યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર (જ. 16 એપ્રિલ 1921, લંડન, ઇંગ્લૅન્ડ) : નામી આંગ્લ અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યલેખક. તેમનાં રશિયન માતા-પિતા શ્વેત કુળનાં હતાં. અભ્યાસ કર્યો વેસ્ટમિન્સ્ટર શાળામાં. 1938માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય-પ્રવેશ કર્યો. પછી બીજા વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવા બજાવી. 1942માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું અને અભિનેતા, લેખક તથા નિર્માતા એમ વિવિધ નિર્માણ-વિભાગોમાં પોતાની દક્ષતા દાખવી. કટાક્ષલક્ષી હાસ્યકાર તરીકે પણ તેમણે પ્રસારણ-સેવા બજાવી. તેમણે ઘણાં નાટકો લખ્યાં; જેમાં મુખ્ય છે : ‘ધ લવ ઑવ્ ફૉર કર્નલ્સ’ (1951), ‘રૉમાનૉફ ઍન્ડ જૂલિયટ’ (1956), ‘હાફ-વે અપ ધ ટ્રી’ (1967) અને ‘ધી અનનોન સોલ્જર ઍન્ડ હિઝ વાઇફ’ (1967). તેમણે 50 ઉપરાંત ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમાં ‘ડેથ ઑન ધ નાઇલ’ (1978), ‘એપૉઇન્ટમેન્ટ વિથ ડેથ’ (1988) તથા ‘લૉરેન્ઝોઝ ઑઇલ’ (1992) ઉલ્લેખનીય છે. તાજેતરનાં વર્ષોમાં તેમણે રસપ્રદ વાર્તાઓના કથક કલાકાર તરીકે ખૂબ બહોળી લોકચાહના તથા પ્રતિષ્ઠા મેળવી છે.
તેમના લેખનકાર્યના ફળ રૂપે 1971માં પ્રથમ નવલકથા ‘ક્રમ્નગૅલ’ પ્રગટ કરી અને 1977માં આત્મકથનાત્મક કૃતિ ‘ડિયર મી’ તેમજ ઐતિહાસિક રચના ‘માઇ રશિયા’ (1983) પ્રગટ કરી છે.
મહેશ ચોકસી