યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral)

January, 2003

યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral)

યકૃત (liver) પર આવતા પીડાકારક સોજાનો રોગ. તે મોટાભાગે ચેપી રોગ હોય છે અને તેમાં કમળો થતો હોય છે. તેને કારણે તેને ‘ચેપી કમળો’ પણ કહે છે. ચેપ, ઝેરી દ્રવ્ય કે ઈજાને કારણે ઉદભવતા પ્રતિભાવરૂપ પીડાકારક સોજાના વિકારને શોથ (inflammation) કહે છે. યકૃતમાં થતા આવા વિકારને યકૃતશોથ કહે છે. વિષાણુ(virus)ના ચેપથી થતા રોગને વિષાણુજ યકૃતશોથ (viral hepatitis) કહે છે. તે સામાન્ય રીતે અરુચિ (anorexia), ઊબકા, ઊલટી, થકાવટ, ફ્લૂ જેવા ઉપલા શ્વસનમાર્ગનાં લક્ષણો તથા ધૂમ્રપાનનો મનોવિરોધ (aversion to smoking) જેવાં લક્ષણો પ્રગટ કરે છે. તેની સાથે તાવ, યકૃતની સ્પર્શવેદના(tenderness)વાળો સોજો તથા કમળો થઈ આવે છે. લોહીના શ્વેતકોષોની સંખ્યા સામાન્ય કે ઓછી રહે છે, પરંતુ યકૃતકાર્યક્ષમતા-કસોટીઓ (liver function tests) વિકારયુક્ત બને છે. તેમાં એમિનોટ્રાન્સફરેઝ જૂથનાં ઉત્સેચકો અને બિલિરૂબિનનું પ્રમાણ વધે છે. યકૃતમાં પેશીવિકૃતિ રૂપે યકૃતકોષનાશ (hepatic necrosis) જોવા મળે છે. તેમાં એકકોષકેન્દ્રિત કોષોનો ભરાવો થાય છે. વિષાણુજ યકૃતશોથ તેના કારણરૂપ વિષાણુઓના પ્રકારો પ્રમાણે વર્ગીકૃત કરાય છે.

યકૃતશોથ કરતા વિષાણુઓ (સારણી 1) : યકૃતશોથીય વિષાણુ એ (hepatitis A virus, HAV), યકૃતશોથીય વિષાણુ બી (hepatitis

આકૃતિ 1 : યકૃતશોથ એ, બી અને સીમાં જોવા મળતાં લક્ષણો તથા પરીક્ષણ શાળાની કસોટીઓનાં પરિણામો (અ) યકૃતશોથ એ, (આ) યકૃતશોથ બી, (ઇ) યકૃતશોથ સી

B virus, HBV), યકૃતશોથીય વિષાણુસી (hepatitis C virus, HCV), યકૃતશોથીય વિષાણુ ડી (hepatitis D virus) અથવા ક્ષતદ્રવ્ય (delta agent) અને યકૃતશોથીય વિષાણુ ઈ (hepatitis E virus, HEV)  એમ મુખ્ય 5 પ્રકારના યકૃતશોથીય વિષાણુઓ વર્ણવવામાં આવેલા છે. આમાં યકૃતશોથીય વિષાણુ જી(hepatitis G virus, HGV)નો પણ હવે સમાવેશ કરવામાં આવ્યો છે. HEV મળ-મુખમાર્ગે ફેલાય છે અને તે એશિયા, ઉત્તર આફ્રિકા તથા મેક્સિકોમાં જોવા મળે છે. HGV ભાગ્યે જ પૂર્ણ સ્વરૂપનો યકૃતશોથ કરે છે. લોહીના પારસરણ (blood transfusion) દ્વારા એક TT નામનો વિષાણુ (TTV) પણ પ્રસરે છે, પરંતુ તેનાથી યકૃતનો કોઈ રોગ થાય છે એવું સ્પષ્ટ રીતે જોવા મળ્યું નથી. તે 7.5 % રુધિરદાતાઓમાં જોવા મળે છે. તેવી રીતે રુધિર પારસરણ સાથે SENV નામનો એક અન્ય વિષાણુ પણ શોધી કઢાયો છે, જે કમળો કરે છે. જો લોહી મેળવતો દર્દી પ્રતિરક્ષા(immunity)ની ઊણપ પણ ધરાવતો હોય તો તેને સાયટોમેગેલો વિષાણુ, એપ્સ્ટીન-બાર વિષાણુ તથા હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ વડે પણ યકૃતશોથનો વિકાર થઈ આવે છે. આવું સામાન્ય પ્રતિરક્ષા (immunity) હોય તો ખાસ જોવા મળતું નથી. આ વિષાણુઓની જાણકારી હોવા છતાં હજુય કેટલાક અતિઅલ્પ પ્રમાણમાં યકૃતશોથ કરતા અન્ય વિષાણુઓ છે, જેને અંગે સંશોધન ચાલી રહ્યું છે.

() યકૃતશોથ (hepatitisA) : HAV નામના વિષાણુથી આ રોગ થાય છે. તેને 27 nm RNA યકૃતવિષાણુ (hepatovirus) કહે છે. તેના વડે આ રોગના છૂટાછવાયા કિસ્સા અથવા સ્થાનિક વાવર (ઉપદ્રવ) થઈ આવે છે. સામાન્ય રીતે તે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા બહાર આવે છે, જે પ્રદૂષિત અન્ન કે પાણી દ્વારા અથવા અસ્વચ્છ હાથ દ્વારા અન્ય વ્યક્તિમાં પ્રવેશીને ચેપ કરે છે. આ રીતે થતા ચેપને મળ-મુખમાર્ગી (faeco-oral route) ચેપ કહે છે. વસ્તીની ઘનતા (ભીડ) તથા જાહેર સફાઈની અપૂર્ણતા ચેપ ફેલાવવામાં મદદરૂપ હોય છે. સામાન્ય રીતે પ્રદૂષિત અન્ન કે પાણી ચેપનો વાવર ફેલાવે છે. ચેપ લાગ્યા પછી 30 દિવસે લક્ષણો જોવા મળે છે. આ સમયને વિષાણુનો નિવર્ધનકાળ અથવા ઉછેરકાળ (incubation period) કહે છે. ચેપનાં લક્ષણો જોવા મળે તેનાં 2 અઠવાડિયાં પહેલાંથી મળમાં વિષાણુનો ઉત્સર્ગ શરૂ થાય છે, પરંતુ તેને માંદગીના પહેલા અઠવાડિયા પછી ભાગ્યે જ મળમાં દર્શાવી શકાય છે. સામાન્ય રીતે મૃત્યુ નીપજતું નથી, પરંતુ દીર્ઘકાલીન યકૃતશોથ સીના દર્દીમાં તેનો ચેપ મૃત્યુ સર્જે છે. યકૃતશોથ એ ફક્ત ઉગ્ર (acute) પ્રકારનો રોગ છે અને તેમાં દીર્ઘકાલીન તબક્કો હોતો નથી. પુખ્ત વયે માંદગીની તીવ્રતા, બાળકોના સંદર્ભે, વધુ હોય છે. HAV સામેનાં પ્રતિદ્રવ્યોને પ્રતિ-HAV (anti-HAV) કહે છે. તે IgG and IgM  એમ બંને પ્રકારનાં હોય છે અને માંદગીની શરૂઆતથી જ લોહીમાં દર્શાવી શકાય છે. IgM પ્રતિ-HAV પ્રથમ અઠવાડિયામાં વધુ હોય છે અને 3થી 6 મહિનામાં અદૃશ્ય થાય છે, માટે તેનો ઉપયોગ નિદાન માટે કરાય છે. IgG પ્રતિ-HAV એક મહિના પછી જોવા મળે છે અને ઘણાં વર્ષો ટકે છે; તેથી તેની હાજરી HAV સાથેનો સંસર્ગ, તેની સામેની પ્રતિરક્ષા (immunity) અને બિનચેપિતા અથવા અસંક્રમકતા (non-infectivity) સૂચવે છે. એટલે કે જે દર્દીમાં IgG  પ્રતિ-HAV વધુ હોય તેને ક્યારેક HAVનો સંસર્ગ થયો હતો, તે દર્દીને HAVના ચેપ સાથે રક્ષણ મળેલું છે અને તે ચેપ ફેલાવતો નથી એવું દર્શાવે છે. અમેરિકામાં 33 % વસ્તીમાં HAVના ચેપની આવી સાબિતી મળે છે. (આકૃતિ 1).

() યકૃતશોથ બી : યકૃતશોથ બી (HBV) 42 nm યકૃત-DNA વિષાણુ છે. તેની જનીનકાય(genome)માં દ્વિસૂત્રિલ (double-stranded) ડી.એન.એ. બનેલી છે. તેની અંદર મધ્યદલીય પ્રોટીન (core protein) આવેલું છે, જે યકૃતશોથ બી મધ્યદલ પ્રતિજન (hepatitis B core antigen) તરીકે કાર્ય કરે છે. તેને HBcAgની સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. તેની બહારની સપાટી પર સપટ્ટ પ્રતિજન (surface antigen) આપેલો છે. તેને HBsAgની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આ બંને પ્રતિજનો HBV સંબંધિત પ્રતિરક્ષા – પ્રક્રિયાઓ સાથે સંકળાયેલાં છે. HBVનો ચેપ સંદૂષિત લોહી કે તેના ઘટકો દ્વારા તથા લૈંગિક (જાતીય) સંસર્ગ દ્વારા ફેલાય છે. તે દર્દી કે ચેપધારકની લાળ, વીર્ય તથા યોનિસ્રાવ(vaginal secretions)માં જોવા મળે છે. HBsAg ધરાવતી માતા પ્રસવસમયે તેના નવજાત શિશુને તેનો ચેપ ફેલાવે છે. તેથી આવી માતાનાં લગભગ 90 % શિશુઓમાં તે દીર્ઘકાલી ચેપ રૂપે જોવા મળે છે. લૈંગિક સંક્રમણ(sexual transmission)ને કારણે સમલિંગરાગીઓ-(homosexuals)માં તેનું પ્રમાણ વધુ રહે છે. પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો સજાતીય સંબંધ ધરાવનારાઓને સમલિંગરાગીઓ કહે છે. તેવી રીતે સ્ત્રી-પુરુષ વચ્ચેના વિજાતીય સંબંધ ધરાવનારાઓને અસમલિંગરાગીઓ (heterosexuals) કહે છે. અસમલિંગરાગીઓમાં જો અવૈધ વિજાતીય સંબંધ હોય તોપણ તે જોવા મળે છે. ઇન્જેક્શન દ્વારા નશાકારક દવાઓ લેતા જૂથમાં પણ તેના ચેપનું પ્રમાણ વધુ રહે છે. આ ઉપરાંત હૉસ્પિટલનાં ડૉક્ટરો, નર્સો, અન્ય પરાતબીબી કાર્યકરો, દાંતના ડૉક્ટરો, નિદાનીય પરીક્ષણશાળા(clinical laboratory)ના કાર્યકરો, રુધિરપારગલન (haemodialysis) કરતાં કેન્દ્રોના તથા બ્લડબૅન્કના કર્મચારીઓમાં તેનું પ્રમાણ વધુ રહેવાનું જોખમ રહે છે. સારવાર માટે અપાયેલા લોહી (રુધિર પારસરણ) દ્વારા HBVનો ચેપ ફેલાવાની સંભાવના આધુનિક બ્લડબૅન્કમાં દર 60,000 એકમોએ 1 જેટલી છે. શરીરમાં પ્રવેશ્યા પછી HBVનો ઉછેરકાળ 6 અઠવાડિયાંથી 6 મહિના જેટલો હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં તે 12–14 અઠવાડિયાં હોય છે.

લક્ષણો, ચિહ્નો અને નિદાન : યકૃતશોથ એ અને બીનાં લક્ષણો અને ચિહ્નો સમાન હોય છે; પરંતુ યકૃતશોથ બીનો ઉદ્ગમ લક્ષણરહિત (insidious onset) હોય છે તથા તેમાં એમીનોટ્રાન્સફરેઝ ઉત્સેચકોની રુધિરસપાટી વધુ ઊંચી હોય છે. અતિઆક્રમક યકૃતશોથ (fulminant hepatitis) થઈ આવવાની સંભાવના 1 %થી ઓછી રહે છે, પરંતુ જો તે થાય તો તેનો મૃત્યુદર 60 %નો હોય છે. જે દર્દીઓની પ્રતિરક્ષા-ક્ષમતા પૂરતી હોય તેઓમાં તેનો દીર્ઘકાલી (chronic) વિકાર માંડ 1 % કે 2 %માં થાય છે; પરંતુ પ્રતિરક્ષા-ઊણપ ધરાવતા દર્દીઓમાં તે વધુ રહે છે. યુવાન વયે આ પ્રકારનો ભય વધુ હોય છે; પરંતુ પ્રતિરક્ષા-ઊણપ ધરાવતા દર્દીઓમાં તેનું પ્રમાણ વધુ રહે છે. તે 25 %થી 40 % કિસ્સામાં યકૃતકાઠિન્ય (cirrhosis) અને યકૃતકોષીય કૅન્સર (hepatocellular carcinoma) કરે છે. HBVનો ચેપ ઘણી વખત સંધિશોથ (arthritis), સગુચ્છ-મૂત્રપિંડશોથ (glomerulo-nephritis) તથા સગંડિકા-ધમનીશોથ (polyarteritis nodosa) જેવા રોગો સાથે પણ સંકળાયેલો હોય છે. આ પ્રકારના રોગો પ્રતિજન-પ્રતિદ્રવ્ય વચ્ચેની પ્રક્રિયામાં સાથે જોડાયેલા છે. HBVના ચેપ સાથે 3 પ્રકારની પ્રતિજન-પ્રતિદ્રવ્ય પ્રણાલીઓ સંકળાયેલી છે. (યકૃતશોથબી-સપાટ્ટ-પ્રતિજન, (hepatitisB-surface antigen) તથા પ્રતિ-HBs (anti-HBs); HBcAg (યકૃતશોથબી-મધ્યદલ-પ્રતિજન, hepatitisB-core antigen) અને પ્રતિ-HBC (anti-HBC) તથા HBeAg (યકૃતશોથ–બી-ઈ-પ્રતિજન, hepatitisB-e-antigen) and પ્રતિ-HBe (anti-HBe). લોહીના રુધિરરસ(blood serum)માં આ દ્રવ્યોની સપાટી જાણીને યકૃતશોથ–બીના રોગમાં કયો તબક્કો છે કે સ્થિતિ છે તે જાણી શકાય છે. (સારણી 2).

HBVનો ચેપ લાગે તેની પહેલી પ્રાપ્ત થતી સાબિતી રૂપે રુધિરરસમાં HBsAg દેખાય છે. ચેપને કારણે લોહીમાં થતા જૈવરાસાયણિક ફેરફારો ત્યારપછી થાય છે. યકૃતશોથના ઉગ્ર તબક્કામાં તથા ત્યારબાદ જો દીર્ઘકાલી તબક્કો પણ શરૂ થાય તો તે સમગ્ર દીર્ઘકાલી તબક્કામાં પણ રુધિરરસમાં HBsAgને દર્શાવી શકાય છે. તેની હાજરી ચેપકારકતા (infectivity) સૂચવે છે. તેથી આવા દર્દીના લોહી તથા શરીરના અન્ય સ્રાવોનો સંસર્ગ થવાથી HBVનો ચેપ લાગે છે. ચેપ તથા ચેપકારકતા શમે ત્યારે HBsAg પણ રુધિરરસમાંથી અર્દશ્ય થાય છે. તે સમયે પ્રતિ-HBs (HBsAg) સામેનું સચોટ પ્રતિદ્રવ્ય રુધિરરસમાં દર્શાવી શકાય છે. આવું HBV સામે અપાયેલી અને સફળ થયેલી રસી અપાયા પછી પણ જોવા મળે છે. HBsAg અદૃશ્ય થાય અને પ્રતિ-HBs નિર્દેશિત કરી શકાય તો તે HBVનો ચેપ મટ્યો છે એવું દર્શાવે છે. આવો દર્દી ચેપ ફેલાવતો નથી અને તેને ફરીથી HBVનો ચેપ ન લાગે તેવું રક્ષણ પ્રાપ્ત થાય છે.

HBsAg તથા પ્રતિ-HBC એમ બંને જો રુધિરરસમાં હોય તો તે ઉગ્ર ચેપ સૂચવે છે. IgM પ્રતિ-HBc 3થી 6 મહિના કે વધુ સમય ટકી રહે છે. જો દીર્ઘકાલી યકૃતશોથના દર્દીના રોગોમાં ઉગ્રતા આવે તો ત્યારે પણ IgM-પ્રતિ-HBcની રુધિરસપાટી ઊંચી જાય છે. પ્રતિ-HBcનો IgG પ્રકાર દીર્ઘકાલી રોગ થાય કે રોગ મટે તોપણ જોવા મળે છે.

HBsAg ધરાવતી વ્યક્તિમાં HBeAg નામનું દ્રાવ્ય પ્રોટીન જોવા મળે છે. તે HBcAgનું સ્રાવિત સ્વરૂપ (secretary form) છે. તે HBsAg પછી તરત, ઉછેરકાળમાં જ દેખાવા માંડે છે અને વિષાણુઓનું પુનર્નવસર્જન (replication) સૂચવે છે અને દર્દી ચેપી હોવાનું નિર્દેશન કરે છે. જો તે 3 મહિનાથી વધુ ટકે તો તે દીર્ઘકાલી યકૃતશોથ થવાની સંભાવના સૂચવે છે. HBeAg અર્દશ્ય થાય ત્યારે જો પ્રતિ-HBeને દર્શાવી શકાય તો વિષાણુનું પુનર્નવસર્જન ઘટ્યું છે એવું મનાય છે. જ્યારે રુધિરરસમાં HBeAg હોય છે ત્યારે બહુગુણોત્સેચક શૃંખલા-પ્રતિક્રિયા (polymerase chain reaction) વડે રુધિરરસમાંના HBVના DNAને દર્શાવી શકાય છે. તે દર્દીની ચેપધારકતા અને વિષાણુના પુનર્નવસર્જનની ક્રિયા માટેની સૌથી આધારભૂત સાબિતી છે (આકૃતિ 1).

() યકૃતશોથડી (ક્ષતદ્રવ્ય) : યકૃતશોથ ડી વિષાણુ (HDV) એક ક્ષતિપૂર્ણ RNA વિષાણુ છે અને તે HBVનો ચેપ હોય ત્યારે ચેપ કરે છે, ખાસ કરીને HBsAg જ્યારે દર્શાવી શકાય તેમ હોય. HBsAg જ્યારે દૂર થાય ત્યારે HDV પણ સાથે જતો રહે છે. તે HBVની સાથે ચેપ કરે છે (સહ-સંક્રમણ, co-infection) અથવા દીર્ઘકાલી HBV ચેપના દર્દીમાં પાછળથી ચેપ કરે છે. (અધિસંક્રમણ, super-infection). ઉગ્ર ચેપના કિસ્સામાં HBVના ચેપ જેવો જ રોગ થાય છે, પણ દીર્ઘકાલી ચેપમાં અધિસંક્રમણ થાય તો અતિ-આક્રમક (fulminant) યકૃતશોથ થઈ આવે છે અથવા તીવ્ર પ્રકારનો દીર્ઘકાલી યકૃતશોથ થાય છે, જે ઝડપથી યકૃતકાઠિન્ય(cirrhosis)માં પરિવર્તિત થાય છે. સન 1970–80ના દાયકાઓમાં ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં HDV વસ્તીસ્થાયી (endemic) સ્વરૂપે જોવા મળ્યો હતો અને તે સમયે HBVના આશરે 80  % દર્દીઓમાં HDVનું અધિસંક્રમણ જોવા મળ્યું હતું. અમેરિકામાં તેનો ચેપ મુખ્યત્વે નસ વાટે ફેલાતો જોવા મળ્યો છે. હાલ તેના ચેપનું પ્રમાણ ઘટ્યું છે. HDVના ચેપગ્રસ્ત દર્દીઓમાં યકૃતકોષીય કૅન્સર થવાનું પ્રમાણ ત્રણ ગણું વધે છે. પ્રતિ-HDV (HDV સામેનું પ્રતિદ્રવ્ય) અથવા HDV-RNAને દર્શાવીને નિદાન કરી શકાય છે. HBVનો ચેપ લાગતો અટકાવીને HDVનો ચેપ અટકાવી શકાય છે.

() યકૃતશોથ–સી : તેનો ચેપકારક વિષાણુ (HCV) એકસૂત્રિલ RNA વિષાણુ છે. તે ફ્લેવિવાયરસ જેવા ગુણધર્મો ધરાવે છે. તેના મુખ્ય 6 જનીનપ્રકારો (genotypes) વર્ણવાયેલા છે. ભૂતકાળમાં રુધિરદાનને કારણે થયેલા કમળાના 90 % કિસ્સાઓમાં HCV વિષાણુ કારણરૂપ જણાયો હતો, જોકે HCVથી થતા કમળાના કિસ્સાઓમાં ફક્ત 4 % દર્દીઓને રુધિરદાનને કારણે ચેપ લાગે છે. આશરે 50 %થી વધુ દર્દીઓમાં નસ વાટે દવા લેવાથી ચેપ લાગે છે. નાક દ્વારા કોકેઇન લેનારામાં કે ચામડીના વીંધણ કરાવનારામાં પણ તેનો ચેપ ફેલાય છે. જાતીય (લૈંગિક) સંસર્ગ દ્વારા કે ચેપગ્રસ્ત માતાના પ્રસવ વડે તેનો ફેલાવો નહિવત્ છે. અનેક લોકો સાથે લૈંગિક સંસર્ગ ધરાવનારાંઓમાં તેનું જોખમ વધે છે. સ્તન્યપાન દ્વારા તેનો ફેલાવો જોવા મળ્યો નથી. પ્રતિરક્ષાની ઊણપવાળા દર્દીઓમાં પ્રતિરક્ષા-ગ્લોબ્યુલિનની સારવાર દરમિયાન કે તેમના શરીરની નસોમાં મુકાયેલી સારવાર માટેની નળીઓની સફાઈ દરમિયાન HCVનો ચેપ લાગ્યો હોવાના દાખલા નોંધાયેલા છે. જોકે તેવું જવલ્લે જ બને છે. હાલ ઉપલબ્ધ આંકડા પ્રમાણે USAમાં 270 લાખ માણસો HCVના ચેપધારક (carriers) છે અને 130 લાખ માણસોમાં તેનો ચેપ શમી ગયો છે. HCVથી થતા રોગમાં 6થી 7 અઠવાડિયાંનો ઉછેરકાળ હોય છે. લક્ષણોની તીવ્રતા ઓછી રહે છે, એમીનોટ્રાન્સફરેઝ ઉત્સેચકોની રુધિરરસ-સપાટી વધઘટ થયા કરે છે અને આશરે 80 % દર્દીઓમાં દીર્ઘકાલી યકૃતશોથ થઈ આવે છે. સગર્ભા સ્ત્રીઓમાં ચેપ લાગેલો હોય તોય HCVનું પ્રમાણ ઘટે છે અને પ્રસૂતિ પછી વધી જાય છે. HCV અનેક પ્રતિરક્ષાલક્ષી રોગો અને વિકારો સાથે સંકળાયેલો કે કારણરૂપ પરિબળરૂપ હોવાનું મનાય છે; દા.ત., શીતગ્લોબ્યુલિનરુધિરતા (cryoglobinaemia), સગુચ્છમૂત્રપિંડશોથ (glomerulone-phritis), સ્વકોષઘ્ની ગલગ્રંથિશોથ (autoimmune thyroiditis), લસિકાકોષીય લાળગ્રંથિશોથ (lymphocytic sialadenitis), અજ્ઞાતમૂલ ફેફસીતંતુતા (idiopathic pulmonary fibrosis), એકકોષગોત્રીય પ્રતિરક્ષાગ્લોબ્યુલિન-રુગ્ણતા (monoclonal gammopathy) તથા લસિકાર્બુદ (lymphoma). દીર્ઘકાલી HCVના ચેપમાં બીજા પ્રકારના મધુપ્રમેહનું જોખમ વધે છે. લોહીમાં પ્રતિ-HCV (anti-HCV)નું નિર્દેશન કરીને નિદાન કરી શકાય છે. આ પ્રતિદ્રવ્ય રક્ષણ આપતું નથી અને તેથી તે ધરાવતો દર્દી ચેપકારક હોય છે. તેનું નિર્દેશન કરવા માટે ઉત્સેચકીય પ્રતિરક્ષાલક્ષી આમાપન(enzymatic immunoassay)ની પદ્ધતિ વપરાય છે. તેની ઘણી મર્યાદાઓ પણ છે, તેથી ખોટાં સકારાત્મક ને નકારાત્મક પરિણામો પણ મળે છે. આવા સંજોગોમાં પુન:સંયોજિત પ્રતિરક્ષાકલંક આમાપન (recombinant immunoblot assay, RIBA) વડે કે HCV-RNA દર્શાવીને નિદાનને નિશ્ચિત કરી શકાય છે. રુધિરદાતાઓનું પરીક્ષણ કરીને લોહી દ્વારા HCVના ચેપનો ફેલાવો અટકાવી શકાય છે. (આકૃતિ 1).

() યકૃતશોથ : આ પ્રકારનો યકૃતશોથ કરતો વિષાણુ (HEV) 29થી 32 nm RNA વિષાણુ છે અને તે કોલિસીવાયરસના જેવો છે. તે ભારત, મ્યાનમાર, અફઘાનિસ્તાન, અલ્જીરિયા તથા મેક્સિકોમાં પાણી દ્વારા ફેલાઈને ચેપનો પ્રસાર કરે છે. અમેરિકા જેવા દેશોમાં તે વિકાસશીલ દેશોમાં પ્રવાસે જઈ આવેલા નાગરિકોમાં થાય છે. તેનાથી થતી માંદગી આપોઆપ શમે છે. વ્યક્તિના શરીરમાં લાંબો સમય ટકતો નથી અને તેથી વ્યક્તિ ચેપધારક (carrier) બનતી નથી. સગર્ભા સ્ત્રીઓમાં તેનો મૃત્યુદર વધુ રહે છે. (10 %થી 20 %).

() યકૃતશોથજી : ચામડીને વીંધીને દવા કે લોહી ચડાવવામાં આવે ત્યારે ક્યારેક ફ્લેવિવાયરસ જૂથનો HGV વિષાણુ ચેપ લગાડે છે. તે લોહીમાં 10 વર્ષ સુધી ટકી રહે છે. લોહીમાં વિષાણુની હાજરીને વિષાણુરુધિરતા (viraemia) કહે છે. 1.5 % રુધિરદાતાઓમાં, 50 % નસ વાટે નશાકારક દવાઓ લેનારાઓમાં, 30 % રુધિરપારગલન (haemodialysis) કરાવતા મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીઓમાં તથા 15 % દીર્ઘકાલી યકૃતશોથ –બી કે સી ધરાવતા દર્દીઓમાં HGVની વિષાણુરુધિરતા જોવા મળી છે. તે કોઈ યકૃતનો અલગ રોગ કરતો નથી તથા તેની હાજરીને કારણે HBV અને HCV પરની પ્રતિવિષાણુ ઔષધોની અસર ઘટતી નથી.

નિદાન, લક્ષણ અને ચિહ્નો : યકૃતશોથનો લક્ષણપટ લાંબો છે. કોઈ પણ લક્ષણો વર્ગના રોગથી માંડીને કમળા સાથેના અતિઆક્રમક રોગ રૂપે જોવા મળે છે, જેમાં મૃત્યુ પણ સંભવે છે. ક્યારેક અતિઉગ્રતાથી અથવા ક્યારેક લક્ષણરહિત શરૂઆત થાય છે. દર્દીને થકાવટ, સ્નાયુઓનો દુખાવો, હાડકાંનો દુખાવો, નાકમાંથી પાણી વહેવું, ગળું આવવું તથા અરુચિ થવી (ખોરાક ન ભાવવો તથા ખોરાક ન લેવાની વૃત્તિ થવી) વગેરે થાય છે. ઘણી વખતે ધૂમ્રપાન કરવું પણ ગમતું નથી. ક્યારેક ઊબકા, ઊલટી, ઝાડા કે કબજિયાત થાય છે. ઉગ્ર HBV ચેપમાં ચામડી પર સ્ફોટ, સાંધાનો દુખાવો અને સોજો તથા રુધિરરસવ્યાધિ (serum sickness) થાય છે. 39.6o સે. જેટલો તાવ થાય છે. તાવ શમે તેની સાથે કમળો દેખા દે છે. તાવ વખતે ક્યારેક ટાઢ વાય છે. પેટમાં ઉપલા અને જમણા ભાગમાં દુખે છે, જે શ્રમ કરવાથી વધે છે. કમળો થાય તે પહેલાંની આ પ્રકારની માંદગીને પૂર્વલક્ષણ-સમૂહ (prodrome) કહે છે. તેના પછી કમળાનો તબક્કો શરૂ થાય છે. શરૂઆતની તકલીફોની સાથે અથવા 5થી 10 દિવસમાં કમળો થાય છે. કમળો થાય ત્યારે પૂર્વલક્ષણોની તીવ્રતા વધે છે, પરંતુ પાછળથી તેમાં સુધારો થાય છે. માંદગીનો ત્રીજો તબક્કો પુન:સ્વાસ્થ્ય-સ્થાપન(convalescence)નો ગણાય છે; જેમાં સાજા થવાની, ભૂખ લાગવાની, કમળો મટવાની, પેટનો દુખાવો ઘટવાની તથા થાક લાગતો બંધ થવાની સ્થિતિ ફરી પાછી આવે છે. ઉગ્ર પ્રકારનો યકૃતશોથ 2થી 3 અઠવાડિયાંમાં શમે છે અને પરીક્ષણ-કસોટીઓને સામાન્ય થતાં 9 અઠવાડિયાં(યકૃતશોથએ)થી 16 અઠવાડિયાં (યકૃતશોથ બી) લાગે છે. 5 %થી 10 % કિસ્સામાં માંદગી લાંબી ચાલે છે અને 1 % દર્દીઓમાં અતિઆક્રમક માંદગી જોવા મળે છે. યકૃતશોથ એમાં ક્યારેક 2 કે 3 ઊથલા મારે છે, પરંતુ સંપૂર્ણ રોગમુક્તિ (cure) થાય છે. જોકે યકૃતશોથ બી, સી, ડી અને જીમાં ક્યારેક દીર્ઘકાલી વિકાર રહી જાય છે. ક્યારેક કમળો વધીને પિત્તમાર્ગમાં અવરોધ થયો હોય તેવી સ્થિતિ સર્જે છે. તે સમયે ખૂજલી આવે છે. તેને પિત્તસ્થાયી કમળાનો તબક્કો કહે છે.

લગભગ અર્ધા જેટલા કિસ્સામાં યકૃત મોટું થાય છે અને લગભગ બધા કિસ્સામાં તેની ઉપર અથવા જમણા ઉપલા ભાગે પેટ પર સ્પર્શ કરતાં દુખાવો થાય છે (સ્પર્શવેદના, tenderness). 15 % દર્દીઓમાં બરોળ તથા ડોકની અને કોણીની ઉપરની લસિકાગ્રંથિઓ મોટી થાય છે. ક્યારેક દર્દી અતિશય માંદો પડી ગયેલો લાગે છે.

નિદાન માટે એલેનિન ટ્રાન્સએમિઇનેઝ અને ઍસ્પાર્ટેટ ટ્રાન્સએમિનેઝ(એમીનોટ્રાન્સફરેઝ ઉત્સેચકો)નું લોહીમાં પ્રમાણ 300 એકમ કે વધુ થાય છે. તેવી રીતે લોહીમાં બિલિરૂબિન તથા આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ વધેલા હોય છે. ક્યારેક પિત્તસ્થાયી કમળા(cholestatic jaundice)નો તબક્કો આવે તો એમીનોટ્રાન્સફરેઝ ઉત્સેચકોનું સ્તર સામાન્ય થાય તે પછી પણ તે વધેલાં રહે છે. આવું યકૃતશોથમાં વધુ જોવા મળે છે. જો પ્રોથ્રૉમ્બિન-કાળનું પરીક્ષણ વિષમ હોય તો તે મૃત્યુદર વધારે છે. લોહીમાં શ્વેતકોષો સામાન્ય કે ઘટેલી સંખ્યામાં હોય છે અને મોટા અલાક્ષણિક લસિકાકોષો (lymphocytes) જોવા મળે છે. એકાદ કિસ્સામાં રક્તકોષોનું ઉત્પાદન ઘટે છે. પેશાબમાં બિલિરૂબિન, પિત્તક્ષારો તથા ક્યારેક પ્રોટીન વહે છે. કમળાના સમયે પિત્તસ્થાયી તબક્કો થઈ આવે તો મળનો રંગ ફિક્કો અથવા સફેદ થાય છે, તેને અવર્ણ મલ (acholic stool) કહે છે.

નિદાનભેદ રૂપે વિષાણુજ યકૃતશોથને ચેપી એકકોષકેન્દ્રિતા (infectious mononucleosis), સાયટોમટોલો વિષાણુનો ચેપ, હાર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુનો ચેપ, લૅપ્ટોસ્થાયરૉસિસ, ઉપદંશ-(syphilis)નો બીજો તબક્કો, બ્રુસેલૉસિસ, રિકેટ્શિયા, ઔષધજન્ય યકૃતરોગ જેવા વિવિધ રોગોથી અલગ પડાય છે. પૂર્વલક્ષણના તબક્કામાં અન્ય વિષાણુઓથી થતા ચેપ જેવાં જ લક્ષણો હોય છે અને પિત્તસ્થાયી તબક્કો હોય તો તે અવરોધજન્ય કમળા જેવી સ્થિતિ સર્જે છે. માટે જે તે સમયે તે પ્રકારના રોગોથી નિદાનભેદ કરાય છે.

સારવાર : સારવારના મુખ્ય સિદ્ધાંતો છે  આરામ, ઊર્જા (કૅલરી) પૂરતી મળતી રહે તે માટે શર્કરા, વિટામિન–બી જૂથ તથા જરૂર પડ્યે તે કિસ્સામાં હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવી તે. તીવ્ર લક્ષણોના ગાળામાં જરૂર પ્રમાણે આરામ કરવાનું સૂચવાય છે. પુન:સ્વાસ્થ્ય-સ્થાપનના સમયે ધીમે ધીમે કાર્ય કરવાની છૂટ અપાય છે. જો ઊબકા-ઊલટી વધુ હોય કે મોં વાટે પૂરતું ન લેવાતું હોય તો 10 % ગ્લુકોઝના દ્રાવણને નસ વાટે અપાય છે. જો દર્દી બેહોશી કે લોહી વહેવાની સ્થિતિમાં હોય તો અતિઆક્રમક તબક્કો માનીને દર્દીને હૉસ્પિટલમાં ઘનિષ્ઠ સારવાર અપાય છે. દર્દીને ભાવે તેવો પૂરતો ખોરાક અપાય છે, પણ વધુ પડતું જમવા માટે આગ્રહ કરાતો નથી. દર્દી પરિશ્રમ, દારૂ તથા યકૃત માટે ઝેરી હોય તેવી દવા ન લે તે જોવાય છે. જરૂર હોય તો ઘેન માટે ઑક્ઝાઝેપામને અલ્પમાત્રામાં અપાય છે, પરંતુ મૉર્ફીન અપાતું નથી. નિયંત્રિત અભ્યાસોએ દર્શાવ્યું છે કે યકૃતશોથના કોઈ પણ તબક્કામાં કૉર્ટિકોસ્ટિરૉઇડ ઉપયોગી નથી. HCVનો ચેપ હોય તો આલ્ફા ઇન્ટરફેરૉન વડે દીર્ઘકાલી યકૃતશોથ થતો અટકાવાય છે.

યકૃતશોથના દર્દીનો આહાર : વિષાણુજ યકૃતશોથની આહારલક્ષી સારવારના સિદ્ધાંતો સમયાંતરે બદલાયા છે. લશ્કરમાંના દર્દીઓ પરના અભ્યાસોએ દર્શાવ્યું છે કે 150 ગ્રામ પ્રોટીન તથા 3,000 કૅલરીવાળો વિટામિનયુક્ત આહાર ઝડપી સુધારો લાવે છે. જો દર્દી બેભાનાવસ્થા કે પૂર્વબેભાનાવસ્થામાં હોય તો તેને નાક-જઠરી નળી દ્વારા 1,500–2,000 કૅલરીવાળો ખોરાક અપાય છે. તેને પ્રોટીન અપાતું નથી. મધ્યમથી તીવ્ર કક્ષાના કમળામાં પણ 2,000 કૅલરી આપવી જોઈએ. યકૃતમાં પ્રોટીનનો ચયાપચય થાય છે અને તેથી જ્યારે યકૃતનું કાર્ય બગડેલું હોય ત્યારે તેમાં બેભાનાવસ્થા સર્જે તેવા પ્રોટીન-અણુ બને છે; પરંતુ તે સામે યકૃતકોષોના નવસર્જનમાં પ્રોટીનની જરૂર પડે છે. માટે પ્રોટીનનો ઉપયોગ સમજણપૂર્વક કરવો જરૂરી બને છે. જો દર્દી બેભાન થાય કે પૂર્વબેભાનાવસ્થા હોય તો પ્રોટીન અપાતું નથી અને ફક્ત કાર્બોદિત પદાર્થો જ અપાય છે; પરંતુ તીવ્ર કમળો (16 મિગ્રા/100 મિલિ. જેટલું લોહીમાં બિલિરૂબિન) હોય તો 30થી 40 ગ્રામ પ્રોટીન અપાય છે. તેનાથી વધુ પ્રોટીન બેભાનાવસ્થા સર્જે છે. તેથી ધાન્ય, ઘઉં, ચોખા, બિસ્કિટ, રોટલી, ચપાટી, પાંવ, ખાખરા વગેરે જેવા ઓછા પ્રોટીનવાળા આહારી પદાર્થો લેવાનું સૂચવાય છે. આહારપૂરક દ્રવ્યો તરીકે મિથિયોનિન અને કોલિન લાભકારક ગણાતા નથી; પરંતુ તે ક્યારેક પૂર્વબેભાનાવસ્થા સર્જે છે. યોગ્ય પ્રમાણમાં પ્રોટીન લેવાતું હોય તો ચરબી કે તેલયુક્ત પદાર્થો યકૃતને નુકસાન કરતા નથી; પરંતુ પૂર્વબેભાનાવસ્થા અને બેભાનાવસ્થામાં તૈલી પદાર્થો ન આપવાનું સૂચવાય છે. જો પિત્તસ્થાયી કમળાનો તબક્કો હોય તો તૈલી પદાર્થોને પચાવી શકાતા નથી અને ઝાડા થાય છે. તેથી તેમને આપવામાં આવતા નથી. તીવ્ર કમળો હોય તો 30 ગ્રામ જેટલા તૈલી પદાર્થો અપાય, પરંતુ મધ્યમ સ્તરના કમળામાં 50થી 60 ગ્રામ જેટલા પ્રમાણમાં તેલ-ઘી અપાય છે. તેને કારણે વજનમાં ઘટાડો ઓછો થાય છે અને પુન:સ્વાસ્થ્યપ્રાપ્તિ ઝડપી બને છે. કાર્બોદિત પદાર્થો પૂરતા પ્રમાણમાં અપાય છે. શરૂઆતમાં ઊબકા-ઊલટી હોય ત્યારે નસ વાટે ગ્લુકોઝ અપાય છે. જ્યારે દર્દી મોં વાટે ખોરાક લેવા માંડે ત્યારે ફળો, તેમનો રસ, ખાંડ, ગોળ, મધ, બિસ્કિટ, શાકભાજી, પાંઉ તથા ટોસ્ટના રૂપમાં કાર્બોદિત પદાર્થો અપાય છે. તેની મદદથી કૅલરી તથા ક્ષારો મળી રહે છે. જેમને મધુપ્રમેહ હોય કે તે થવાની સંભાવના હોય તેમનામાં સાવચેતી રાખવી પડે છે. નસ વાટે ગ્લુકોઝ અપાતો હોય ત્યારે ક્ષારો અને આયનો અંગે ખાસ ધ્યાન અપાય છે.

યકૃતશોથ–એનું પૂર્વનિવારણ : યકૃતશોથ એ થયો હોય તેવા દર્દીના ઘરનો સતત પૂરો સંપર્ક ધરાવતી વ્યક્તિઓને પ્રતિરક્ષાગ્લોબ્યુલિન(immunoglobulin) આપવાનું સૂચવાય છે. યકૃતશોથ–એ જે વિસ્તારમાં વસ્તી-સ્થાયી (endemic) રૂપે જોવા મળતો હોય તે વિસ્તારના રહીશો તથા પ્રવાસીઓને આપી શકાય તેવી 2 પ્રકારની અસક્રિયકૃત વિષાણુ વડે બનાવેલી રસીઓ ઉપલબ્ધ છે. આવી રીતે યકૃતના લાંબા ગાળાના દર્દીઓ (કે જેઓમાં હજુ યકૃતીય નિષ્ફળતા ઉદભવી ન હોય), વારંવાર લોહી કે નસ વાટે દવાઓ લેતા દર્દીઓ, સ્વજાતીય લૈંગિક સંસર્ગ ધરાવનારાઓ (homosexuals), નશાકારક દવા લેનારા, જાહેર સફાઈ-કામદારો, આહારી દ્રવ્યોના ઉત્પાદન અને વિતરણમાં કાર્ય કરનારા તથા બાળકોની સંભાળ રાખનારાઓને પણ યકૃતશોથ–એની રસી લેવાનું સૂચવાય છે. જ્યાં યકૃતશોથ–એનું પ્રમાણ વધુ રહે છે ત્યાં સામાન્ય રસીકરણ-કાર્યક્રમમાં પણ તેનો સમાવેશ કરાય છે. સામાન્ય રીતે 1 વર્ષ પછી ફરીથી બળવર્ધક માત્રા (booster dose) રૂપે તે રસી અપાય છે.

યકૃતશોથબીનું પૂર્વનિવારણ : યકૃતશોથ બીનો ચેપ લાગ્યાના 7 દિવસમાં ભારે માત્રામાં યકૃતશોથ બી પ્રતિરક્ષા-ગ્લોબ્યુલિન (hepatitis B immunoglobulin, HBIG) આપવામાં આવે તો રોગની તીવ્રતા ઘટે છે. સામાન્ય રીતે પછી રસી આપવામાં આવે છે. સામાન્ય રીતે ચામડી કે શરીરની અંદરની શ્લેષ્મકલા(mucosa)માં કાપ હોય અને તેના દ્વારા ચેપ લાગ્યો હોય અથવા લૈંગિક સંસર્ગ દ્વારા આવો ચેપ ફેલાયો હોય તો (HBIG) આપવાનું સૂચવાય છે. HBsAg-ધારક માતાના નવજાત શિશુને પણ તે અપાય છે. યકૃતશોથ–બીની રસી પુન:સંયોજન (recombinant) દ્વારા સંપ્રાપ્ત કરાય છે. સામાન્ય રીતે મૂત્રપિંડની નિષ્ફળતાવાળા જે દર્દીઓને લાંબા સમય માટે પારગલન કરાતું હોય, જેઓ તેમની સારવારમાં જોડાયેલા હોય, જેઓ સ્વજાતીય લૈંગિક વ્યવહાર કરતા હોય, HBsAg માતા દ્વારા જન્મેલા નવજાત શિશુ હોય, તબીબી અને નર્સિંગના વિદ્યાર્થીઓ હોય, નિદાનીય પરીક્ષણશાળા(clinical laboratory)માં કાર્ય કરનારા હોય તેઓને આ રસી આપવાનું સૂચવાય છે. જોકે આ રીતે HBsAgનું વસ્તીપ્રમાણ ઘટતું જોવા મળ્યું નથી તેથી હવે બાળકોના સર્વસામાન્ય રસીકરણ કાર્યક્રમ(universal vaccination programme)માં તેનો સમાવેશ કરાય છે. રસી મેળવનારાઓમાંના 90 %માં સંરક્ષણાત્મક રુધિરસ્તર (titres) જોવા મળે છે. સામાન્ય રીતે 1 મહિને તથા 6 મહિને ફરીથી રસી મુકાય છે. જ્યાં બધાં જ નવજાત શિશુઓને રસી મૂકવામાં આવે છે, તેવા વિસ્તારોમાં યકૃતકોષીય કૅન્સરનું પ્રમાણ ઘટ્યું છે.

પૂર્વાનુમાન (prognosis) : મોટાભાગના કિસ્સામાં 3થી 16 અઠવાડિયાંમાં ઉગ્ર હુમલો શમે છે અને રોગ સંપૂર્ણપણે મટે છે. જોકે ક્યારેક યકૃત-દુષ્ક્રિયાશીલતા સૂચવતાં પરીક્ષણો લાંબો સમય સુધી ટકી રહે છે; પરંતુ તે પણ મોટાભાગે સામાન્ય સ્તરે આવી જાય છે. યકૃતશોથ એમાં દીર્ઘકાલી તબક્કો નથી. જોકે ક્યારેક તે 1 વર્ષ સુધી ટકે છે. તેને કારણે 0.2 %માં મૃત્યુ નીપજે છે. યકૃતશોથ બીને કારણે 0.1 %થી 1.0 % દર્દીઓ મૃત્યુ પામે છે. જો તેની સાથે યકૃતશોથ–ડી હોય તો મૃત્યુદર વધે છે. યકૃતશોથ-સી ભાગ્યે જ આક્રમક હોય છે. સગર્ભા સ્ત્રીને HIV(એઇડ્ઝ નામનો રોગ કરતાં વિષાણુ)ના ચેપની સાથે યકૃતશોથ ઈ થાય તો મૃત્યુદર વધીને 10 % – 20 % થાય છે. જો એમીનોટ્રાન્સફરેઝ ઉત્સેચકો 6 મહિનાથી વધુ સમય માટે વધેલા રહે તો તે દીર્ઘકાલી યકૃતશોથ સૂચવે છે. યકૃતશોથ બીના સામાન્ય પ્રતિરક્ષા ધરાવતા દર્દીઓમાંથી 1 %થી 2 % દર્દીઓને તે થાય છે, પરંતુ પ્રતિરક્ષામાં ઘટાડો હોય તેવા પુખ્ત વયના દર્દીઓમાં તેનું પ્રમાણ વધે છે. નવજાત તથા અન્ય શિશુઓમાં તેનું પ્રમાણ 90 % જેટલું હોય છે. યકૃતશોથ સીના 80 % દર્દીઓમાં દીર્ઘકાલી યકૃતશોથ થાય છે. દીર્ઘકાલી યકૃતશોથ બીના 40 % દર્દીઓ અને દીર્ઘકાલી યકૃતશોથ સીના 30 % દર્દીઓમાં યકૃતકાઠિન્ય (cirrhosis) થાય છે અને જો તે બંને સાથે હોય કે HIVનો ચેપ લાગેલો હોય તો યકૃતકાઠિન્યનું પ્રમાણ વધે છે. યકૃતકાઠિન્યવાળા 3 %થી 5 % દર્દીઓમાં યકૃતકોષીય કૅન્સર થાય છે. યકૃતશોથ બીના યકૃતકાઠિન્ય વગરના, પરંતુ સક્રિય વિષાણુ-પુન:સંખ્યાવૃદ્ધિ થતી હોય તેવા દર્દીઓમાં પણ યકૃતકોષીય કૅન્સરનું પ્રમાણ વધુ રહે છે.

નિલય મહેતા

શિલીન નં. શુક્લ