યુક્રેન : અગ્નિ યુરોપમાં આવેલો ખેતીપ્રધાન, ઔદ્યોગિક અને ખનિજ-સમૃદ્ધ પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° 00´ ઉ. અ. અને 32° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,03,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, દક્ષિણમાં મોલ્દેવિયા, રુમાનિયા અને કાળો સમુદ્ર તથા પશ્ચિમે પોલૅન્ડ, સ્લોવાક પ્રજાસત્તાક અને હંગેરી આવેલાં છે. 1920થી 1991 સુધી તે સોવિયેત સરકારના કબજા હેઠળ સોવિયેત સંઘના એક પ્રજાસત્તાક રાજ્યપ્રદેશ તરીકે રહેલો, ત્યારે તે યુક્રેનિયન સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિકના નામથી ઓળખાતો હતો. 1991માં સ્વતંત્ર પ્રદેશ તરીકે તે અસ્તિત્વમાં આવ્યો. કીવ તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે.

યુક્રેન (રશિયા)

ભૂપૃષ્ઠ–આબોહવા : યુક્રેનનો મોટો ભાગ સમતળ, ફળદ્રૂપ, મેદાની પ્રદેશ છે. કાળો સમુદ્ર અને કાર્પેથિયન પર્વતો અનુક્રમે તેની દક્ષિણ અને પશ્ચિમ સીમાઓ રચે છે. તેની મુખ્ય નદીઓમાં નીપર, નીસ્તર અને દોનેત્સ્કનો સમાવેશ થાય છે. યુક્રેનના મોટાભાગના વિસ્તારમાં શિયાળા ઠંડા અને ઉનાળા ગરમ રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે –5° સે. અને 21° સે. જેટલાં રહે છે. વરસાદ(વર્ષા, હિમ અને ભેજ)ની સરેરાશ યુક્રેનના ઉત્તર ભાગમાં આશરે 750 મિમી. અને દક્ષિણ ભાગમાં 250 મિમી. જેટલી રહે છે.

અર્થતંત્ર : યુક્રેનમાં ઘઉં, બકવ્હીટ, શુગરબીટ, જવ, મકાઈ, કપાસ, તમાકુ, ફ્લેક્સ, સૂર્યમુખીનાં ફૂલ, શાકભાજી અને ફળોની ખેતી થાય છે; આ ઉપરાંત દૂધ, દૂધની પેદાશો અને માંસ પણ મેળવાય છે. ઘઉં અહીંનો મુખ્ય પાક ગણાય છે. યુક્રેનમાં 55 % જેટલી ભૂમિ ખેતીના ઉપયોગમાં લેવાય છે. અહીંથી કોલસો, કુદરતી વાયુ, લોહ (દુનિયામાં પાંચમા ક્રમે આવતું ઉત્પાદન) અને મૅંગેનીઝનાં અયસ્ક, પારો, ટાઇટેનિયમ અને મીઠાના નિક્ષેપો તેમજ ચિરોડી અને આલાબાસ્ટર મેળવાય છે. આ ખાણપેદાશોનું મુખ્ય બજાર (39 %) રશિયા છે. આ ખનિજ-નિક્ષેપોની આજુબાજુ દોનેત્સ્ક, નેપ્રોપત્રોવ્સ્ક અને ખાર્કોવ શહેરો વિકસ્યાં છે. અહીંથી પેદા થતી ઔદ્યોગિક પેદાશોમાં કૃષિવિષયક યંત્રસામગ્રી, ખાતરો, ખાદ્યપેદાશો, રસાયણો અને રાસાયણિક પેદાશો, ધાતુશોધન, સિમેન્ટ, રેલવે એંજિનો, જહાજો અને ટ્રકોનો સમાવેશ થાય છે. રશિયા, બેલારુસ, ચીન, મોલ્દેવિયા, તુર્કમેનિસ્તાન, યુ.એસ., સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મની તેના વેપારી ભાગીદારો છે.

વસ્તી–લોકો : યુક્રેનની વસ્તી 5,08,00,000 (2000) જેટલી છે. દેશમાં વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. દીઠ 86 વ્યક્તિની છે. તેની 70 % વસ્તી શહેરી છે. વસ્તીના 73 % લોકો મૂળ યુક્રેનિયનો, 22 % રશિયનો, 1 % બેલારશિયનો, 1 % યહૂદીઓ અને 3 % અન્ય છે. અહીંના મૂળ યુક્રેનિયનો સ્લાવિક જાતિસમૂહમાંથી ઊતરી આવેલા છે, તેમને તેમના પોતાના રિવાજો અને પોતાની ભાષા છે. રશિયનોનો પણ એક અલગ જાતિસમૂહ છે.

રશિયન સરકારે વીસમી સદીમાં ધર્મભાવનાને કોઈ પ્રોત્સાહન આપેલું નહિ, પરંતુ યુક્રેનિયનોએ તેમની ધાર્મિક પૂજાભાવનાને ચાલુ રાખેલી. મોટાભાગના યુક્રેનિયનો પૂર્વીય રૂઢિચુસ્તો, સનાતનીઓ, કૅથલિક અને બૅપ્ટિસ્ટ ચર્ચમાં માનનારા છે. 1990માં બધા જ પ્રકારની ધાર્મિક મર્યાદાઓનો અંત લાવવામાં આવેલો છે.

ગ્રામીણ યુક્રેનિયનો વિશેષે કરીને કુટુંબભાવના સાથે અને ખેતી-પ્રવૃત્તિમાં વધુ સંકળાયેલા છે. ખેડૂતો વિશિષ્ટ પ્રકારનો પોશાક પહેરે છે. તેમની લોકકલા પિસેન્કી (Pysanky) નામથી જાણીતી છે. તેઓ ગીતસંગીતના બહુ શોખીન છે, લોકો ભેગા મળીને ગાય છે અને નૃત્ય કરે છે. બાંદુરા (તારવાળું વાદ્ય) તેમનું ખાસ વાદ્ય ગણાય છે.

દેશની મુખ્ય ભાષા યુક્રેનિયન છે. અહીંની કીવ, લ્વોવ (Lvov)  અને ઑડેસાની યુનિવર્સિટીઓ જૂની છે. યુક્રેનમાં કુલ નવ યુનિવર્સિટીઓ આવેલી છે. કીવ (પાટનગર), ખાર્કોવ, દોનેત્સ્ક, નેપ્રોપત્રોવ્સ્ક, લુગાન્સ્ક, લ્વોવ (લ્વીવ), મારીઉપોલ, ક્રિવોઇરૉગ, ઝેપોરોસી અહીંનાં મુખ્ય શહેરો છે. યુક્રેનને 24 પ્રાંતો અને એક સ્વયંશાસિત પ્રદેશ (autonomous region) ક્રિમિયામાં વહેંચેલું છે.

ઇતિહાસ : નવમા સૈકા દરમિયાન, રુસ (Rus) નામની સ્લાવિક સંસ્કૃતિ કીવ ખાતે તેમજ બાલ્ટિક સમુદ્રથી કાળા સમુદ્રના માર્ગો પર વહેતી નદીઓનાં મથકો પર વિકસેલી. વખત વીતવાની સાથે પૂર્વના સ્લાવિક પ્રદેશોમાં કીવનું મહત્વ વધવાની સાથે તે એક શહેરી રાજ્ય તરીકે વિકસતું ગયું. 1240 પછીથી તાર્તારો તરીકે જાણીતી બનેલી મૉંગોલ જાતિઓ પૂર્વ તરફથી આવીને યુક્રેનનાં મેદાનોમાં વિસ્તરતી ગઈ. તેમણે ધીમે ધીમે આ પ્રદેશ જીતી લીધો. 1340થી શરૂ કરીને લિથુઆનિયા અને પોલૅન્ડે ધીમે ધીમે યુક્રેનનો કબજો મેળવી લીધો. લિથુઆનિયન–પોલિશ શાસન હેઠળ, ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને દલિતો તરીકે ઓળખવામાં આવતા હતા. પંદરમી સદી દરમિયાન, ખેડૂતોમાં અસંતોષ વધતાં, તેઓ કૉસૅક્સ (Cossacks) નામથી ઓળખાતા સ્વતંત્ર સૈનિકોના જૂથમાં જોડાયા. આ જૂથે ધ્રુવપ્રદેશ અને તાર્તાર વચ્ચેનો વિસ્તાર કબજે કરી લીધો. આ વિસ્તાર તે પછીથી યુક્રેન નામથી ઓળખાતો થયો. ‘યુક્રેન’ એ સ્લાવિક શબ્દ છે, તેનો અર્થ ‘સીમાન્ત પ્રદેશ’ એવો થાય છે.

ઘઉંના પાકથી લચી પડતું યુક્રેનનું એક ક્ષેત્ર

યુક્રેનના મોટાભાગના કૉસૅક્સ લોકોનું 1648માં પુનરુત્થાન થયું ત્યાં સુધી યુક્રેન પોલિશ શાસન હેઠળ રહેલું. પોલિશ શાસકો તેમને પૂર્વીય રૂઢિચુસ્તવાદીપણું છોડી દેવા અને રોમન કૅથલિક ચર્ચ સાથે જોડાઈ જવા વારંવાર અનુરોધ કર્યા કરતા હતા, પરંતુ કૉસૅક્સ જૂથ તેનો વિરોધ કરતું હતું. 1654માં આ ઝઘડાને કારણે કૉસૅક્સના અગ્રેસર બોહદાન ખ્મેલ્નિતસ્કીનને રશિયન પૂર્વીય રૂઢિચુસ્તવાદી ઝાર (રાજા) સાથે ભળી જવા તરફ દોરી ગયો. તેને પરિણામે 1795 સુધીમાં રશિયાએ યુક્રેનના મોટા ભાગ પર કબજો જમાવી દીધો. રશિયાના શાસન હેઠળ પણ યુક્રેનિયનો તો ખેતમજૂરો જ રહ્યા, તેમનો વધુ વિકાસ થયો નહિ. તેમના પૈકીના ઘણાખરા તો આ પ્રકારની જીવનપ્રણાલીનો વિરોધ કર્યા કરતા હતા. રશિયાના પ્રયાસો યુક્રેનિયન ભાષાને રશિયન ભાષામાં ભેળવી દેવાના મતના હતા. ઓગણીસમી સદીના મધ્યભાગના પ્રારંભે કવિ તરાસ (Taras) શેવચેન્કો(Shevchanko)એ યુક્રેનિયન સંસ્કૃતિનું પુનરુત્થાન કર્યું. ઇતિહાસકાર મિશેલ હ્રુશેવસ્કીએ (Michel Hrushevsky) યુક્રેનિયન ઇતિહાસ પર ઘણાં પુસ્તકો લખ્યાં. આ પ્રકારે લોકોમાં જાગૃતિ આવતાં યુક્રેન રશિયાથી પૂરેપૂરું અલગ પડ્યું.

1917માં બૉલ્શેવિક ક્રાંતિ થઈ. રશિયામાં સામ્યવાદી સરકાર સ્થપાઈ. 1918માં તેને પગલે યુક્રેનિયનોએ પોતાનું એક સ્વતંત્ર, બિનસામ્યવાદી રાજ્ય સ્થાપ્યું; પરંતુ 1920 સુધીમાં તો સામ્યવાદીઓએ મોટાભાગના યુક્રેનને સામ્યવાદી શાસન હેઠળ લાવી દીધું, આથી યુક્રેન યુક્રેનિયન સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક બન્યું. 1922માં યુક્રેન યુનિયન ઑવ્ સોવિયેત સોશિયાલિસ્ટનાં ચાર પ્રજાસત્તાકો પૈકીનું એક બની રહ્યું. 1929માં સરકારે નાના ખેડૂતોનાં ખેતરોનો કબજો લઈ લેવાની શરૂઆત કરી. હજારો યુક્રેનિયનોને સાઇબીરિયા અને સોવિયેત મધ્ય એશિયા ખાતે મોકલી અપાયા. 1932 અને 1933માં યુક્રેનમાં દુકાળ પડ્યો. લાખો લોકો ભૂખમરાથી મરણ પામ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યુક્રેનના બળવાખોર લશ્કરનું આશરે 40,000નું દળ સોવિયેત યુનિયન અને નાઝી જર્મનો સામે પોતાના સ્વાતંત્ર્ય માટે લડ્યું. 1945 સુધીમાં સોવિયેત યુનિયને ચેકોસ્લોવેકિયા, પોલૅન્ડ અને રુમાનિયાના ગણાતા યુક્રેનના ભાગો લઈ લીધા. 1954માં ક્રિમિયન દ્વીપકલ્પ યુક્રેનિયન એસ.એસ.આર.નો એક ભાગ બની રહ્યો. ઘણા યુક્રેનિયનો સોવિયેત સરકારના આધિપત્ય અને યુક્રેનિયન સંસ્કૃતિ પર લાદેલી મર્યાદાઓને કારણે વિરોધ કરતા રહ્યા. 1960ના દસકામાં માનવીય અધિકારો માટે એક ચળવળ શરૂ થઈ. તેમના સમર્થકોને પકડી લેવામાં આવ્યા, તોપણ આ ચળવળ 1980 સુધી ચાલતી રહી.

1986માં કીવ નજીક ચર્નોબિલમાં ત્યાંના અણુમથક ખાતે વિસ્ફોટ થયો અને આગ લાગી, તેમાંથી મોટા પાયા પર કિરણોત્સારી દ્રવ્ય વાતાવરણમાં ભળતું ગયું. સોવિયેત સરકારી અધિકારીઓએ અહેવાલ બહાર પાડ્યો કે માત્ર 31 માણસો જ મૃત્યુ પામ્યા છે અને માત્ર 200થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. વાસ્તવમાં આ આંકડાઓ ખોટા હતા. આજે પણ હજારો લોકો તેની વિકિરણ અસર હેઠળ જીવી રહેલા છે.

1980ના દાયકાનાં છેલ્લાં વર્ષોમાં એક નવી યુક્રેનિયન ચળવળ ઊભી થઈ. ઘણા યુક્રેનિયનોએ અર્થતંત્રના વિકાસ માટે અને પ્રજાસત્તાક સરકારમાં પોતાના વધુ હિસ્સા માટે માગણીઓ મૂકી. 1991માં રશિયામાં ઊથલપાથલ થતાં, તક મળતાં લોકોએ યુક્રેનને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કરી દીઘો, પરંતુ સાથે રશિયન સમવાયતંત્રીય વ્યવસ્થામાં પોતાની સંમતિ પણ દર્શાવી છે.

ગિરીશભાઈ પંડ્યા