યુકિયો-ઈ કાષ્ઠ-છાપ ચિત્રકલા (1600–1900) : જાપાનની ટોકુગાવા સમયની લોકપ્રિય બનેલી કાષ્ઠ-છાપ ચિત્રકલા. ‘યુકિયો-ઈ’ (Ukiyo-e) શબ્દનો અર્થ જાપાની ભાષામાં ‘ક્ષણભંગુર જીવનનાં ચિત્રો’ એવો થાય છે. પ્રશિષ્ટ જાપાની ચિત્રકલાથી વિપરીત યુકિયો-ઈમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોને કોઈ સ્થાન નહોતું, પરંતુ ટોકિયોના ‘યોશીવારા’ નામે જાણીતા બનેલા વેશ્યાવાડાની વેશ્યાઓ, રૂપાળી લલનાઓ, કાબુકી થિયેટરનાં લોકપ્રિય બનેલાં અભિનેતાઓ તથા અભિનેત્રીઓ અને નિસર્ગ તેના વિષયો હતાં. ઉન્નતભ્રૂ જાપાનીઓ યુકિયો-ઈ કલાકૃતિ પર નજર પડતાં જ મોં મચકોડતા હતા, તેમ છતાં તેની જાપાનમાં એટલી બધી માંગ વધી કે કલાકારોએ પ્રત્યેક ચિત્રની હજારો નકલો કઢાવી વેચવા માંડી. ચોખામાંથી બનતા રાઇસ પેપર નામે ઓળખાતા કાગળ પર જળરંગો વડે આ છાપચિત્રો ચિત્રકારો જાતે નહિ, પણ કાષ્ઠછાપ કલામાં નિપુણ કારીગરો પાસે જાતદેખરેખ હેઠળ છપાવતા. હિશિકાવા મોરોનોબુ યુકિયો-ઈ કાષ્ઠ-છાપ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર છે. આ પછી ઓકુમુરા માસાનોબુ, સુઝુકી હારાનોબુ, હીશીકાવા ઉતામારો, શુન્સો, હોકુસાઈ અને હિરોશિગે ચિત્રકારો લોકપ્રિય બન્યા. હોકુસાઈ અને હિરોશિગેએ યુરોપિયન રૈખિક પરિપ્રેક્ષ્ય(linear perspective)નો અભ્યાસ કર્યો અને તેથી યુરોપિયન કલાનાં કેટલાંક તત્વો યુકિયો-ઈમાં લઈ આવ્યા; તો સામે પક્ષે માને, મોને, પીસારો, રેન્વા, સિસ્લે જેવા પ્રભાવવાદી અને વાન ગૉઘ જેવા અભિવ્યક્તિવાદી ચિત્રકારો યુકિયો-ઈ કાષ્ઠ-છાપચિત્રોના એટલા પ્રગાઢ પ્રભાવ નીચે આવ્યા કે યુકિયો-ઈના સર્જક ચિત્રકારોને મનોમન ગુરુ માનવા લાગ્યા. એ ઉપરાંત યુરોપના બીજા લોકોમાં પણ ઓગણીસમી સદીમાં યુકિયો-ઈ કાષ્ઠ-છાપ ચિત્રકલા લોકપ્રિયતા પામી.
અમિતાભ મડિયા