યુદ્ધનૌકા (warship) : યુદ્ધની કામગીરી માટે ખાસ બાંધવામાં આવેલું અને લશ્કરી સરંજામ સાથે તૈયાર કરવામાં આવેલું જહાજ. તે યુદ્ધનૌકાના નામથી પણ ઓળખાય છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મહદ્ અંશે પોલાદની ધાતુ દ્વારા બાંધવામાં આવતાં જહાજોના આવિષ્કારથી અગાઉની યુદ્ધનૌકાઓની સરખામણીમાં આધુનિક યુદ્ધનૌકાઓના સ્વરૂપમાં અને તેની લશ્કરી કામગીરીની અસરકારકતામાં ઘણા ફેરફારો થયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન પનડૂબી (submarine) દ્વારા થતા હુમલાઓને કારણે અગાઉ અજેય ગણાતી તેની પ્રતિષ્ઠામાં ઓટ આવી હતી અને બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી તો દૂર દૂરથી થતા હવાઈ હુમલાઓને કારણે તેની પ્રતિષ્ઠા તેની ઉપયોગિતા ઘણી ઘટી ગઈ છે.

યુદ્ધનૌકા
વર્તમાન સમયમાં અગાઉની યુદ્ધનૌકાઓ કરતાં વિમાનવાહક યુદ્ધજહાજો(aircraft carriers)નું મહત્વ વધી રહ્યું છે. વિમાનવાહક યુદ્ધનૌકાઓ ઉપરાંત નૌકા-કાફલામાં હવે પનડૂબી (submarine), લડાયક જહાજ (battleship), ક્રૂઝર (cruiser), વિધ્વંસક યુદ્ધનૌકાઓ (destroyers), ગનબોટ અને ટૉરપીડો બોટનો સમાવેશ કરવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે