યાદવ, લાલુપ્રસાદ (જ. 2 જૂન 1948, ફુલવારિયા, ગોપાલગંજ, જિ. બિહાર) : આધુનિક ભારતના રાજકારણમાં દાવપેચની રાજનીતિમાં માહેર બનેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી. વિદ્યાર્થી-અવસ્થામાં વિદ્યાર્થી- ચળવળમાં સક્રિય બન્યા ત્યારથી રાજકારણના રંગે રંગાયા. પટણા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ લોકનાયક જયપ્રકાશ નારાયણે 1974માં શરૂ કરેલ જનઆંદોલન દ્વારા બિહાર રાજ્યમાં રાજનેતાઓનો જે ફાલ પેદા કર્યો તેમાં લાલુપ્રસાદ યાદવનો સમાવેશ થાય છે. 1977માં લોકસભાની ચૂંટણી લડ્યા અને વિજયી બન્યા. 1980માં બિહાર રાજ્યની વિધાન પરિષદના સભ્ય બન્યા. 1989માં ફરી લોકસભાની ચૂંટણીમાં વિજયી બન્યા અને ત્યારથી વિરોધ પક્ષના અગ્રણી નેતાઓમાં તેમને સ્થાન મળતું રહ્યું. 1996 –97માં જનતા દળના પ્રમુખ ચૂંટાયા. 1997માં થયેલ તે પક્ષના વિભાજનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો અને તરત જ રાષ્ટ્રીય જનતા દળ નામથી નવા પક્ષની રચના કરી અને તેના સ્થાપક-પ્રમુખ બન્યા. (1997–2004). તે પૂર્વે 1996–97માં ભારતના રાજકારણમાં કેટલાક વિરોધ પક્ષોએ જે સંયુક્ત મોરચા(United Front)ની રચના કરી હતી તેના સર્વોચ્ચ પદ માટે તેમના નામની વિચારણા થઈ હતી. ત્યારે તેઓ બિહાર રાજ્યના મુખ્યપ્રધાનપદે હતા. જુલાઈ, 1997માં બિહાર રાજ્યમાં ‘ચારા કૌભાંડ’ નામથી જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો તેમાં તેમની સંડોવણી હોવાથી કેન્દ્રીય જાંચ બ્યુરો (CBI) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી, જેને કારણે તેમને રાજ્યના મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમ છતાં આવા કપરા સંજોગોમાં જરા પણ વિચલિત થયા વગર તેમણે તેમનાં નિરક્ષર પત્ની રાબડી દેવીને બિહારના મુખ્યમંત્રીપદે સ્થાપિત કર્યાં (1997–2004), જે એક વિલક્ષણ રાજકીય ઘટના ગણાય છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકેની લાલુપ્રસાદની કારકિર્દી દરમિયાન બિહારમાં ગુનેગારીમાં પુષ્કળ વધારો થયો હતો. જેને લીધે તેમની કારકિર્દીને ‘જંગલરાજ’ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં ઇન્દિરા ગાંધીની સરકારે 1975માં જ્યારે કટોકટી જાહેર કરી ત્યારે દેશના વિરોધ પક્ષના અન્ય નેતાઓની જેમ લાલુપ્રસાદ યાદવની પણ ધરપકડ કરવામાં આવી હતી (1975–77). તે જેલવાસને કારણે તેમની રાષ્ટ્રીય સ્તરના વિરોધ પક્ષના નેતાઓમાં ગણના થવા લાગી હતી. 1998માં તેઓ ત્રીજી વાર લોકસભાના સભ્ય ચૂંટાયા. વર્ષ 2003માં ભારતના સંસદના જે પ્રતિનિધિ મંડળે પાકિસ્તાનની સદભાવયાત્રા કરેલી તેમાં લાલુપ્રસાદ યાદવનો પણ સમાવેશ થયો હતો. તે પ્રવાસ દરમિયાન પણ તેમણે ભારતના રાજકારણના વિલક્ષણ નેતા તરીકે પોતાની છાપ ઉપસાવી હતી.
બિહાર રાજ્યના મુખ્યમંત્રીપદે ભલે તેઓ હાલ (2004) નથી તેમ છતાં તેઓ જ રાજ્યના વાસ્તવિક (de facto) મુખ્ય મંત્રી ગણાય છે. હાલ (2004) તેઓ રાજ્યસભાના સભ્ય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે