ણો મોટાં અને સામાન્યત: વિભાજિત હોય છે અને પર્ણ-અવકાશો (leaf gaps) ધરાવે છે. પર્ણોનું કલિકા-અવસ્થામાં કુંડલિતાગ્ર (cixcinate) પર્ણવલન જોવા મળતું નથી અને તે ઉપપર્ણીય (stipulate) કે અનુપપર્ણીય (exstipulate) હોય છે. બીજાણુધાની અને પુંધાનીનો વિકાસ સુબીજાણુધાનીય (eusporangiate) પ્રકારનો હોય છે. બીજાણુધાનીનો ઉદભવ આરંભિક કોષોના સમૂહરૂપે થાય છે અને બીજાણુધાનીની દીવાલ એક કરતાં વધારે સ્તરોની બનેલી હોય છે. પર્ણદલ અને પર્ણદંડના સંધિસ્થાન પાસે અભ્યાક્ષ (adaxial) સપાટીએ ઉદભવતી શૂકી (spike) ઉપર બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. શૂકી સરળ કે શાખિત હોય છે અને બે સીમાવર્તી (marginal) હરોળમાં ગોઠવાયેલી અદંડી કે ટૂંકા દંડવાળી મોટી બીજાણુધાનીઓ ધરાવે છે. તેનું સ્ફોટન લંબવર્તી કે અનુપ્રસ્થ ચીરા દ્વારા થાય છે. તેઓ સમબીજાણુક (homosporous) હોય છે અને વિપુલ સંખ્યામાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બીજાણુઓને બીજાણુચોલ (perispore) હોતું નથી. પુંધાનીઓ પૂર્વદેહ(prothallus)ની પેશીમાં ખૂંપેલી હોય છે અને અસંખ્ય બહુકશાધારી (multiflagellate) ચલપુંજન્યુઓ (spermatozoids) ઉત્પન્ન કરે છે. ભ્રૂણ બહિર્મુખી (exoscopic) કે અંતર્મુખી (endoscopic) હોય છે અને નિલંબયુક્ત કે નિલંબરહિત હોય છે. જન્યુજનકો દીર્ઘજીવી હોય છે અને તેમાં અંત:જીવી (endophytic) ફૂગ વસવાટ ધરાવે છે. તેઓ ભૂમિગત અને મૃતોપજીવી (દા.ત., Ophioglossum, Botrychium) અથવા હરિત, હવાઈ અને પ્રકાશસંશ્લેષી હોય છે. આ વર્ગને બે ગોત્રોમાં વર્ગીકૃત કરવામાં આવે છે :
(1) ગોત્ર–ઑફિયોગ્લોસેલ્સ : પર્ણદલ અને પર્ણદંડના સંધિસ્થાને પર્ણદલની અભ્યાક્ષ સપાટીએ ઉદભવતી શૂકી ઉપર બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. આ ગોત્રમાં એક જ કુળ – ઑફિયોગ્લોસેસીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુળ-ઑફિયોગ્લોસેસી : આ કુળની વનસ્પતિઓના બીજાણુજનક ભૌમિક, શાકીય અને કદમાં નાના હોય છે. ગાંઠામૂળી ટૂંકી અને રસાળ (fleshy) હોય છે અને અસ્થાનિક (adventitious) મૂળ ધરાવે છે. તેના ઉપર અસ્થાનિક કલિકાઓ ઉત્પન્ન થાય છે. (દા.ત., Ophioglossum). પર્ણો અનુપપર્ણીય હોય છે. પર્ણદલ અવિભાજિત કે વિભાજિત હોય છે. ફળાઉ શૂકી સીમાવર્તી અદંડી બીજાણુધાનીઓ ધરાવે છે. પ્રત્યેક બીજાણુધાનીમાં 2,000 જેટલા બીજાણુઓ હોય છે. જન્યુજનકો સામાન્યત: ભૂમિગત, એકગૃહી (monoaecious) અને કવકમૂલીય (mucorrhizic) હોય છે. આ કુળમાં Ophioglossum, Botrychium અને Helminthostachys નામની પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(2) ગોત્ર–મરાટિયેલ્સ : પર્ણદલની અપાક્ષ (abaxial) સપાટીએ બીજાણુધાનીઓ સમૂહમાં ઉદભવી બીજાણુધાનીપુંજો (sori) બનાવે છે. આ ગોત્ર બે કુળોનું બનેલું છે :
કુળ-ઍન્જિયોપ્ટેરિડેસી : આ કુળમાં બીજાણુધાનીપુંજો રેખીય અને દ્વિપંક્તિક (biseriate) હોય છે અને આભાસી પુંજછદ (indusium) વડે આવરિત હોય છે. બીજાણુધાની ટોચ ઉપર અલ્પવિકસિત (rudimentary) સ્ફોટીવલય (annulus) આવેલું હોય છે. પર્ણો પીંછાકાર (pinnately) સંયુક્ત અને શિરાઓ મુક્ત હોય છે. Angiopteris, Macroglossum અને Pseudomarattia આ કુળની પ્રજાતિઓ છે.
કુળ-મરાટિયેસી : બીજાણુધાનીઓ જોડાઈને સંબીજાણુધાની (synangium) બનાવે છે. સ્ફોટીવલય અલ્પવિકસિત હોય છે. આ કુળ 7 પ્રજાતિઓ અને લગભગ 80 જેટલી જાતિઓનું બનેલું છે. Marattia, Christensenia અને Danaea આ કુળની અગત્યની પ્રજાતિઓ છે.
બળદેવભાઈ પટેલ