યુરેનિનાઇટ (uraninite)
January, 2003
યુરેનિનાઇટ (uraninite) : યુરેનિયમનું મુખ્ય ખનિજ. પિચબ્લેન્ડ એ તેનો દળદાર, અશુદ્ધ ખનિજપ્રકાર છે. રાસા. બં. UO2. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ક્યૂબિક કે ક્યૂબોઑક્ટાહેડ્રલ; નાના સ્ફટિકો વૃક્ષાકાર સમૂહોમાં; દળદાર, ઘનિષ્ઠથી દાણાદાર; ક્વચિત્ કચરાયેલા સ્વરૂપે; દ્રાક્ષના ઝૂમખા જેવી પોપડીઓ કે જૂથસ્વરૂપે; પટ્ટાદાર વિકેન્દ્રિત રેસાદારથી સ્તંભાકાર રચનાઓમાં પણ મળે (દા.ત., પિચબ્લેન્ડ). યુગ્મતા (111) ફલક પર હોય, પણ જૂજ. મોટે ભાગે અપારદર્શક. સંભેદ : ઑક્ટાહેડ્રલ (111); સંભેદ સપાટીઓ ચમકવાળી દેખાય. ભંગસપાટી : વલયાકારથી ખરબચડી, બરડ. ચમક : આછી ધાત્વિક; ડામર જેવી, ગ્રીઝ જેવી પણ હોય. રંગ : કથ્થાઈથી કાળો, રાખોડી કાળો. ચૂર્ણરંગ : કથ્થાઈ-કાળો, કાળો, રાખોડી, ઑલિવ લીલો. કઠિનતા : 5થી 6. વિ. ઘ. : 7.5થી 10 (કુદરતી પ્રાપ્તિસ્થિતિમાં પરિવર્તી), 6.5થી 9 (પિચબ્લેન્ડ માટે), 10.95 (કૃત્રિમ UO2 માટે).
પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે ઉષ્ણજળજન્ય શિરાનિક્ષેપોમાં મળે; સ્તરબદ્ધ જળકૃત ખડકોમાં, જુદી જુદી પરિસ્થિતિના નિક્ષેપો બહોળા પ્રમાણમાં મળી શકે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ઝાયર, કૉંગો, ઑસ્ટ્રેલિયા, સૅક્સની–જર્મની, બોહેમિયા–ચેકોસ્લોવેકિયા.
આ ખનિજની સાથે થૉરિયમ અને વિરલ પાર્થિવ ખનિજો મળે છે. તેનું કિરણોત્સારી વિભંજન થાય છે. ભારતમાં તે પિચબ્લેન્ડ અને મોનાઝાઇટનાં સંયોજનો સ્વરૂપે મળે છે.
ગિરીશભાઈ પંડ્યા