યુગ્મદેવતા : વૈદિક સૂક્તોમાં જેમની એક સાથે સ્તુતિ થઈ હોય એવા જોડિયા દેવો. વૈદિક સાહિત્ય સ્તુતિપ્રધાન છે. તેમાં દેવોની વિવિધ સ્તુતિઓ છે. વૈદિક દેવતાને કાર્યના સંદર્ભમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) સ્વતંત્ર, (2) યુગ્મ, (3) ગણ. આ વિભાજન દેવતાના કાર્યને અનુલક્ષીને હોય છે તેવો સૂર્યકાન્ત અને મેકડૉનલનો મત છે.

વૈદિક યુગ્મદેવતાવાચક શબ્દો દ્વિવચનમાં વપરાય. તેનો પ્રથમ સ્વર ઉદાત્ત હોય છે તથા તે દ્વન્દ્વ સમાસના બનેલા હોય છે. કેટલાંક યુગ્મો કાયમી હોય છે, જ્યારે કેટલાંક દેવયુગ્મ પ્રાસંગિક હોય છે. ઋગ્વેદમાં આવા 12 યુગ્મદેવતાનાં 60 સૂક્તો છે. તેમાં ઇન્દ્ર, સાત દેવ સાથે સ્તુતિ પામે છે. આ યુગ્મદેવતામાં ‘દ્યાવાપૃથિવી’ અને ‘મિત્રાવરુણ’ ઋગ્વેદ-કાળ પૂર્વેના છે. અવેસ્તામાં ‘મિત્ર’ને ‘મિથ્ર’ અને ‘વરુણ’ને ‘ઓરોનસ’ કહે છે. જ્યારે દ્યાવાપૃથિવીને ગ્રીક પુરાકથનમાં Zeu-Pater કહે છે. શક્ય છે કે યુગ્મદેવતાનો ઉદગમ અહીં હશે. વેદમાં 6 સૂક્તો કેવળ દ્યાવાપૃથિવીનાં છે તથા બીજે પણ બંનેની સ્તુતિ ઉપલબ્ધ થાય છે. અવેસ્તાનો મિથ્ર (મિત્ર) ઋગ્વેદના ઉત્તરકાળમાં પોતાનું મહત્વ ગુમાવી દે છે. પુરાણોમાં મિત્ર કેવળ સૂર્યના ઉપનામ તરીકે વર્ણવવામાં આવે છે. વેદમાં મિત્રાવરુણ ઓજસ્વી યુગ્મદેવ છે. ઐતરેય બ્રાહ્મણમાં આકાશ અને પૃથિવીના વિવાહની કલ્પના બંનેના સાતત્યપૂર્ણ સંબંધને કારણે કરવામાં આવી છે. તેમના માટે ‘સ્વસારૌ’ અથવા ‘રોદસી’ એવાં દ્વિવચનાત્મક નામ અપાયાં છે. આ યુગ્મદેવતામાં ઇન્દ્ર સાથે અગ્નિ, વરુણ, વાયુ, સોમ, બૃહસ્પતિ ઇત્યાદિને ઉલ્લેખવામાં આવે છે. તેમાં બંને દેવતાઓનાં પરાક્રમ અને કાર્યોનું વર્ણન કરવામાં આવે છે. યાસ્કમુનિના ‘નિરુક્ત’ના સાતમા અધ્યાયમાં દેવતાની સમીક્ષા પૂર્વે આઠ યુગ્મદેવતાની યાદી છે, જે ઉલૂખલમૂસલે, હવિર્ધાને, દ્યાવાપૃથિવી, વિપાટ્શુતુદ્રી, આત્ની, શૂનસીરૌ, દેવીજોષ્ટ્રી, દેવીઊર્જાહુલી તરીકે જાણીતા છે. આ યાદીમાં કેટલાક જડપદાર્થ, કોઈક પ્રાણી અથવા નદી હોવાથી તેના નિર્વચન માટે સમીક્ષા કરવામાં આવી છે. ટીકાકાર દુર્ગાચાર્ય તેના પર ટીકા કરતા નથી. શક્ય છે કે આ પ્રક્ષિપ્ત હશે. યાસ્કના મતે આ યુગ્મદેવતા અન્ય દેવ સમાન મહત્વના છે; કારણ કે તે ‘મહા ઐશ્વર્ય’ અને દિવ્યત્વ પામ્યા છે; માટે તે યુગ્મદેવતા સ્તુતિને યોગ્ય છે. વૈદિક સાહિત્યમાં યુગ્મદેવો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ યુગ્મદેવતા બે હોવાથી તેને જણાવવા માટે થયેલો દ્વિવચનનો પ્રયોગ પછી વૈદિક અને પ્રશિષ્ટ બંને પ્રકારની સંસ્કૃત ભાષાઓના વ્યાકરણનું એક મહત્વનું લક્ષણ બની રહ્યો. અશ્વિનૌ એ બે દેવો નથી, પરંતુ દેવોના ચિકિત્સકો હોવાથી તેમને લાંબા સમય પછી દેવો ગણવામાં આવ્યા છે; તેથી તેમનો સમાવેશ યુગ્મદેવોમાં પ્રાચીનોએ કર્યો નથી.

વિનોદ મહેતા