યંત્ર (machine) : નિર્ધારિત ગતિ આપવા ઉપરાંત પ્રાપ્ય યાંત્રિક શક્તિને સુધારી નિર્ધારિત કાર્યમાં તેનું પ્રેષણ કરી શકે તેવું સાધન. આમાં ઉચ્ચાલન, ચક્ર, ગરગડી, સ્ક્રૂ જેવાં સાદાં યંત્રોથી માંડીને આધુનિક ગાડીઓમાં વપરાતાં એન્જિનોનો પણ સમાવેશ થાય. યંત્રોનાં દેખાવ, કદ અને કાર્ય વિવિધ અને વ્યાપક હોય છે. પેપર-પંચ મશીનથી માંડીને હવાઈ જહાજ સુધીનાં જાતજાતનાં યંત્રો કાર્યરત હોય છે. ગમે તેટલું મોટું યંત્ર હોય, તોપણ તેને ઘટકોમાં વિભાજિત કરી, પૃથક્કરણ કરીને તેનું કાર્ય સમજી શકાય છે.

યંત્રનું કાર્ય બળ અથવા ગતિને સુધારવાનું અથવા પ્રેષણ કરવાનું હોય છે. બધાં યંત્રોમાં આદાન (input) અને પ્રદાન(output)ની વ્યવસ્થા હોય છે. જે યંત્રોમાં આદાનશક્તિ પ્રાકૃતિક સ્રોતો (natural sources) જેવા કે વાયુપ્રવાહ (હવા), જળપ્રવાહ, કોલસો, ડીઝલ, પેટ્રોલ કે યુરેનિયમના સ્વરૂપમાં હોય અને તેની શક્તિનું છેવટે યાંત્રિક શક્તિમાં રૂપાંતર થતું હોય તેવાં યંત્રો કે યંત્રોના સમૂહને પ્રચાલક (prime movers) કહેવાય. વરાળયંત્રો, અંતર્દહન એન્જિનો, ટર્બાઇનો, પવનચક્કી વગેરે પ્રચાલકો છે. પ્રચાલકોમાં આદાનશક્તિનું સ્વરૂપ (સ્રોત) બદલાતું રહે, પરંતુ પ્રદાન તો મુખ્યત્વે યાંત્રિક શક્તિ જ હોય છે. આ પ્રદાનશક્તિનો ઉપયોગ વીજપ્રવાહ ઉત્પન્ન કરતાં જનરેટર ચલાવવામાં, વાયુને દબાણ આપતાં કોમ્પ્રેસર ચલાવવામાં કે પ્રવાહીને દબાણ આપતા પંપ ચલાવવામાં થાય છે.

યંત્રો (વસ્ત્ર-ઉત્પાદન માટેનાં)

કોઈ પણ મશીનને મુખ્ય બે પેટાભાગો(સબસિસ્ટમ)માં વહેંચી શકાય. પ્રથમ ભાગમાં પ્રચાલક અને બીજો ભાગ એ મશીન ખરેખર જે કામ કરવાનું હોય તેને લગતો (તે માટેનો) ભાગ. મોટરકારમાં પેટ્રોલ

કે ડીઝલ તેલ મૂળ શક્તિસ્રોત છે. પેટ્રોલ કે ડીઝલ એન્જિન ઈંધણ(પેટ્રોલ/ડીઝલ)નું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે છે. આ થયો પહેલો ભાગ. બીજા વિભાગમાં એન્જિનના ક્રૅન્કશાફ્ટમાંથી ક્લચ, ગિયર, ટ્રાન્સમિશન શાફ્ટ અને છેલ્લે મોટરકારનાં પૈડાં સુધી ગતિ અને શક્તિનું સંચારણ થાય છે. આમ કોઈ પણ મશીનમાં મુખ્ય બે વિભાગો હોય છે : સાદાં ચાવીવાળાં રમકડાંમાં ચાવી આપી સ્પ્રિંગમાં શક્તિ-સંચય કરીએ તે પ્રથમ પેટાવિભાગ અને સ્પ્રિંગની શક્તિમાંથી દાંતાઓ ફરે અને છેવટે રમકડાને ગતિ મળે તે થયો બીજો પેટાવિભાગ.

યંત્રમાં જુદા જુદા ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેની ચોક્કસ ગોઠવણી અને પદ્ધતિ(mechanism)ને કારણે ભાગો એવી રીતે ગતિ કરે છે કે અન્યોન્યની સાપેક્ષમાં તેમની ગતિ નિરુદ્ધ (constrained) હોય છે અને તે કારણે જ નિર્દિષ્ટ (અપેક્ષિત) ગતિ પ્રદાનમાં મળી રહે છે.

યંત્રોના પ્રચાલન (operation) માટે બળ અને ગતિ જરૂરી છે. અમુક યંત્રો બળ સુધારનાર, અમુક ગતિ સુધારનાર અને અમુક બંને સુધારનાર હોય છે. ગિયરબૉક્સ ગતિની વધઘટ માટે, ઉચ્ચાલનો ઓછા બળથી વધુ ભાર ઊંચકવા માટે, ઘડિયાળો તેમજ અન્ય માપક યંત્રો બળ નહિ, પરંતુ ગતિ સુધારવા માટે વપરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ