યાંગ યાંગ (જ. 8 ડિસેમ્બર 1963, સિચુઆન પ્રાંત, ચીન) : બૅડમિન્ટનના ચીની ખેલાડી. 1984માં ટૉમસ કપ સ્પર્ધાથી તેમણે તેમની કારકિર્દીનો સૌપ્રથમ વાર પ્રારંભ કર્યો. એમાં તેમણે આઇક્ક સુગિર્યાટો જેવા વિશ્વ-ચૅમ્પિયનને હાર આપી. જોકે ફાઇનલમાં ચીનની ઇન્ડોનેશિયા સામે હાર થઈ. આ બટકા અને સ્નાયુબદ્ધ ડાબેરી ખેલાડી વિશ્વ-બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં 1987 અને 1989માં એમ બે વખત એકલ વિજયપદક(singles titles)ના વિજેતા બન્યા અને એ પ્રકારનો વિજય મેળવનારા તેઓ પ્રથમ ખેલાડી નીવડ્યા. 1989માં તેઓ ઑલ ઇંગ્લૅન્ડ વિજયપદકના પણ વિજેતા બન્યા અને એ સમયે તેઓ મહત્વની સ્પર્ધાઓના અજેય (unbeaten) ખેલાડી હતા. ટૉમસ કપની ચીનની વિજેતા ટીમમાં તેઓ 1986 અને 1988માં રમ્યા હતા. તેમનું પ્રશિક્ષણ પામેલી મલેશિયન ટીમ પણ 1992માં ટૉમસ કપની વિજેતા બની શકી હતી.

મહેશ ચોકસી