યુરોપીય સંઘ : ઈ. સ. 1815ના વિયેના સંમેલને યુરોપની શાંતિની રક્ષા કરવા માટે કરેલી વ્યવસ્થા. શાંતિની રક્ષા કરવાનો હેતુ પાર પાડવા આ સંમેલનમાં ભાગ લેનાર રાષ્ટ્રોના વડાઓએ યુરોપીય સંઘ(Concert of Europe)ની રચના કરવાનું નક્કી કર્યું. યુરોપીય સંઘના ભાગ રૂપે ‘પવિત્ર સંઘ’ (Holy Alliance) અને ‘ચતુર્મુખી સંઘ’(Quadruple Alliance)નો ઉદભવ થયો.
‘પવિત્ર સંઘ’ની રચનામાં રશિયાના ઝાર ઍલેક્ઝાન્ડર પહેલાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. ખ્રિસ્તી ધર્મ પાળતાં રશિયા, પ્રશિયા, ઑસ્ટ્રિયા, ઇંગ્લૅન્ડ વગેરે રાજ્યોના ખ્રિસ્તી રાજાઓએ 1815ની 26મી સપ્ટેમ્બરે આ સંઘની સ્થાપના કરી હતી. એનું સંચાલન ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો પ્રમાણે થવાનું હતું. તેથી તેનું નામ ‘પવિત્ર સંઘ’ રાખવામાં આવ્યું. આ રાજ્યોના રાજાઓએ પિતાની માફક પ્રજા પર રાજ્ય કરવાનું હતું અને ધર્મ, ન્યાય તથા શાંતિનું રક્ષણ કરવાનું હતું. જોકે આ કરારને રશિયાના ઝાર સિવાય બીજા કોઈએ ગંભીરતાપૂર્વક લીધો ન હતો. તેઓ માનતા હતા કે આ કરારથી ઝાર યુરોપનો સરમુખત્યાર બનવા પ્રયત્ન કરે છે. આ સંઘને ક્રિયાશીલ બનાવવા યોગ્ય વ્યવસ્થાતંત્ર સ્થપાયું ન હતું. પરિણામે 1825માં ઝાર ઍલેક્ઝાન્ડર પહેલાના અવસાન સાથે આ ‘પવિત્ર સંઘ’નો અંત આવ્યો. આ સંઘ નિષ્ફળ ગયો, છતાં તેણે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પ્રવૃત્ત થવા એક પ્રણાલિકા સ્થાપી એમ કહી શકાય.
‘પવિત્ર સંઘ’ની રચના પછી તરત જ રશિયા, પ્રશિયા, ઑસ્ટ્રિયા અને ઇંગ્લૅન્ડે નવેમ્બર 1815માં વધારે નક્કર સહકાર અને કામગીરી માટે ‘ચતુર્મુખી સંઘ’ની સ્થાપના કરી. એનો મુખ્ય આશય આ ચારેય મોટાં રાષ્ટ્રો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ સ્થાપી વિશ્વશાંતિનું રક્ષણ કરવાનો હતો. આ ઉપરાંત ફ્રાન્સને ફરીથી યુરોપની શાંતિનો ભંગ કરતાં અટકાવવું, વિયેના સંમેલનના નિર્ણયોને અમલી બનાવવા, લોકશાહી તથા રાષ્ટ્રવાદના પૂર સામે રાજાશાહીને રક્ષણ આપવું વગેરે હેતુઓ પણ તેના હતા. ‘ચતુર્મુખી સંઘ’ની રચના અને સંચાલનમાં ઑસ્ટ્રિયાના વડા પ્રધાન મેટરનિકે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આ ચારેય દેશોના વડાઓએ જટિલ સમસ્યાઓની ચર્ચા કરી ઉકેલ શોધવા અવારનવાર સંમેલનો ભરવાનું નક્કી કર્યું. 1818થી 1825 દરમિયાન આ સંઘનાં પાંચ સંમેલનો મળ્યાં. એ સંમેલનોમાં દરેક દેશ પોતાના સ્વાર્થની દૃષ્ટિએ વિચારતો હતો. એમનાં પ્રાદેશિક હિતો ટકરાતાં હોવાને કારણે તટસ્થ નિર્ણયો લઈ શકાતા ન હતા. એનું પ્રથમ સંમેલન ફ્રાન્સના એ-લા-શાપેલમાં 1818માં મળ્યું. ફ્રાન્સે યુદ્ધદંડની પૂરી રકમ ચૂકવી દીધી હોવાથી આ સંઘના પાંચમા સભ્ય તરીકે તેને દાખલ કરવામાં આવ્યું. આમ, ‘ચતુર્મુખી સંઘ’ હવે ‘પંચમુખી’ બન્યો. આ સંમેલને યુરોપનાં નાનાં રાજ્યો પરનો અંકુશ વધારે દૃઢ બનાવ્યો. સ્પેનને લશ્કરી મદદ આપવાની બાબતમાં રશિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેના મતભેદો સ્પષ્ટ થયા. બીજું સંમેલન ઑસ્ટ્રિયાના ટ્રોપુ મુકામે 1820માં મળ્યું. આ સંમેલનમાં વિવિધ સ્થળોએ ચાલતાં પ્રજાકીય સ્વાતંત્ર્ય આંદોલનોને કચડી નાખવામાં મદદ કરવાનો ઇંગ્લૅન્ડે ઇન્કાર કર્યો. ત્રીજું સંમેલન 1821માં લાઇબૅક મુકામે મળ્યું. આ સંમેલનમાં ક્રાંતિકારી આંદોલનો સામે મેટરનિકની પ્રત્યાઘાતી નીતિનો વિજય થયો, પરંતુ તેનાથી ‘પંચમુખી સંઘ’ વધારે નિર્બળ બન્યો.
ચોથું સંમેલન 1822માં ઇટાલીના વેરોના શહેરમાં મળ્યું. તેની સમક્ષ બે મુખ્ય પ્રશ્નો હતા (1) ગ્રીસની પ્રજાએ તુર્કસ્તાન વિરુદ્ધ સ્વાતંત્ર્ય-ચળવળ શરૂ કરી હતી તેને મદદ કરવી કે નહિ ? અને (2) સ્પેનનાં દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનોએ સ્વતંત્રતાની જાહેરાત કરી હતી, તેમને કચડી નાખવા માટે સ્પેનને લશ્કરી મદદ કરવી કે નહિ ? પ્રથમ પ્રશ્નમાં રશિયાનો ઝાર એકલો તુર્કસ્તાન સામે ગ્રીસની પ્રજાને મદદ કરવા ઇચ્છતો હતો. પરંતુ તેમ થાય તો પૂર્વ યુરોપમાં રશિયાનું વર્ચસ્ વધી જાય એટલે ઑસ્ટ્રિયા અને ઇંગ્લૅન્ડે એ દરખાસ્તનો વિરોધ કર્યો. પરિણામે ગ્રીસની પ્રજા એકલી પડી જવાથી તેનો પ્રથમ સ્વાતંત્ર્યવિગ્રહ નિષ્ફળ ગયો. બીજા પ્રશ્નમાં સંમેલને સ્પેનને લશ્કરી મદદ કરવા ફ્રાન્સને સત્તા આપી. તેના વિરોધમાં ઇંગ્લૅન્ડ આ સંઘમાંથી નીકળી ગયું. એ પછી અમેરિકાએ મનરો સિદ્ધાંત દ્વારા અમેરિકાના પ્રદેશમાં યુરોપની મહાસત્તાઓની દખલગીરીનો વિરોધ કર્યો. તેથી સ્પેનનાં દક્ષિણ અમેરિકામાં આવેલાં સંસ્થાનો આર્જેન્ટિના, ચિલી, પેરૂ, મેક્સિકો, ગ્વાટેમાલા, કોલંબિયા, ઉરુગ્વે વગેરે સ્વતંત્ર થયાં.
પાંચમું અને છેલ્લું સંમેલન રશિયાના પાટનગર સેન્ટ પીટર્સબર્ગમાં 1824–25માં મળ્યું. એમાં ઝાર ઍલેક્ઝાન્ડર પહેલાએ જાહેર કર્યું કે ગ્રીસ-તુર્ક પ્રશ્નમાં યુરોપની મહાસત્તાઓ સાથે ચર્ચાવિચારણા કર્યા વગર તે એકલો રશિયાના હિતને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરશે. આ જાહેરાતની સાથે ‘યુરોપીય સંઘ’નો તથા સામૂહિક રીતે વિચારણા કરી યુરોપની શાંતિનું રક્ષણ કરવાના સંયુક્ત પ્રયાસોનો અંત આવ્યો.
યુરોપીય સંઘની નિષ્ફળતા માટે કેટલાંક મૂળભૂત કારણો જવાબદાર હતાં. એની રચના પ્રત્યાઘાતી નીતિ દ્વારા ક્રાંતિકારી ચળવળોના દમન માટે કરવામાં આવી હોય એવી છાપ ઊપસતી હતી. સંઘનું દરેક સભ્યરાષ્ટ્ર સામાન્ય હિત નહિ, પરંતુ પોતાનું વિશિષ્ટ હિત સાધવા માગતું હતું. ઑસ્ટ્રિયાને પોતાનાં ઇટાલીમાંનાં હિતોની ચિંતા હતી, જ્યારે પ્રશિયાને જર્મની પર વર્ચસ્ જમાવવું હતું. રશિયાને બાલ્કન પ્રદેશ અને ભૂમધ્ય સમુદ્રમાં લાગવગ વધારવી હતી. ઇંગ્લૅન્ડને પોતાનાં આર્થિક તથા સાંસ્થાનિક હિતો સાચવવાં હતાં અને ફ્રાન્સને નેપોલિયનનાં યુદ્ધોથી ગયેલી પ્રતિષ્ઠા ફરી પાછી મેળવવી હતી. ઑસ્ટ્રિયા અને રશિયાનાં હિતો બાલ્કનમાં અથડાતાં હતાં. જ્યારે ઇંગ્લૅન્ડ અને રશિયાનાં હિતો ભૂમધ્ય સમુદ્રમાં ટકરાતાં હતાં. આમ, વિવિધ સ્વાર્થો અને હિતોને કારણે આ રાષ્ટ્રો વચ્ચે રાજનીતિમાં સર્વસંમતિ કે એકવાક્યતા શક્ય ન હતી. તેથી થોડા સમયમાં જ ‘યુરોપીય સંઘ’નો નિષ્ફળતા સાથે અંત આવ્યો.
આ સંઘ નિષ્ફળ ગયો છતાં એનું કેટલુંક રાજકીય મહત્વ છે. એણે નાનાં રાજ્યોને અંકુશમાં રાખી યુદ્ધો થતાં અટકાવ્યાં. લગભગ 40 વર્ષ (1815થી 1854 સુધી) એણે યુરોપની શાંતિ જાળવી રાખી. તેને પરિણામે યુરોપનાં રાજ્યોમાં ઉદ્યોગ-ધંધાનો વિકાસ થયો અને આર્થિક સમૃદ્ધિ આવી. એણે ચર્ચાવિચારણા દ્વારા રાજકીય સમસ્યાઓના ઉકેલ માટેના સિદ્ધાંત તથા પદ્ધતિની સ્થાપના કરી. વીસમી સદીના રાષ્ટ્રસંઘ (League of Nations) માટે તેણે ભૂમિકા પૂરી પાડી એમ કહી શકાય.
મુગટલાલ પોપટલાલ બાવીસી