યાદવ, રાજેન્દ્ર (જ. 28 ઑગસ્ટ 1926, આગ્રા) : હિંદીના જાણીતા સાહિત્યકાર. બાલ્યાવસ્થાથી જ પરિવારમાં સાહિત્ય અંગેનું વાતાવરણ પ્રાપ્ત થયું. પિતા મિસ્રીલાલ ઝાંસીમાં સરકારી ડૉક્ટર હતા, પરંતુ સાહિત્યમાં રુચિ ધરાવતા હતા. માતાનું નામ તારાબાઈ. સંયુક્ત પરિવારમાં ઉછેર. પ્રાથમિક શિક્ષણ ઉર્દૂ ભાષામાં લીધા બાદ હિંદી ભાષા અને સાહિત્યનું અધ્યયન કર્યું. ઝાંસીની માધ્યમિક શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી ઉચ્ચ શિક્ષણ આગ્રા ખાતે. 1953માં હિંદી વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1954માં કૉલકાતા ગયા, જ્યાં ‘જ્ઞાનોદય’ પત્રિકાના સહાયક સંપાદક તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ કર્યો. ત્યાં જાણીતાં લેખિકા મન્નુ ભંડારીનો પરિચય થતાં 1957માં તેમની સાથે વિવાહબદ્ધ થયા.
હિંદીમાં વાર્તા અને નવલકથા ઉપરાંત રાજેન્દ્ર યાદવે બાલસાહિત્ય, કવિતા, વ્યક્તિચિત્રો, વિવેચન જેવાં વિવિધ સાહિત્યસ્વરૂપોમાં યોગદાન આપ્યું છે. તેમના દસ વાર્તાસંગ્રહો (‘ખેલ ખિલૌને’, ‘દેવતાઓં કી મૂર્તિયાં’, ‘જહાં લક્ષ્મી કૈદ હૈ’, ‘છોટે છોટે તાજમહાલ’, ‘કિનારે સે કિનારે તક’, ‘ટૂટના’, ‘અપને યાર’, ‘ઢોલ’, ‘પ્રિય કહાનિયાં’ અને ‘શ્રેષ્ઠ કહાનિયાં’); નવલકથાઓ (‘પ્રેત બોલતે હૈં’, ‘ઉખડે હુએ લોગ’, ‘કુલટા’, ‘શહ ઔર માત’, ‘એક ઇંચ મુસ્કાન’; પત્ની મન્નુ ભંડારી સાથે સહલેખન); ‘અનદેખે અંજાન પુલ’ અને ‘મંત્રવિદ્ધ’). ‘આવાજ તેરી હૈ’ કવિતાસંગ્રહ; ત્રણ વિવેચનગ્રંથો (‘કહાની : સ્વરૂપ ઔર સંવેદના’, ‘અઠારહ ઉપન્યાસ’ અને ‘પ્રેમચંદ કી વિરાસત’) તથા એક વ્યક્તિચિત્ર ‘ઔરોં કે બહાને’ પ્રકાશિત થયાં છે.
હિંદી સાહિત્યમાં નવી વાર્તાના નામથી જે વાર્તાસાહિત્ય જાણીતું બન્યું છે તેમાં રાજેન્દ્ર યાદવને અગ્રણી વાર્તાકાર ગણવામાં આવે છે. તેમની વાર્તાઓમાં મુખ્યત્વે માર્ક્સવાદ અને અસ્તિત્વવાદનો પ્રભાવ જોવા મળે છે. પરિણામે ધનિક અને નિર્ધન, માલિક અને શ્રમિક, અગ્ર વર્ગ અને પછાત વર્ગ વચ્ચેના સંઘર્ષોનું ચિત્રણ તેમની વાર્તાઓમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.
પ્રકાશન-ક્ષેત્ર અને સંપાદન-પ્રવૃત્તિઓમાં પણ રાજેન્દ્ર યાદવ સક્રિય રહ્યા છે. તેમણે દિલ્હીથી પ્રકાશિત ‘અક્ષર પ્રકાશન’ તથા ‘હંસ’ સામયિકના તંત્રીપદે કાર્ય કર્યું છે. તેમની કલમે ‘હંસ’ સામયિકને નવો ઓપ આપ્યો હતો.
સુધા શ્રીવાસ્તવ
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે