યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ)

January, 2003

યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ) : યુરોપીય સંઘ તરીકે ઓળખાતા પશ્ચિમ યુરોપના કેટલાક દેશોનો સમુદાય.

વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપની ધરતી પર બે મોટાં યુદ્ધો લડાયાં. તેમાં યુરોપના નાના-મોટા ઘણા દેશોને વત્તાઓછા પ્રમાણમાં ખુવારી વેઠવી પડી, પરંતુ ફ્રાન્સ અને જર્મની વધુ પ્રમાણમાં તારાજ થયાં હતાં. વૈમનસ્ય અને યુદ્ધોથી ભરેલા ઇતિહાસમાંથી ફ્રાન્સ, જર્મની આદિ યુરોપના રાજનીતિજ્ઞોએ બોધપાઠ લીધો. બીજા વિશ્વયુદ્ધ પછી, યુદ્ધને કાયમ માટે ટાળવાના અંતિમ લક્ષ્ય સાથે, ફ્રાંસના એક રાજનીતિજ્ઞ ઝાં મોને(Jean Moune)એ સંયુક્ત યુરોપ માટેની એક યોજના મૂકી.  ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા’ની જેમ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ યુરોપ’ રચવાની તેમાં આકાંક્ષા સેવવામાં આવી હતી. ફ્રાન્સના વિદેશપ્રધાન રોબેર શુમાં(Robert Schuman)એ તે દિશાના પ્રથમ પગલા રૂપે કોલસા અને પોલાદના ઉદ્યોગ માટે એક દરખાસ્ત મૂકી. તેનો ઉદ્દેશ યુરોપના કોલસા અને લોખંડ-પોલાદના ઉદ્યોગનો એક એકમ તરીકે વિચાર કરવાનો હતો. આ ‘શુમાં પ્લાને’ 1952માં ‘પારી ટ્રીટી’ (Paris Treaty) તરીકે નક્કર સ્વરૂપ ધારણ કર્યું. તેમાં ફ્રાંસ, ઇટાલી, પશ્ચિમ જર્મની, નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ અને લક્સમ્બર્ગ સામેલ થયાં હતાં. તે કરારને પરિણામે એ દેશો વચ્ચે કોલસા અને પોલાદનું સહિયારું બજાર અસ્તિત્વમાં આવ્યું. : સહિયારા બજારની રચનાને પરિણામે એ છ દેશો કોલસા અને લોખંડ-પોલાદની પરસ્પરની આયાત-નિકાસ પર કોઈ જકાત કે અન્ય નિયંત્રણો લાદી શકે નહિ. તેની સાથે એ દેશોએ અન્ય દેશોમાંથી થતી કોલસા અને લોખંડ-પોલાદની આયાતો પર સમાન દરે આયાત-જકાત નાખવાનું સ્વીકાર્યું. આ લક્ષ્ય 1958 સુધીમાં ક્રમશ: પાર પાડવામાં આવ્યું હતું.

યુરોપીય આર્થિક સમુદાયનું બ્રસેલ્સ ખાતેનું મધ્યસ્થ કાર્યાલય

સંયુક્ત યુરોપની દિશામાં બીજું મોટું અને મહત્વનું પગલું 1957ના માર્ચ મહિનામાં ભરવામાં આવ્યું. એ પગલા દ્વારા યુરોપના આર્થિક સમુદાય(European Economic Community) કે સહિયારા બજાર(Common Market)ની રચના કરવામાં આવી. તેમાં ઉપર્યુક્ત છ દેશો સામેલ થયા હતા. તેનો ઉદ્દેશ સંપૂર્ણ સ્વરૂપના જકાતમંડળની રચના કરવાનો હતો. એટલે કે સભ્ય દેશો વચ્ચે ચીજવસ્તુઓ, સેવાઓ, શ્રમ તથા મૂડીની હેરફેર સામેના તમામ અવરોધો દૂર કરવાનો હતો. તેની સાથે બહારના દેશોમાંથી થતી આયાતો પર સમાન દરે આયાત-જકાત નાખવાનું પણ તેમાં અભિપ્રેત હતું. એ પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી અને 1968માં પૂરી થઈ. યુરોપના આર્થિક સમુદાયમાં સમાયેલા દેશોએ તેમની અન્ય કેટલીક આર્થિક નીતિઓનો સમન્વય કરવાનું પણ સ્વીકાર્યું. દા.ત., તેમણે સમાન કૃષિનીતિનો સ્વીકાર કર્યો, જેમાં બહારના દેશોમાંથી થતી કૃષિપેદાશોની આયાતો પર સમાન આયાતજકાતની સાથે આંતરિક રીતે ખેતીને અપાતી સબસિડીમાં સમાનતાનો સમાવેશ થતો હતો. અહીં ખેતપેદાશોમાં ડેરીપેદાશો, ઈંડાં ઇત્યાદિનો સમાવેશ થઈ જાય છે.

યુરોપના સહિયારા બજારને ભારે સફળતા સાંપડી. તેની સ્થાપનાના દસકાને અંતે સભ્ય-દેશોનો પરસ્પરનો વેપાર ચારગણો થયો. એ દેશોનો આર્થિક વિકાસ, જાપાન સિવાયના અન્ય ઔદ્યોગિક દેશોની તુલનામાં, વધુ ઝડપથી થયો. આ સફળતાથી પ્રેરાઈને પશ્ચિમ યુરોપના અન્ય દેશો પણ તેમાં સામેલ થવા પ્રેરાયા. ઇંગ્લૅન્ડ, ડેનમાર્ક તથા આયર્લૅન્ડ 1973માં સહિયારા બજારમાં સામેલ થયા. ગ્રીસ 1981માં પ્રવેશ્યું. 1986માં પૉર્ટુગલ અને સ્પેન જોડાયાં અને 1995માં ઑસ્ટ્રિયા, ફિનલૅન્ડ તથા સ્વીડન યુરોપીય સમુદાયનાં સભ્યો બન્યાં. આ અગાઉ 1993થી તે યુરોપીય સંઘ તરીકે ઓળખાવા લાગ્યો. આમ, સંયુક્ત યુરોપની રચનામાં પશ્ચિમ યુરોપના મોટાભાગના દેશો જોડાઈ ગયા છે. એકવીસમી સદીમાં તેમાં મધ્ય તથા પૂર્વ યુરોપના અન્ય દેશો જોડાશે તેવી આશા છે.

યુરોપીય સંઘમાં સામેલ દેશોએ તેમનાં આગવાં ચલણો જાળવી રાખ્યાં હોવાથી તેમના પરસ્પરના આર્થિક વ્યવહારોનો હિસાબ રાખવા માટે તથા દેવા-લેણાની પતાવટ માટે એક સમાન ચલણ(ગણતરીના એકમ)ની જરૂરિયાત સર્જાઈ હતી. તેથી યુરોપીય નાણાપ્રથાના એક ભાગ રૂપે એક નવું આંતરરાષ્ટ્રીય ચલણ, યુરોપીય ચલણ એકમ (European currency unit) 1979માં રચવામાં આવ્યો છે. તેનું મૂલ્ય યુરોપીય સંઘના તમામ દેશોનાં ચલણોના સરેરાશ મૂલ્યના આધાર પર નક્કી કરવામાં આવ્યું હતું. સભ્ય-દેશોએ તેમના હૂંડિયામણના દરોની સ્થિરતા યુરોપીય ચલણ એકમની સાપેક્ષતામાં જાળવવાની હતી. સમાન ચલણની દિશામાં લઈ જનારું આ પગલું હતું.

આર્થિક અને નાણાકીય એકીકરણની દિશામાં આગળ વધવા માટે 1989માં એક યોજના તૈયાર કરવામાં આવી હતી. તે પ્રમાણે 1990માં સભ્ય-દેશો વચ્ચે મૂડીની હેરફેર પરનાં મોટાભાગનાં નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં તથા જોડાવા ઉત્સુક સભ્ય-દેશોની આર્થિક અને નાણાકીય નીતિઓનું કેટલાક લક્ષ્યાંકોના સંદર્ભમાં સંકલન કરવામાં આવ્યું. આ લક્ષ્યાંકો અંદાજપત્રીય ખાધ, ફુગાવાનો દર, વ્યાજનો દર તથા સરકારના દેવાને સ્પર્શતા હતા. 1991માં માસ્ટ્રિક્ટ ખાતે મળેલી યુરોપીય કાઉન્સિલમાં સંઘમાં એક જ ચલણ દાખલ કરવા અંગેની સમજૂતી સાધવામાં આવી અને તે માટે 1–1–’99ની તારીખ મુકરર કરવામાં આવી. તેને ‘યુરો’ નામ આપવામાં આવ્યું. આરંભમાં એટલે કે 1–1–’99થી તે માત્ર ગણતરીનો એકમ હતો, પરંતુ 2002ના આરંભથી તેને ચલણમાં પણ મૂકવામાં આવ્યો.

આ યુરોપીય સમુદાયનો વહીવટ યુરોપીય કમિશન કરે છે. તેમાં સભ્ય-દેશો ચાર વર્ષ માટે પોતાના પ્રતિનિધિ નિયુક્ત કરે છે. નીતિવિષયક પ્રશ્નો માટે પ્રધાનોની સમિતિ છે. નીતિવિષયક પ્રશ્નોનો હેવાલ કમિશન તૈયાર કરે છે અને તે પ્રધાનોની સમિતિને સોંપે છે. યુરોપીય સમુદાયના નીતિવિષયક નિર્ણયો સભ્ય-દેશોની સરકારોને આદેશો (directives) દ્વારા મોકલવામાં આવે છે. સલાહકાર સંસ્થાઓ તરીકે આર્થિક અને સામાજિક સમિતિઓ જેવી સમિતિઓની રચના કરવામાં આવી છે. યુરોપીય સંઘના વિકાસ માટે આવશ્યક સાધનો ઊભાં કરવા માટે યુરોપીય રોકાણ બૅંક તથા યુરોપીય પ્રાદેશિક વિકાસભંડોળની સ્થાપના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ યુરોપના પછાત પ્રદેશોમાં વિકાસ માટે સાધનો પૂરાં પાડવાનો છે.

પરાશર વોરા

રમેશ ભા. શાહ