યહૂદીઓનું તિથિપત્ર : વિક્રમ સંવત મુજબના તિથિપત્ર સાથે સારું એવું સામ્ય ધરાવતું તિથિપત્ર. યહૂદીઓના તિથિપત્ર (calendar) અને વિક્રમ સંવત અનુસારના તિથિપત્ર વચ્ચે સારી એવી સમાનતા છે – બંને પદ્ધતિઓ ચાંદ્ર-સૌર (luni-solar) પ્રકારની છે. ચાંદ્ર-સૌર એટલે જેમાં મહિનાના દિવસો ચંદ્રની કળા અનુસારના હોય અને આવા 12 મહિનાનું એક વર્ષ ગણાય. પરંતુ અમાવાસ્યાથી અમાવાસ્યાનો ગાળો સરેરાશ 29.5 દિવસનો હોવાથી વર્ષ લગભગ 355 દિવસનું થાય; જ્યારે ઋતુવર્ષની લંબાઈ લગભગ 365 દિવસ જેવી થાય છે. આમ આ પ્રકારની વર્ષ-ગણતરીમાં જે વર્ષે દસ દિવસ જેવી ઋતુ સાથે ‘તાલચૂક’ થાય છે તે માટે નિશ્ચિત વર્ષોના ગાળે વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. યહૂદી પદ્ધતિમાં આ અધિક માસ ઉમેરવા માટે 19 વર્ષની ગ્રહીય ચક્ર(Metonic cycle)ની પદ્ધતિ અપનાવાય છે, જેમાં 3, 6, 8, 11, 14, 17 અને 19મા વર્ષે અધિક માસ ઉમેરવામાં આવે છે. વિક્રમ સંવતની પદ્ધતિમાં, અમાવાસ્યાથી અમાવાસ્યાના જે ગાળામાં સૂર્ય એની એ જ રાશિમાં રહે અને બીજી રાશિમાં સંક્રમણ ના કરે તે મહિનો અધિક ગણાય; જ્યારે યહૂદી પદ્ધતિમાં જે વર્ષે અધિક માસ ગણવાનો હોય તે વર્ષનો છઠ્ઠો મહિનો ‘અધિક’ ગણાય છે.
બે હજારથી વધુ વર્ષો પહેલાં યહૂદી ગણતરી અનુસારના તિથિચક્રની શરૂઆત અમાવાસ્યા પછીના પ્રથમ ચંદ્રદર્શનથી થતી હતી (જે પદ્ધતિ હાલ પણ ઇસ્લામી કાલગણનામાં વપરાય છે). આજથી સોળ સો વર્ષ પહેલાં, બૅબિલોનિયામાં ગણિત-આધારિત પદ્ધતિ અપનાવાઈ હતી. ભારતીય કાલગણના અનુસાર તિથિપત્રની ગણતરી પણ ગણિત-આધારિત છે. આજથી બે હજાર વર્ષ પૂર્વે યહૂદી નવું વર્ષ, વસંત સંપાત પછીની જે અમાવાસ્યા બાદ પ્રથમ ચંદ્રદર્શન થાય તે અનુસાર ગણાતું, પરંતુ ત્યારબાદ શરદ સંપાત નજીકની અમાવાસ્યા બાદનો મહિનો વર્ષના પ્રથમ મહિના તરીકે અપનાવાયો છે, જે ‘Tishri’ તરીકે ઓળખાય છે. યહૂદી નૂતન વર્ષનો આરંભ સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં આવે છે. તિથિ-ગણતરી માટેની પદ્ધતિ નિશ્ચિત હોવાથી વર્ષના બાર માસમાં કેટલાક 30 દિવસના તો કેટલાક 29 દિવસના ગણાય છે. (ભારતીય પદ્ધતિમાં મહિનાની શરૂઆત સૂર્ય-ચંદ્રની યુતિથી ગણાય છે અને દર 12° તફાવતે એક તિથિ ગણાય છે. ત્યારબાદ હાલની પદ્ધતિ અપનાવાઈ તે અગાઉ, થોડા સમય માટે 19 વર્ષની Metonic cycle આધારિત પદ્ધતિ અપનાવાઈ હોવાના નિર્દેશ પણ છે.
શરૂઆતમાં પ્રત્યક્ષ ચંદ્રદર્શન પર આધાર રાખતી હોવાથી યહૂદી પદ્ધતિમાં દિવસની શરૂઆત સાંજ પછી ગણાય છે અને શનિવારને ‘Sabbath day’ તરીકે માનવામાં આવે છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ