યુરેનસ (Uranus) : સૌરમંડળનો વિરાટકાય ગ્રહ. સૌરમંડળના આંતરિક ચાર, નાના ખડકાળ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પછી ચાર વિરાટકાય વાયુમય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન આવે છે. (પ્લૂટો આ બધામાં અલગ પડી જાય છે). શનિ સુધીના પાંચ ગ્રહો તો નરી આંખે સહેલાઈથી દેખી શકાય છે અને તે તો લાંબા સમયથી જાણીતા હતા, પરંતુ યુરેનસની શોધ તો આકસ્મિક રીતે જ વિલિયમ હર્ષલે (William Herschel) તેના 40.64 સેમી. વ્યાસના દૂરબીન વડે 13 માર્ચ 1781ના રોજ કરી. યુરેનસનો ગ્રહ 5.5 જેવા તેજાંકનો હોવાથી નરી આંખે જોઈ તો શકાય, પરંતુ આકાશ અંધારું અને સ્વચ્છ હોય તો જ. સૂર્યથી સરેરાશ 2 અબજ 86 કરોડ કિલોમીટરના અંતરે લગભગ વર્તુળાકાર કક્ષામાં ઘૂમતા આ ગ્રહની ત્રિજ્યા 26,000 કિમી.ની છે અને દળ પૃથ્વી કરતાં સાડા ચૌદગણું વધારે છે. આમ પૃથ્વીની 5.5 ગ્રામ/ઘન સેમી. ઘનતાની સરખામણીમાં યુરેનસની સરેરાશ ઘનતા ફક્ત 1.3 ગ્રામ/ઘન સેમી. જેવી છે. આમ આ ગ્રહના બંધારણમાં મુખ્યત્વે હાઇડ્રોજનહીલિયમના ગાઢ આવરણ ઉપરાંત ઘનીભૂત અવસ્થામાં પાણી, મિથેન અને એમોનિયા આવેલાં મનાય છે. વાતાવરણમાં રહેલા થોડી માત્રાના મિથેન દ્વારા શોષણને કારણે તેની સપાટી લીલાશ પડતા રંગની જણાય છે.

વૉયેજર–2એ લીધેલી યુરેનસની તસવીર

1986માં યુરેનસની નજીકથી પસાર થયેલા ‘વૉયેજર’ યાન દ્વારા કરેલ અભ્યાસમાં યુરેનસ, તેનાં વલયો અને તેના ઉપગ્રહો સંબંધે ઊંડાણપૂર્વકની માહિતી મળી છે. જોકે યુરેનસનાં વલયો તો અવકાશયાન દ્વારા થયેલ અભ્યાસ પૂર્વે, યુરેનસ દ્વારા તારાના પિધાનના અભ્યાસમાં 1977માં શોધાયાં હતાં. ગુરુ અને શનિની જેમ યુરેનસ પણ પોતાની ધરી ફરતું ઝડપી ભ્રમણ કરે છે અને ભ્રમણદર 17 ક. 14 મિ.નો છે. પરંતુ તેની ભ્રમણધરી લગભગ કક્ષા-સમતલમાં જ (ફક્ત 8° ના ખૂણે) આવેલ છે; આમ તે ‘આડો’ પડી ગયેલ જણાય છે. આ કારણથી તેના 86 વર્ષના કક્ષા-ભ્રમણકાળ દરમિયાન તેની આકાશમાં સૂર્યની સ્થિતિ આપણને વિચિત્ર લાગે એવી જણાય. વર્ષો સુધી એક ધ્રુવ પર સૂર્ય સતત લગભગ માથા પર જણાય, જ્યારે વિષુવવૃત્ત નજીકના વિસ્તારમાં તે ક્ષિતિજ ફરતાં ચક્કર લગાવતો જણાય ! યુરેનસને સારું એવું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે.

યુરેનસનાં વલયો : યુરેનસનાં વલયોની વિસ્તૃત માહિતી ‘વૉયેજર’ અવકાશયાન દ્વારા પ્રાપ્ત થઈ. તેને કુલ 11 વલયો છે અને તે યુરેનસની સપાટી ઉપર 37,000 કિમી.થી માંડીને 51,000 કિમી.ના અંતરે આવેલ છે. આ વલયો શનિનાં વલયોની સરખામણીમાં ઘણાં પાતળાં, 22 કિમી.થી માંડીને 95 કિમી. જેવી પહોળાઈનાં – પરંતુ એકસરખી નહિ એવાં – અને શ્યામરંગી પદાર્થનાં જણાય છે; તેમજ તેમાં દ્રવ્યનું પ્રમાણ શનિનાં વલયોના પ્રમાણમાં ઘણું ઓછું છે. વલયોનું સમતલ ભ્રમણ ધરીને લંબ એટલે કે યુરેનસની સૂર્ય ફરતી કક્ષાને લંબ દિશામાં છે.

યુરેનસના ઉપગ્રહો : યુરેનસને પાંચ મોટા ઉપગ્રહો છે અને સારી એવી સંખ્યામાં નાના ખડકો જેવા લઘુઉપગ્રહો છે. લઘુઉપગ્રહોની સંખ્યા ઈ. સ. 2000 સુધી તો 16 જેટલી હતી અને આ સંખ્યા સૌરમંડળના બધા ગ્રહો કરતાં વધુ જણાતી હતી. તાજેતરનાં વર્ષોમાં મોટા દૂરબીન અને સી.સી.ડી. કૅમેરા જેવાં ઉપકરણો દ્વારા શનિ અને ગુરુ ફરતા આવા વધુ લઘુગ્રહો શોધાતાં યુરેનસે તેનું આ સ્થાન ગુમાવ્યું છે. અત્રે આપણે ફક્ત મોટા ઉપગ્રહોની જ વિગત જોઈશું. આ ઉપગ્રહો વલયોની બહારના વિસ્તારમાં આવેલા છે. યુરેનસથી દૂર જતાં ક્રમશ: મિરાન્ડા (Miranda) – વ્યાસ 460 કિમી., એરિઅલ (Ariel) – વ્યાસ 1,158 કિમી., અમ્બ્રિયલ (Umbriel) – વ્યાસ 1,172 કિમી., ટાઇટેનિયા (Titania) – વ્યાસ 1,590 કિમી. અને ઑબેરોન (Oberon) – વ્યાસ 1,524 કિમી. આવે. આ ઉપગ્રહોની સપાટી આશરે 30–40 ટકા જેવી પરાવર્તકતા ધરાવે છે, ફક્ત અમ્બ્રિયલની સપાટી 15 % જેટલી ઓછી પરાવર્તકતા દર્શાવે છે. આ બધા ઉપગ્રહોની સપાટી પર ઉલ્કાપ્રપાત દ્વારા સર્જાયેલ કુંડો જણાય છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ