યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરી
January, 2003
યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરી (United States Naval Observatory) : અમેરિકાની નૌકાદળ વેધશાળા. વૉશિંગ્ટન, ડી.સી. ખાતે આવેલી અમેરિકાની પ્રથમ સરકારી રાષ્ટ્રીય વેધશાળા. તેનો મૂળ ઉદ્દેશ નૌકાસૈન્ય અને સંરક્ષણખાતા સંબંધિત પ્રવૃત્તિઓ માટે જરૂરી માહિતીઓ પૂરી પાડવાનો છે. આમાં ખગોલમિતિ (astrometry), સમગ્ર અમેરિકામાં સમયમાપન અને અમેરિકા માટેનાં નિયંત્રક ઘડિયાળ(master clock)ની દેખરેખ અને પંચાંગો બનાવવાં વગેરે જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ પંચાંગો ખગોળશાસ્ત્રીઓ, નૌસંચાલકો, મોજણીદારો (સર્વેયર) વગેરેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ બધાં પ્રકાશનો ઇંગ્લૅન્ડની રૉયલ ગ્રિનિચ ઑબ્ઝર્વેટરીની નૉટિકલ ઑલ્મનૅક ઑફિસના સહયોગથી તૈયાર કરવામાં આવે છે. ફ્લૉરિડામાં માયામીની પાસે રિચમૉન્ડ ખાતે આ વેધશાળાનું ટાઇમ સર્વિસ સબસ્ટેશન આવેલું છે.
ઍરિઝોનામાં ફ્લૅગસ્ટૅફ (Flagstaff) અને ન્યૂઝીલૅન્ડમાં બ્લૅક બર્ચ (Black Birch) ઉપરાંત, વૉશિંગ્ટનમાં તેના ખગોળચિત્રણ માટેનાં તારાચિત્રી દૂરબીનો (astrographic telescopes) આવેલાં છે.
આ વેધશાળાની સ્થાપના સન 1830માં થઈ હતી. 1844થી તે યુ.એસ. નેવલ ઑબ્ઝર્વેટરી(U.S. Naval Observatory)ના નામે ઓળખાતી હતી. આજે જ્યાં લિંકન મેમૉરિયલ છે, તે સ્થળે આ વેધશાળા પચાસ વર્ષ સુધી કાર્યરત હતી. તે પછી 1897માં આજે જ્યાં તે આવેલી છે ત્યાં, એટલે કે ઉપપ્રમુખના સત્તાવાર નિવાસને પડખે આવેલી છે. આ સ્થળે મૂકેલાં કેટલાંક ખગોળનાં ઉપકરણોમાં 66 સેન્ટિમીટર (26 ઇંચ) વર્તક દૂરબીન (refractor) મુખ્ય છે. તેની સ્થાપના 1873માં કરવામાં આવી હતી. સન 1877માં આ જ ટેલિસ્કોપની મદદથી અમેરિકાના આસફ હૉલ (Asaph Hall : 1829–1907) નામના ખગોળવિદે ફોબૉસ અને ડીમૉસ નામના મંગળના બે ચંદ્રો(ઉપગ્રહો)ની શોધ કરી હતી. પાછળથી જ્યારે આ વેધશાળા હાલના સ્થળે ખસેડવામાં આવી ત્યારે આ ઐતિહાસિક દૂરબીનનું પુન:સ્થાપન કરવામાં આવ્યું અને તે પછી 1960માં તેને સંપૂર્ણ આધુનિક કરી દેવાયું.
આ ઉપરાંત, બીજાં દૂરબીનો અને ઉપકરણો પણ અહીં આવેલાં છે. તેમાં 30 સેન્ટિમીટર(12 ઇંચ)નું આલ્વાન ક્લાર્ક વર્તક (Alvan Clark refractor) દૂરબીન, 61 સેન્ટિમીટર (24 ઇંચ) વ્યાસનાં બે દર્પણ કે પરાવર્તક (reflector) દૂરબીનો, 38 સેન્ટિમીટર(15 ઇંચ)નું તારાચિત્રી દૂરબીન અને 15 સેન્ટિમીટર(6 ઇંચ)નું યામ્યોત્તર યંત્ર (transit circle) જેવાં મુખ્ય ગણી શકાય.
સન 1955માં આ વેધશાળાનું એક નિરીક્ષણમથક ફ્લૅગસ્ટૅફ, ઍરિઝોનામાં 2,310 મીટર (7,579 ફૂટ) ઊંચાઈએ સ્થાપવામાં આવ્યું. 1963માં અહીં સ્થાપવામાં આવેલું 1.5 મીટર(61 ઇંચ)નું ખગોલમિતિ માટેનું દર્પણ દૂરબીન (astrometric reflector) આ વેધશાળા સંકુલનું સહુથી મોટું દૂરબીન છે, અને તેની મદદથી તારાઓનાં સ્થાન નિર્ધારિત થાય છે. ઈ. સ. 1978માં આ જ દૂરબીનની મદદથી જેમ્સ ક્રિસ્ટી (James W. Christy) નામના અહીંના ખગોળવિદે પ્લૂટોના કેરન (Charon) નામના ઉપગ્રહની શોધ કરી હતી.
આ જ સ્થળે 102 સેન્ટિમીટર(40 ઇંચ)નું એક પરાવર્તક (દર્પણ) દૂરબીન છે. તેના વડે ધૂમકેતુઓ અને લઘુગ્રહોનાં નિરીક્ષણ થાય છે.
ઍરિઝોનામાં Navy Prototype Optical Interferometer તરીકે ઓળખાતું એક પ્રકાશીય વ્યતિકરણમાપક (ઑપ્ટિકલ ઇન્ટરફેરૉમિટર) 1995માં અહીં સ્થાપવામાં આવ્યું છે. આ પ્રકારનું દુનિયાનું તે મોટામાં મોટું ઉપકરણ છે.
યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરીનું પુસ્તકાલય બહુ સમૃદ્ધ છે. ખગોળશાસ્ત્રને લગતાં પુસ્તકોનો બહુ મોટો સંગ્રહ અહીં આવેલો છે.
સુશ્રુત પટેલ