યુનિટ બૅકિંગ : કોઈ પણ શાખા ઉઘાડ્યા વગર માત્ર એક જ કાર્યાલય દ્વારા ચલાવવામાં આવતો બૅકિંગ વ્યવસાય. બૅકિંગના ધંધાની શરૂઆત યુનિટ બૅકિંગથી થઈ છે. અપવાદસ્વરૂપ કિસ્સાઓ સિવાય આજે પણ નવી શરૂ થતી બૅંક પહેલાં મુખ્ય મથકથી બૅકિંગનો વ્યવસાય શરૂ કરે છે. સમય જતાં અનુકૂળતાએ બૅંકો શાખા ખોલે છે. શાખા વગરની બૅંકોનો વ્યવસાય યુનિટ બૅંકિંગ તરીકે ઓળખાય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય અને કોઈ પણ ધંધો કરવાની સ્વતંત્રતાના સંસ્કારને પચાવીને બેઠેલી અમેરિકાની પ્રજામાં યુનિટ બૅકિંગ તેનું અસ્તિત્વ ટકાવી રાખે એ સ્વાભાવિક છે. અલબત્ત, આ સ્વાતંત્ર્યને જાળવી રાખવા સમવાયતંત્રી રાજ્યવ્યવસ્થા ધરાવતા અમેરિકાનાં કેટલાંક રાજ્યોએ શાખા ધરાવતી બૅંકો પર પ્રતિબંધ મૂક્યો હતો. હજી પણ અલ્પસંખ્ય ધરાવતાં રાજ્યોએ આ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. આ પ્રતિબંધોને કારણે અમેરિકામાં યુનિટ બૅકિંગનું અસ્તિત્વ ટકી રહ્યું છે.
1838માં પ્રથમ અમેરિકામાં ન્યૂયૉર્ક ફ્રી બૅંકિંગ ઍક્ટ અમલમાં મુકાયો. કાયદાના નામ પ્રમાણે બૅંકિંગના ધંધામાં મુક્તપણે કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકે તેવી સગવડ થઈ. આથી બૅંક શરૂ કરવા માટે લઘુતમ અનિવાર્ય રકમ ખૂબ ઓછી રાખવામાં આવી. યુનિટ બૅકિંગ ગ્રાહકોમાં અંગત રસ લઈ શકે છે. ઝડપી નિર્ણય લઈ શકે છે. ઓછી વસ્તી ધરાવતાં મુખ્ય શહેરોથી દૂર અને વાહનવ્યવહારની ઓછી સેવા મેળવતાં નગરોમાં યુનિટ બૅકિંગને વિકસવા માટેના સંજોગો અનુકૂળ હોય છે. આ બધાં પરિબળો અમેરિકામાં અસ્તિત્વ ધરાવતાં હતાં, તેથી 1921 સુધી એનો ઘણો વિકાસ થયો. ત્યારબાદ અમેરિકામાં યુનિટ બૅંકિંગની પડતી શરૂ થઈ. યુનિટ બૅંકોની નાદારી અને વિસર્જન અને મોટી બૅંકોમાં તેમના સમાવેશની પ્રક્રિયા ઝડપી ગતિએ થઈ. ભારતમાં 1921 પછી યુનિટ બૅંકિંગનો વિકાસ થયો. ભારતમાં પણ 1940થી અમેરિકાની ઢબે જ તેની પડતી થઈ. યુનિટ બકને અન્ય શાખાઓ હોતી નથી, તેથી તે એક શાખાનું નુકસાન બીજી શાખાના નફા સામે મજરે વાળી શકતી નથી. નાની આર્થિક કટોકટી સામે પણ યુનિટ બૅંકિંગ ટકી શકે તેટલી સંચાલકીય અને આર્થિક ક્ષમતા તેનામાં હોતી નથી. મુક્ત વ્યાપારવાળા અર્થકારણમાં નાની-મોટી આર્થિક કટોકટી આવ્યા જ કરતી હોય છે. જે વિસ્તારમાં યુનિટ બૅંકિંગ થતું હોય છે તે વિસ્તારમાં કોઈ સ્થાનિક આર્થિક કટોકટી પેદા થાય તોપણ આ બૅંકો ટકી શકતી નથી. આ પ્રકારના બૅંકિંગમાં મોટા પાયા પરની આર્થિક પ્રવૃત્તિને લગતા કરકસરના લાભ લઈ શકાતા નથી. આ બધાનું કુલ પરિણામ એ આવે છે કે નાના થાપણદારોની મહામૂલી બચત ધોવાઈ જાય છે. આમ યુનિટ બૅંકિંગ વ્યવસાય તેની આંતરિક નબળાઈઓને કારણે ટકી શકતો નથી.
સૂર્યકાન્ત શાહ