યુનેસ્કો (UNESCO) : રાષ્ટ્રસંઘની અનૌપચારિક સંસ્થા, જે વિશ્વના તમામ દેશોમાં કેળવણી, વિજ્ઞાન, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પાયાનાં મૂલ્યો સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે. વિશ્વના દેશો વચ્ચે બૌદ્ધિક સહકારમાં વધારો કરવાનો ઉદ્દેશ પહેલા વિશ્વયુદ્ધ(1914–1918)ને અંતે લીગ ઑવ્ નેશન્સે સ્વીકાર્યો હતો. આ માટે ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટલેક્ચ્યુઅલ કો-ઑપરેશન (International Institute of Intellectual Co-operation) નામનું સંગઠન પૅરિસમાં સ્થાપવામાં આવેલું. આવું અન્ય સંગઠન ઇન્ટરનૅશનલ બ્યુરો ઑવ્ એજ્યુકેશન (International Bureau of Education) જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે કામ કરતું હતું. આ બંને જૂથો સંયુક્ત રીતે યુનેસ્કો માટે નમૂનારૂપ (model) બન્યાં.
બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન વિવિધ દેશોના શિક્ષણમંત્રીઓ કૉન્ફરન્સ ઑવ્ ઍલાઇડ મિનિસ્ટર્સ ઑવ્ એજ્યુકેશન (Conference of Allied Ministers of Education) નિમિત્તે લંડન ખાતે નિયમિત રીતે મળતા હતા. આ મંત્રીઓ યુદ્ધ દરમિયાન નાશ પામેલી યા નબળી પડેલી શિક્ષણસંસ્થાઓને પુનર્જીવિત કરવાનો ઇરાદો ધરાવતા હતા. બ્રિટન અને ફ્રાન્સની સરકારે 1થી 16 નવેમ્બર 1945 દરમિયાન આ માટે લંડન ખાતે એક પરિષદ બોલાવી ત્યારે યુનેસ્કોની સ્થાપનાનો નિર્ણય લેવાયો. પ્રારંભે યુએન્સ કૉન્ફરન્સ ફૉર એસ્ટૅબ્લિશમેન્ટ ઑવ્ ઍન એજ્યુકેશન ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનિઝેશન (UN’S Establishment of an Education and Cultural Organisation) નામ નિર્ધારિત થયું, પરંતુ વૈજ્ઞાનિકોએ પરિષદના યોજકોને ઉપર્યુક્ત સંગઠનના નામમાં ‘વિજ્ઞાન’ શબ્દ ઉમેરવા ભલામણ કરી, જે સ્વીકૃત થઈ અને યુનેસ્કો UNESCO United Nation’s Educational, Scientific and Cultural Organisation નામ નિશ્ચિત બન્યું.
44 દેશોની સરકારના પ્રતિનિધિઓએ યુનેસ્કોના બંધારણની રચના કરી અને આ સંસ્થા અધિકૃત રીતે 4 નવેમ્બર 1946થી અસ્તિત્વમાં આવી. તે દિવસે 20 સરકારોએ તુરત તેના બંધારણને માન્યતા આપી. આ બંધારણના આમુખ અનુસાર રાષ્ટ્રો વચ્ચે કેળવણી અને સંશોધન દ્વારા સમજદારીના સેતુ રચવાની નેમ તેમાં વ્યક્ત થઈ. રાષ્ટ્રો વચ્ચેનાં અણસમજ અને અજ્ઞાન જગતને યુદ્ધ તરફ દોરી જાય છે એવી સ્થાપક સભ્યોની માન્યતા હતી. આથી તેના આમુખમાં નોંધ છે કે ‘‘યુદ્ધ માનવના મન(mind)માં શરૂ થાય છે. આથી માણસના મનમાં શાંતિની સંરક્ષણ-હરોળો રચવી જોઈએ.’’ આમ યુદ્ધની માનસિક ભૂમિકાને જ જડમૂળથી નાબૂદ કરવાનો તેનો પ્રયાસ છે.
યુનેસ્કોના મુખ્ય વહીવટી અધિકારી તરીકે ડિરેક્ટર-જનરલ હોય છે. છ વર્ષ માટે તેઓ આ હોદ્દો ધારણ કરે છે. તેઓ સચિવાલયના અન્ય વહીવટી કર્મચારીઓની નિમણૂક કરે છે અને વખતોવખત માર્ગદર્શન આપે છે. વધુમાં તેઓ વિવિધ કાર્યોનું આયોજન કરે છે તથા વિવિધ પ્રવૃત્તિઓ માટેના અંદાજો તૈયાર કરે છે.
યુનેસ્કોની જનરલ કૉન્ફરન્સ સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે. દર બે વર્ષે તેની બેઠક યોજાય છે. આ ઘટક યુનેસ્કોની નીતિઓ અને કાર્યક્રમો ઘડે છે, બજેટ મંજૂર કરે છે તેમજ કર્મચારીઓ અંગેની નીતિ નક્કી કરે છે. આ ઘટક એક્ઝિક્યુટિવ બૉર્ડની રચના કરે છે તેમજ ડિરેક્ટર-જનરલની નિમણૂક કરે છે. આ ઘટક નવા સભ્યોને પ્રવેશ આપે છે તથા સભ્ય રાજ્યો માટે ભલામણો અને નિયમો ઘડે છે. મુખ્યત્વે તેની બેઠકો પૅરિસમાં યોજાય છે, પરંતુ સભ્ય રાજ્યોની ઇચ્છાથી વિશ્વનાં પ્રમુખ શહેરોમાં પણ તેની બેઠકો યોજાય છે.
એક્ઝિક્યુટિવ બૉર્ડ 51 સભ્યોનું બનેલું હોય છે અને ચાર વર્ષની મુદત માટે તેની રચના થાય છે. નિયમિત રીતે, વર્ષમાં બે વખત તેની બેઠકો યોજાય છે. તે યુનેસ્કોના કાર્યક્રમોના અમલ પર દેખરેખ રાખે છે અને જનરલ કૉન્ફરન્સ માટેની કાર્યસૂચિ તૈયાર કરે છે. નવાં સભ્ય રાજ્યોનાં નામની તેમજ ડિરેક્ટર-જનરલ(મુખ્ય વહીવટી અધિકારી)ના નામની ભલામણ પણ તે કરે છે.
યુનેસ્કોનું સચિવાલય તેના કાર્યક્રમો અંગેના વહીવટી કાર્ય પર દેખરેખ રાખે છે. તેમાં વહીવટદારો, કાર્મિક તથા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. વહીવટી કર્મચારીઓ વડા મથક ખાતે તેમજ ખાસ કાર્યક્ષેત્રોમાં વહેંચાયેલા હોય છે.
આ ઉપરાંત સભ્ય દેશોના રાષ્ટ્રીય આયોગ (national commissions) જે તે દેશોની સરકારને સલાહસૂચન પૂરાં પાડતા હોય છે. આ આયોગ જનરલ કૉન્ફરન્સના પ્રતિનિધિઓને સહાયરૂપ બને છે. શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિઓ જ મુખ્યત્વે કરીને રાષ્ટ્રીય આયોગમાં સ્થાન પામે છે. આમ રાષ્ટ્રીય આયોગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઘટક વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવે છે.
યુનેસ્કોનું વડું મથક પૅરિસમાં છે અને યુનોનાં તમામ રાષ્ટ્રો સહિત લગભગ 160 દેશો તેના સભ્ય છે. સભ્ય રાજ્યો આ સંસ્થાની પ્રવૃત્તિઓમાં નાણાકીય ફાળો આપે છે. 1983 સુધી આ સંસ્થાના કુલ ખર્ચનો ચોથો ભાગ અમેરિકા આપતું હતું. 1984માં અમેરિકાએ અતિરાજકીયકરણ અને સંચાલકીય ઊણપોને કારણે આર્થિક ફાળો આપવો બંધ કર્યો અને આ સંસ્થાનું સભ્યપદ પાછું ખેંચ્યું, પરંતુ ફેબ્રુઆરી 1995માં અમેરિકાના ગૃહવિભાગે યુનેસ્કોની પ્રવૃત્તિઓમાં જોડાવા તાકીદ કરતાં જણાવ્યું કે 1997 સુધીમાં આ સંસ્થામાં પુન:પ્રવેશ મેળવી લેવો. આ ઉપરાંત અન્ય ત્રણ દેશોએ યુનેસ્કોનું સભ્યપદ પાછું ખેંચ્યું હતું. 1956માં જાતિવાદી સમસ્યાઓમાં હસ્તક્ષેપ કરવા માટે દક્ષિણ આફ્રિકાએ, 1985માં પશ્ચિમવિરોધી ઝોકને કારણે તથા પત્રકારત્વનું સ્વાતંત્ર્ય સીમિત કરવાના પ્રયાસો અને અર્થહીન સંચાલન માટે ઇંગ્લૅન્ડે તથા મોટો આર્થિક હિસ્સો ચૂકવવો પડતો હોવાથી સિંગાપુરે 1985માં યુનેસ્કોનું સભ્યપદ છોડ્યું હતું.
વિશ્વની તમામ પ્રજાઓમાં ન્યાય, કાયદો, માનવ-અધિકારો અને મૂળભૂત સ્વાતંત્ર્યનું સન્માન વધારવા યુનેસ્કો કામ કરે છે. શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિનાં ક્ષેત્રોમાં સહકાર દ્વારા શાંતિ અને સલામતીની જાળવણી તથા વિવિધ દેશોના રાષ્ટ્રીય સન્માનમાં ઉત્તરોત્તર વધારો કરવાની તેની નેમ છે. આ ઉદ્દેશોની પરિપૂર્તિ અર્થે સભ્ય રાજ્ય ઇચ્છે તો તેમના વતી કાર્યક્રમો ઘડી તેમના સહકારથી આ કાર્યો પાર પાડે છે. વિશ્વની પ્રજાઓ વચ્ચે વૈચારિક આદાન-પ્રદાન માટે આ સંસ્થા કાર્યરત છે. તે શિક્ષણ, સંસ્કૃતિ અને વિજ્ઞાનના શાંતિમય ઉપયોગમાં શ્રદ્ધા ધરાવે છે. કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રવાસ, અભ્યાસ અને અન્ય દેશોમાં કામ કરવાની તક પૂરી પાડે છે. ભેદભાવ અને હિંસા જેવા પ્રશ્નો સામાજિક ધોરણે ઉકેલવા તે પ્રતિબદ્ધ છે. ઊર્જાના ઉપયોગો અને પર્યાવરણના રક્ષણની બાબતમાં તે વૈજ્ઞાનિક સંશોધનોને ઉત્તેજન આપે છે. વિકસતા દેશોની મદદ માટે તે યુનોનાં અન્ય સંગઠનોનો સાથસહકાર મેળવી કાર્ય કરે છે. પ્રત્યેક દેશ પોતાની પ્રાકૃતિક સંપદા અને સ્રોતોનો બહેતર ઉપયોગ કરી શકે એ માટે તે શિક્ષણનો વ્યાપ વધારવાની ખ્વાહિશ ધરાવે છે. સંદેશાવ્યવહારના વિકાસ દ્વારા માહિતીનો ફેલાવો કરી જ્ઞાનસંચયના માર્ગો વિસ્તારવાનું ધ્યેય તે રાખે છે. સમાજવિદ્યાઓના ક્ષેત્રે વાંશિક (ethnic) સંબંધો, આર્થિક વિકાસ અને સમાજમાં મહિલાઓનું સ્થાન તેની મુખ્ય નિસબતના વિષયો છે.
મહિલાઓની સ્થિતિનું અધ્યયન કરવા અને તેમની ભાગીદારી વધારવા યુનેસ્કોએ જૂન 1946માં એક આયોગની રચના કરી હતી. આ આયોગના પ્રયાસોના પરિણામે 1975ને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ અને 1975થી 1985ના સમગ્ર દશકને મહિલા દશક જાહેર કરવામાં આવ્યો હતો. વળી 9થી 26 જુલાઈ 1985 દરમિયાન વિશ્વ મહિલા સંમેલન નૈરોબીમાં યોજાયું, જેમાં 160 દેશોએ ભાગ લીધો હતો. મેક્સિકો ખાતે યોજાયેલ આવા અન્ય સંમેલનમાં ત્રણ મુખ્ય ઉદ્દેશ સમાનતા, વિકાસ અને શાંતિ ઘોષિત કરવામાં આવ્યા. 1980માં કોપનહેગનના અર્ધદશક વિશ્વ સંમેલનમાં વધુ ત્રણ ઉદ્દેશો રોજગાર, શિક્ષણ અને આરોગ્ય ઉમેરાયા. આમ મહિલા-ઉન્નતિના ક્ષેત્રે પણ આ સંગઠન સક્રિય છે.
વિવિધ દેશોમાં લગભગ 500 બિનસરકારી સંગઠનો (non-governmental organizations) યુનેસ્કોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે અને તેના માર્ગદર્શન હેઠળ કામ કરે છે.
રક્ષા મ. વ્યાસ