યાંગ, ચાંગ-ક્વાંગ (જ. 10 જુલાઈ 1933, તાઇતુંગ, તાઇવાન) : તાઇવાનના મેદાની રમતો(athletics)ના ખેલાડી. ડિકૅથ્લોન રમતોની સ્પર્ધામાં ખેલાડી તરીકેની કારકિર્દીના પ્રારંભે જ યાંગ 1954માં એશિયન રમતોત્સવના વિજયપદક(title)-વિજેતા બન્યા. તે વખતે તાઇવાનની મુલાકાતે આવેલા બૉબ મૅથિયાસે તેમને આ રમતોમાં વિશેષ પરિશ્રમ કરવા પ્રોત્સાહન આપ્યું. 1956ની ઑલિમ્પિક રમતોમાં તેમણે પોતાના જુમલા(score)માં 1,000 ઉપરાંત પૉઇન્ટનો ઉમેરો કરી આઠમો ક્રમ મેળવ્યો. 1958માં ઍમેટર ઍથ્લેટિક-યુનિયન-(યુ.એસ.એ.)ની સ્પર્ધામાં તેઓ વિશ્વના ત્રણ સર્વોત્તમ ખેલાડીઓમાં સ્થાન પામ્યા; તેમાં રેફર જૉન્સન પછી તેઓ બીજા ક્રમે હતા. યુ.સી.એલ.એ. ખાતેની તાલીમમાં યાંગ અને જૉન્સન સહાધ્યાયી બની રહ્યા. 1960ના ઑલિમ્પિક રમતોત્સવમાં આ બંને સહ-તાલીમાર્થીઓ વચ્ચે જોશીલી સ્પર્ધા યોજાઈ અને જૉન્સન નજીવા તફાવતથી વિજેતા બન્યા. જૉન્સનની નિવૃત્તિ પછી, યાંગ વિશ્વના ઉત્તમ સર્વાશ્લેષી (all-rounder) ખેલાડી બની રહ્યા અને સાથોસાથ 1963માં 9,121 પૉઇન્ટ નોંધાવી 9,000 પૉઇન્ટનો આંક આંબી જનાર સૌપ્રથમ વ્યક્તિ નીવડ્યા. નવા દાખલ કરાયેલા ફાઇબર-ગ્લાસ પોલનો લાભ લઈ, આ સ્પર્ધામાં તેમણે 4.84 મી.નો ઊંચો કૂદકો માર્યો. સ્કોર નોંધવાના કોઠા(table)માં મહત્તમ આંક કરતાંય આ આંક ઊંચો હતો ! એ વર્ષે વિશ્વમાં તેમનો ક્રમ છઠ્ઠો રહ્યો. સ્કોર-પદ્ધતિમાં થયેલા ફેરફારની પ્રતિકૂળ અસરના પરિણામે ઑલિમ્પિક ડિકૅથ્લોનમાં તેઓ પાંચમા ક્રમે આવ્યા અને તેથી ભારે નિરાશ થયા.
મહેશ ચોકસી