યવાની ખાંડવચૂર્ણ : આયુર્વેદના ‘શાર્ડ્ંગધર સંહિતા’ તથા ‘યોગરત્નાકર’ ગ્રંથમાં ‘અરોચક-ચિકિત્સા’ માટે દર્શાવેલ ઉપચાર.
યવાની ખાંડવચૂર્ણનો પાઠ : (યોગરત્નાકર) : અજમો (યવાની), આંબલી, સૂંઠ, અમ્લવેતસ, દાડમના સૂકા દાણા તથા ખાટાં બોરની (સૂકી ઉપલી) છાલ – આ દરેક દ્રવ્ય 10-10 ગ્રામ લઈ પછી સૂકા ધાણા, સંચળ, જીરું અને તજ – આ દરેક 5-5 ગ્રામ લઈ પછી સૂકી (જૂની) લીંડીપીપર 100 નંગ અને કાળાં મરીના દાણા 200 જેટલા લઈને તે બધાંને ખાંડી, બારીક ચૂર્ણ કરી, તેમાં ખાંડેલી સાકરનું ચૂર્ણ 350 ગ્રામ મિશ્ર કરીને તૈયાર થયેલ ઔષધ પૅક શીશા કે ડબ્બીમાં ભરી લેવામાં આવે છે.
ઉપયોગ – લાભ : આ ચૂર્ણ ખાસ અરુચિ રોગનો નાશ કરે, તેવું રુચિકર છે. આ ચૂર્ણ લૂખું (એકલું, પાણી વિના જ) સીધું મુખમાં 3 થી 5 ગ્રામ જેટલું અવારનવાર મૂકીને તેનું સેવન કરવાથી જીભની શુદ્ધિ થાય છે, ખોરાક ઉપર રુચિ ઊપજે છે, હૃદયને તે પ્રિય અને હિતકારી બને છે, જઠરાગ્નિ(પાચનશક્તિ)ને તે વધારે છે, (ગૅસ-વાયુથી થતી) હૃદયની શૂળપીડા તથા બંને પડખાંનાં શૂળનો નાશ થાય છે, વાયુદોષથી થતી ઝાડાની કબજિયાત તથા પેટનો તથા પેડુનો આફરો અને પેટનો ગૅસ-વાયુ મટાડે છે, સૂકી ખાંસી તથા અલ્પ શ્વાસને મટાડે છે અને અજીર્ણને કારણે થતા પાતળા ઝાડા મટાડે છે, ગ્રહણી(સંગ્રહણી)નો રોગ તથા હરસના દર્દને પણ તે મટાડે છે. શાર્ડ્ંગધરે આ ચૂર્ણ વિશે વિશેષમાં લખ્યું છે કે આ ચૂર્ણના સેવનથી પાંડુરોગ, હૃદયરોગ, તાવ, ઊલટી, શોષ, બરોળ, મંદાગ્નિ, જીભના રોગ અને ગળાના રોગ પણ મટે છે.
માત્રા : સામાન્ય મોટી વ્યક્તિ 3થી 5 ગ્રામની માત્રા એકીવખતે જમ્યા પહેલાં કે જમ્યા પછી પણ પાણી સાથે કે પાણી સિવાય (લૂખું–એકલું) લઈ શકે છે. રોગની ગંભીરતા વધુ હોય તો આ ચૂર્ણ 10, 15 કે 30 મિનિટે વારંવાર પણ લઈ શકાય છે. જે બાળકો ખોરાક લેવાથી દૂર ભાગતાં હોય કે જેમને સાચી ભૂખ લાગતી ન હોય કે ખોરાક લેવાની ઇચ્છા ન થતી હોય, તેમને આ ચૂર્ણ આપવાથી, તેમને ભાવતું થાય છે. ચૂર્ણ રુચિકર્તા હોઈ ગમે તે લઈ શકે છે. પરંતુ જેમને ખાટી ચીજો લેવાથી સોજા કે શૂળની તકલીફ થતી હોય, તેમને માફક આવે તો જ લેવાની સલાહ અપાય છે.
બળદેવપ્રસાદ પનારા