યુકેન, રૂડૉલ્ફ ક્રિસ્ટૉફ (જ. 5 જાન્યુઆરી 1846, ઑરિચ; ઈસ્ટ ફ્રીઝલૅન્ડ, પ. જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1926, જેના, પૂ. જર્મની) : જર્મનીના આદર્શવાદી તત્વવેત્તા. શૈશવકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠા; પણ અત્યંત સ્નેહાળ અને ઊંચી બુદ્ધિમત્તા ધરાવનાર માતાની હૂંફ નીચે પોતાના ગામ ઑરિચની શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તે દરમિયાન પોતાના જ એક શિક્ષક મહાન થિયોલૉજિસ્ટ અને ફિલસૂફ વિલ્હૅમ રૉઇટરની વિચારધારાથી રંગાયા. આ પ્રભાવ નીચે તેમની ધાર્મિક ભાવના પ્રબળ બની. ત્યારબાદ ગટિંગન યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમણે રૂડૉલ્ફ હરમન લૉત્ઝના ફિલસૂફીના વર્ગોમાં પ્રવેશ લીધો. લૉત્ઝની વિચારધારા તેમને બહુ પ્રભાવિત કરી શકી નહિ, આ કાળ દરમિયાન તેમનામાં બૌદ્ધિકવાદવિરોધી વલણ વિકસ્યું. યુકેને પોતાનું સંશોધન ફિલસૂફીમાં નહિ પણ ભાષાશાસ્ત્ર અને પ્રાચીન ઇતિહાસમાં આદર્યું. અભ્યાસ પૂરો થયે પાંચેક વર્ષ વ્યાયામશિક્ષક તરીકે પણ કામ કર્યું. 1871માં તેમની નિમણૂક સ્વિટ્ઝર્લૅન્ડની બાઝલ યુનિવર્સિટીમાં થઈ. 1874માં જેના ખાતેની યુનિવર્સિટીમાં ફિલસૂફીના પ્રાધ્યાપક તરીકે તેઓ નિમણૂક પામ્યા.

રૂડૉલ્ફ ક્રિસ્ટૉફ યુકેન

1920માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે ત્યાં જ પોતાની સેવા આપી. ‘જેના’ના શાંત વાતાવરણમાં અધ્યાપનકાળ દરમિયાન તેમણે ઇતિહાસ અને જીવન અંગેના પોતાના આગવા સિદ્ધાંતો રજૂ કર્યા અને ઉત્તમ કોટિના ચિંતક તરીકેનું બહુમાન મેળવ્યું. 1908માં નોબેલ પારિતોષિકથી તેમને નવાજવામાં આવ્યા. ત્યારથી તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ વૃદ્ધિ પામતી ગઈ. 1911માં ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. 1912–13 દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી અને 1914માં ટોકિયો યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે અધ્યાપન કર્યું. યુકેનનું કારકિર્દીના પ્રારંભકાળનું ચિંતન ઍરિસ્ટૉટલના તત્વજ્ઞાન અંગેનું રહ્યું, પણ ધીરે ધીરે પોતાનું મૌલિક ચિંતન વિકસતું ગયું અને ધર્મ અંગેના ચિંતનમાં તેઓ ખૂબ ઊંડા ઊતરતા ગયા. તેમના તત્વજ્ઞાનને નૂતન-કૅન્ટવાદના જ્ઞાનના સિદ્ધાંતો ઉપર આધારિત આધ્યાત્મિક આંદોલન તરીકે વર્ણવી શકાય. જીવનપદ્ધતિઓના આંતરિક વિકાસને સમજાવવા તેઓ હંમેશાં ઇતિહાસનો સહારો લે છે. માનવીનું આંતરિક આધ્યાત્મિક જીવન સાચું જીવન છે અને તે અત્યંત અર્થપૂર્ણ છે. ભલે તે ભૌતિક પ્રક્રિયાના રંગે રંગાતું લાગે, પણ તે સ્તરે તે ઊતરી જતું નથી. આધ્યાત્મિક મૂલ્યો એ એક પ્રકારની સિદ્ધિ છે અને તેનું અનુસરણ અનુગામીઓ દ્વારા થવું જોઈએ. માત્ર સ્વીકારથી સંતોષ ન માનીને તેનું આચરણ પણ થવું ઘટે. યુકેનનો બુદ્ધિવાદ-વિરોધી વિચાર તર્કમાં અશ્રદ્ધા પ્રગટ કરતો નથી, પણ એવી લાગણી વ્યક્ત કરે છે કે માત્ર વિચારથી જ સંતોષ માનવાને બદલે અનુભવ કે અનુભૂતિના સ્તર સુધી જવું જોઈએ. શાશ્વત મૂલ્યોના અનુસંધાનમાં જીવનનું ઊંડાણથી દર્શન કરવું તે તત્વજ્ઞાનનું ધ્યેય છે. યુકેન પ્રણાલિકાગત ‘વાદ’ના ભારે વિરોધી હતા. તેમનો ઝોક અંગત આદર્શવાદ તરફ રહ્યો હતો. એ રીતે આધુનિક તત્વવેત્તાઓમાં યુકેન પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેમણે ધર્મને પૌરાણિક ચુંગાલમાંથી મુક્ત કરવાના ભારે પ્રયાસો કર્યા અને ધર્મની નીતિ-વિષયક બાબતો અંગે જ સભાન થવા અનુરોધ કર્યો.

તેમણે નીતિશાસ્ત્ર અને ધર્મ વિશે અનેક પુસ્તકો લખ્યાં છે. ‘મેઇન કરન્ટ્સ ઑવ્ મૉડર્ન થૉટ’ (1904); ‘ધ ટ્રૂથ ઑવ્ રિલિજન’ (1901); ‘ઇન્ડિવિડ્યુઅલ ઍન્ડ સોસાયટી’ (1923); ‘સોશ્યાલિઝમ – ઍન ઍનલિસિસ’ (1921) જેવાં પુસ્તકો તેમની વિચારધારાનાં દ્યોતક છે. છેલ્લા ઉલ્લેખેલા પુસ્તકમાં તેમણે માનવોની મુક્તિને બાધક નીવડનારી અને જીવનનાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પાસાં ક્લુષિત કરનારી સમાજવાદની પ્રથા ઉપર શબ્દપ્રહાર કર્યો છે. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘ધ મીનિંગ ઍન્ડ વૅલ્યૂ ઑવ્ લાઇફ’ (1909), ‘નોઇંગ અને લિવિંગ’ (1912) અને ‘કૅન વી સ્ટિલ બી ક્રિસ્ચન્સ ?’ (1914) મુખ્ય છે. 1920માં તેમની વિચારસરણીના પ્રસાર માટે ‘યુકેન સોસાયટી’ની રચના કરવામાં આવી હતી.

પંકજ જ. સોની