યુકોન : કૅનેડાના વાયવ્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 60°થી 70° ઉ. અ. અને 124°થી 141° પ. રે. વચ્ચેનો 4,83,450 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની દક્ષિણે બ્રિટિશ કોલંબિયા, ઉત્તર અને પશ્ચિમ દિશાએ યુ.એસ.ના અલાસ્કા રાજ્યની સીમા, ઉત્તર ભાગમાં થઈને ઉત્તર ધ્રુવવૃત્ત પસાર થાય છે, જ્યારે વધુ ઉત્તર તરફ બ્યુફૉર્ટ સમુદ્રની સીમા આવેલી છે. વ્હાઇટ હૉર્સ આ રાજ્યની રાજધાનીનું સ્થળ છે, તે રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે અને અહીંનું મોટામાં મોટું શહેર છે.

ભૂપૃષ્ઠ : યુકોન એ પર્વતો અને ઉચ્ચપ્રદેશોનો વિસ્તાર છે. રાજ્યના પશ્ચિમ ભાગમાં ઉત્તર અમેરિકાના કૉર્ડિલેરન પર્વતોની હારમાળા આવેલી છે. મધ્યના ઉચ્ચપ્રદેશમાંથી યુકોન નદી વહે છે. નૈર્ઋત્ય તરફ સેન્ટ ઇલિયાસ પર્વતોની હારમાળા આવેલી છે. 5,951 મીટરની ઊંચાઈ ધરાવતું અને કાયમ હિમાચ્છાદિત રહેતું માઉન્ટ લોગાન શિખર આ પર્વતમાળામાં આવેલું છે. ઉત્તર તરફ ટુન્ડ્રના વિસ્તારમાં સમતળ પ્રદેશો છે, તે બધા કાયમ હિમાચ્છાદિત રહે છે.

આબોહવા : અહીં ઉનાળાનું વધુમાં વધુ વિક્રમ તાપમાન 13°થી 16° સે. અને શિયાળાનું ઓછામાં ઓછું તાપમાન –51° સે. નોંધાયેલું છે. અહીં લાંબા શિયાળા અને ટૂંકા હૂંફાળા ઉનાળા પ્રવર્તે છે. ઉત્તર ધ્રુવવૃત્તના વિસ્તારમાં ઉનાળા ટૂંકા, પરંતુ દિવસ લાંબા હોય છે. વરસાદ 250 મિમી. જેટલો પડે છે. કૅનેડાના દક્ષિણ અને પૂર્વ ભાગોની જેમ અહીં દર મહિને આબોહવાની આંકડાકીય માહિતી મેળવવાનું શક્ય નથી.

યુકોન પ્રદેશની એક ભારતીય મહિલા

વનસ્પતિજીવન–પ્રાણીજીવન : પહાડી પ્રદેશો, અસમતળ ભૂપૃષ્ઠ, સૂકી અને ઠંડી આબોહવા વગેરે જેવાં કારણે અહીં વનસ્પતિનું પ્રમાણ બહુ જ ઓછું છે. માત્ર દક્ષિણના ખીણભાગોમાં જંગલો જોવા મળે છે. આ વિસ્તારમાં રુવાંટીવાળાં પ્રાણીઓનો શિકાર કરવો એ રમત ગણાય છે, આથી વિવિધ વિસ્તારોમાંથી લોકો શિકાર અર્થે અહીં આવે છે. અહીં અમેરિકન રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે. અહીંના જળવિસ્તારોમાંથી મેળવાતી માછલીઓમાં આર્ક્ટિક સાલમન, લેક ટ્રાઉટ જેવી માછલીઓનો સમાવેશ થાય છે. વસાહતો બાંધવા અને બળતણ માટે વૃક્ષોનાં લાકડાંનો વધુ પડતો ઉપયોગ થતો હોવાથી અહીંનાં જંગલો નાશ પામ્યાં છે.

અર્થતંત્ર : આ રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજસંપત્તિ ભંડારા- યેલી છે. અહીંનો ધ્રુવવૃત્તીય વિસ્તાર અતિશય ઠંડો રહેતો હોવાથી ખનનપ્રવૃત્તિનો પૂરતો વિકાસ થઈ શકતો નથી. અહીં ચાંદી, સીસું, જસત, તાંબું, ઍસ્બેસ્ટૉસ, લોખંડ, કોલસો, ખનિજતેલ, કુદરતી વાયુના અનામત જથ્થા વિપુલ પ્રમાણમાં છે. જંગલસંપત્તિનું પ્રમાણ મર્યાદિત છે. સ્થાનિક જરૂરિયાત માટે ઉપયોગી લાકડું જંગલોમાંથી મેળવાય છે. કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુ પણ ઉપયોગમાં લેવાય છે. આ રાજ્યમાં ખનન અને ખેતી બંને શક્ય હોવા છતાં આબોહવા અને ભૂપૃષ્ઠની સ્થિતિ પ્રતિકૂળ હોવાથી તેનો પૂરો લાભ  લઈ શકાતો નથી. જ્યાં વસાહતો ઊભી થઈ છે ત્યાં થોડીઘણી ખેતી અને ખાણપ્રવૃત્તિ થાય છે. 1897 અને 1898માં અહીં સોનું મળી આવતાં સુવર્ણ-ધસારો થયેલો, જે ‘ક્લોન્ડાઇટ સુવર્ણ-ધસારા’ના નામથી જાણીતો બનેલો છે. તે દરમિયાન ઘણા પૂર્વેક્ષકો (prospectors) અહીં ધસી આવેલા. આજે પણ અહીંનો ખાણઉદ્યોગ એક અગત્યના ખાણઉદ્યોગ તરીકે ચાલુ છે. અહીંની મુખ્ય પ્રવૃત્તિ પ્રાણીઓને પકડવાની છે. શિયાળ, રીંછ, વરુ, લિંક્સ(બિલાડીના કુળનું પ્રાણી)ને ચામડાં માટે પકડવામાં આવે છે. સુંદર કુદરતી દૃશ્યોનું પ્રમાણ અહીં વધુ હોવાથી ખાણઉદ્યોગ પછી પ્રવાસન-ઉદ્યોગે આ રાજ્યમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી રાજ્ય-સરકારે પાકા રસ્તા, હવાઈ મથકો અને વીજળીકરણના વિકાસમાં ખૂબ રસ દાખવ્યો છે. 1950 પછીથી અહીં ખનિજતેલ અને કુદરતી વાયુ પર સંશોધનો થતાં રહ્યાં છે. 1960માં ઉત્તર યુકોનમાં ઈગલ પ્લેનના વિસ્તારમાં કુદરતી વાયુનો જથ્થો શોધી કઢાયો છે. અગ્નિકોણમાં આવેલી બીવર નદીના પટમાંથી પણ કુદરતી વાયુ તેમજ થોડા પ્રમાણમાં ખનિજતેલનો જથ્થો મળી આવ્યો છે.

વસ્તી : 1999 મુજબ આખા યુકોન રાજ્યની વસ્તી માત્ર 31,166 જેટલી છે. મૂળ વસ્તીના 15 % જેટલા લોકો મૂળ અમેરિકન ઇન્ડિયન છે. તેઓ આથાબાસ્કન ભાષા બોલે છે. બાકીના લોકો મિશ્ર યુરોપિયન-ઇન્ડિયન જાતિના છે. છેલ્લા કેટલાક દસકાઓમાં તેમનો સ્વાસ્થ્ય અને સામાજિક દૃષ્ટિએ ઘણો વિકાસ થયો છે, તેથી મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. કેટલાક લોકો પરંપરાગત પ્રાચીન સભ્યતાને હજી વળગી રહ્યા છે. તેઓ શિકાર અને મત્સ્ય-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. લોકોનું જીવનધોરણ પ્રમાણમાં ઊંચું ગયું છે. વિષમ આબોહવા અને અસમતળ ભૂપૃષ્ઠને કારણે અહીં વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. પરિવહનનાં આધુનિક સાધનોને કારણે યુકોનનો સંબંધ ઘણા દેશો સાથે સ્થપાયો છે. વ્હાઇટ હૉર્સ, એડમંટન, એલવેટા, વાનકુંવર અને બ્રિટિશ કોલંબિયા સાથે નિયમિત જેટ વિમાની સેવા ઉપલબ્ધ છે. વ્હાઇટ હૉર્સ અને સ્કાગવેને સાંકળતો એક રેલમાર્ગ વ્હાઇટ હૉર્સમાંથી પસાર થાય છે. ત્યાંથી આગળ દરિયાઈ સફર માટેની સુવિધા ઉપલબ્ધ છે. ઉત્તર અમેરિકા-અલાસ્કાને સાંકળતો ધોરીમાર્ગ યુકોનના સરહદી વિસ્તારમાંથી પસાર થાય છે. વ્હાઇટ હૉર્સ, ડાઉસન, ઓલ્ડ ક્રો, માયો વગેરે સ્થળો અહીંનાં અગત્યનાં પ્રવાસસ્થળો છે.

ઇતિહાસ : 1840માં હડસન બે કંપનીના બે શ્વેત સંશોધકોએ અહીં પ્રથમ પગ મૂકેલો. 1847માં યુકોન નદીનો કેટલોક વિસ્તાર રશિયાને હસ્તક ગયેલો. 1867માં અમેરિકાએ તે વિસ્તાર રશિયા પાસેથી ખરીદી લીધો. 1870માં અહીં સોનું પ્રાપ્ત થતાં અમેરિકી આકર્ષણ વધ્યું. 1890માં આ વિસ્તાર કૅનેડાને હસ્તક ગયો. 1896માં સુવર્ણ-ધસારો થયો. આથી ડાઉસન નજીક 25,000 જેટલી વસાહતી સંખ્યા થઈ ગઈ. 1898માં કૅનેડાની સંસદે તેને અલગ રાજ્યનો દરજ્જો આપ્યો. 1900માં ખાણિયાઓને લાભ ન થતાં લોકોએ યુકોનનો વિસ્તાર ત્યજી દીધો. 1901માં 27,219 વસ્તીમાંથી 1911 અને 1921માં અનુક્રમે 8,512 અને 4,157 જેટલી જ વસ્તી રહી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આધુનિક સાધનોનો ઉપયોગ અને વિકાસ વધતો ગયો છે. 1953માં પાટનગર ડાઉસનને બદલે નવા પાટનગર વ્હાઇટ હૉર્સનું મહત્વ વધ્યું છે.

નીતિન કોઠારી