યુગદર્શન (1949) : ગુજરાતી માસિક. તેનો આરંભ ભારતની આઝાદીના ચૈતન્યસંચારમાંથી, 15મી ઑગસ્ટ 1949ને દિવસે, જન્મભૂમિ-પત્રોનું સંચાલન કરનાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટે કર્યો. તેના તંત્રી તરીકે સમાજસુધારક, નીડર અને આદર્શપરાયણ લેખક પરમાનંદ કુંવરજી કાપડિયાની નિમણૂક થયેલી. ‘પ્રબુદ્ધ જીવન’ (પ્રબુદ્ધ જૈન) દ્વારા એમની કલમ વર્ષોથી જાણીતી હતી. આ સામયિક દ્વારા તેઓ ‘સત્યની ઉપાસના અને લોકશ્રેયની સાધના’ કરવા ઇચ્છતા હતા. તેમાં ‘નવા વિચારો, નવાં આંદોલનો અને નવી ભાવનાઓ મારફતે સમસ્ત રાષ્ટ્રના નવઘડતરમાં ફાળો આપવાનું’ તેમનું ધ્યેય હતું. એમના સંનિષ્ઠ પ્રયત્નો દ્વારા એના 6 અંકો પ્રગટ થયા અને સાહિત્યજગતમાં એને આગવું સ્થાન મળ્યું.

‘યુગદર્શન’માં ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત લેખકોથી માંડીને અનેક નવા લેખકોનાં લખાણો પ્રગટ થયાં હતાં. દા.ત., ઉમાશંકર જોશીનું ‘મુક્તિમંગળ’, કાકાસાહેબ કાલેલકરનું ‘ધર્મનો પ્રાણ’, રામનારાયણ  વિ. પાઠકનું ‘સત્યમેવ જયતે’ વગેરે. વળી તેમાં સાહિત્ય ઉપરાંત ધર્મ અને તત્વજ્ઞાનક્ષેત્રે સરલાબહેન સુમતિચંદ્રનું ‘પરમ યોગી શ્રી અરવિંદ’, તારાપોરવાળાનું ‘જરથોસ્તી ધર્મ’ તથા નગીનદાસ પારેખનું ‘રવીન્દ્રનાથની કેળવણી’ જેવા ઘણા લેખો પ્રકાશિત થયેલા. આ સામયિકનું વિષયવૈવિધ્ય ‘વિજ્ઞાન-દર્શન’ અને ‘મણિપુરી-નર્તન’ જેવા લેખો જોતાં પ્રતીત થાય છે. વળી આ ગંભીર પ્રકૃતિના સામયિકમાં કાન્તિ વડોદરિયા, ચંદ્રશંકર શુક્લ વગેરેના હાસ્યલેખો અને ‘ચકોર’નાં માર્મિક કાર્ટૂનો જુદી જ ભાત પાડતાં જણાય છે. ‘યુગદર્શન’નું વિશિષ્ટ પ્રદાન તે એની સુઘડસુંદર કલાસૃષ્ટિ. એમાં છપાયેલાં રવિશંકર રાવળ, કનુ દેસાઈ, શ્યાવક્ષ ચાવડા, કે. કે. હેબ્બર વગેરે ખ્યાતનામ કલાકારોનાં ચિત્રો ઉપરાંત પ્રાચીન જૈન હસ્તલિખિત ગ્રંથોની ચિત્રપટ્ટીઓ તથા ભારતીય કલા-કારીગરીના આબેહૂબ ફોટા ધ્યાન ખેંચે છે. વળી તંત્રીનાં દીકરી મેના દેસાઈનાં કલાત્મક સુશોભનો અને એના મુખપૃષ્ઠ પરની અત્યંત કલાત્મક ડિઝાઇન પણ આ સંદર્ભમાં સ્મરણીય છે.

‘યુગદર્શન’માં દેશના રાજકીય અને આર્થિક પ્રશ્નોની વિશદ-નિર્ભય છણાવટ ચિમનલાલ ચકુભાઈ શાહ, હંસાબહેન મહેતા વગેરે દ્વારા થતી જોવા મળે છે. અંતમાં તત્કાલીન ઘટનાઓનું તટસ્થ વિહંગાવલોકન તંત્રી પોતે કરતા હતા. તેમાં એમનાં વ્યાપક જ્ઞાન અને પરિશ્રમનાં દર્શન થાય છે. આર્થિક ખેંચને કારણે 6 માસમાં જ, જાન્યુઆરી 1950માં આવું મહત્વનું માસિક બંધ પડ્યું.

ગીતા પરીખ