યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit)

January, 2003

યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit) : પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી, તેની ધરી ફરતા ભ્રમણની દિશા, ઉત્તર તરફ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ તરફ દક્ષિણ ધ્રુવ દિશા દર્શાવવાની ઘટના. ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવબિંદુ, સ્થાનના અક્ષાંશ જેટલું ક્ષિતિજની ઉપર હોય અને દક્ષિણ ધ્રુવબિંદુ તેટલું જ નીચે. આ બે બિંદુઓને જોડતાં વર્તુળો તે યામ્યોત્તર વૃત્તો ગણાય અને જે યામ્યોત્તર વૃત્ત સ્થાનના શિરોબિંદુ (zenith) પરથી પસાર થતું હોય તે ‘પ્રમુખ યામ્યોત્તર વૃત્ત’ (meridional circle) કહેવાય. પૃથ્વીના પોતાની ધરી ફરતા દૈનિક ભ્રમણને કારણે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ અને તેના જેવા આકાશી પિંડો રોજ ધ્રુવબિંદુઓ ફરતા વર્તુળાકાર માર્ગે ગતિ કરતા જણાય, અને આ દરમિયાન દિવસમાં એક વાર તે આ પ્રમુખ યામ્યોત્તર વૃત્તને ઓળંગે. આ થયો તેનો વેધસમય અર્થાત્ યામ્યોત્તર સંક્રાન્તિ (meridional transit). આ સંક્રાન્તિની નોંધ, સમયના સૂક્ષ્મ માપન તથા પિંડના સૂક્ષ્મ સ્થાનમાપનમાં ઘણી અગત્યની હોવાથી તે માટે વેધશાળાઓમાં ખાસ સાધન – જેને યામ્યોત્તર ઉપકરણ (transit instrument) કહેવાય છે – તે, સ્થાપવામાં આવે છે. આમાં સૌથી પ્રખ્યાત યુ.કે.ની ગ્રિનિચ વેધશાળાનું યામ્યોત્તર ઉપકરણ છે.

કોઈ પણ સ્થાન માટેનો મધ્યાહ્નનો સમય, એટલે કે બપોરના બાર વાગ્યાનો સમય, મૂળભૂત રીતે તો તે સ્થાને સૂર્યની આ સંક્રાંતિ એટલે કે વેધનો સમય ગણાય. પરંતુ પૃથ્વીનું સૂર્યથી અંતર વર્ષ દરમિયાન થોડું બદલાતું રહે છે, જેને કારણે સૂર્યની ક્રાંતિવૃત્ત ઉપર આગળ વધવાની ઝડપમાં થોડો ફેરફાર થતો રહે છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન સૂર્ય, વિષુવવૃત્તની 23.5° જેટલો ઉત્તર અને દક્ષિણ તરફ ખસતો રહે છે. આ કારણોસર તેની ક્રમિક યામ્યોત્તર સંક્રાંતિઓ વચ્ચેનો સમયગાળો અચળ નથી રહેતો. વ્યાવહારિક દિવસની લંબાઈ 24 કલાક જેટલી અચળ રાખવા માટે, વ્યાવહારિક સ્થાનિક મધ્યાહ્ન માટે વાસ્તવિક સૂર્યને સ્થાને એક કાલ્પનિક મધ્યમાન સૂર્ય(mean sun)ની યામ્યોત્તરીય સંક્રાન્તિ ગણાય છે. વાસ્તવિક સૂર્યની સંક્રાન્તિ અને આ ‘મધ્યમાન’ કાલ્પનિક સૂર્યની સંક્રાન્તિ વચ્ચેનો સમયતફાવત એટલે ‘સમયસંસ્કાર’ (equation of time), જેનું વર્ષ દરમિયાનનું કોષ્ટક ખગોળસાહિત્યમાં મળશે.

ગ્રિનિચ રેખાંશ 0° માટે આ મધ્યમાન સૂર્યની યામ્યોત્તર સંક્રાન્તિ 12 કલાક universal time (UT) ગણાય. ભારતના IST માટે 82.5° E સ્થાન પરની સંક્રાન્તિનો સમય 12 કલાક ગણાય. મેષ રાશિના પ્રથમ બિંદુ(1st point of Aries)ની યામ્યોત્તર સંક્રાન્તિ કોઈ પણ સ્થાન માટે તે સ્થાનનો શૂન્ય કલાક સાંપાતિક સમય (0 hr. sidereal time) ગણાય, પરંતુ આ માટે સાયન મેષનું પ્રથમ બિંદુ લેવાનું હોય છે, નિરયન મેષનું નહિ. હાલના તબક્કે સાયન મેષનું પ્રથમ બિંદુ નિરયન મેષના પ્રથમ બિંદુની પશ્ચિમે  24° જેવા અંતરે છે અને પૃથ્વીની ધરીની પુરસ્સરણ (precession) ગતિને કારણે ઉદભવતી અયન-ચલન અસરને કારણે દર વર્ષે તેમાં ~ 50 આર્ક સેકન્ડનો ઉમેરો થતો રહે છે.

કોઈ પણ તારા માટે તેની યામ્યોત્તરીય સંક્રાન્તિ (એટલે કે વેધ) પછી પસાર થયેલ સાંપાતિક સમયગાળો તેનો ‘સમયકોણ’ (hour angle) કહેવાય છે. આ સમયગાળો સાંપાતિક દિવસ અનુસાર હોવાથી વાસ્તવિક 23 ક. 56 મિ. માટે 24 કલાક અનુસાર ગણાય. આ ‘સમયકોણ’ની જાણકારી આકાશી ગોલક પર તારાનું તત્કાલીન સ્થાન મેળવવામાં ઉપયોગી છે. સાયન મેષના પ્રથમ બિંદુનો ‘સમયકોણ’ એ સાંપાતિક સમય. કોઈ પણ તારા માટેના ક્રમિક યામ્યોત્તર વેધ વચ્ચેનો સમયગાળો એ સાંપાતિક દિવસ થાય, જેની લંબાઈ 23 ક. 56 મિ. 04 સે. જેવી થાય છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ