યંત્ર-શસ્ત્ર-પરિચય

January, 2003

યંત્ર-શસ્ત્ર-પરિચય : આયુર્વેદવિજ્ઞાન માનવજીવનનું એક શ્રેષ્ઠ વિજ્ઞાન છે, જેમાં સ્વસ્થને સ્વસ્થ રહેવાનું, રોગીને ફરી સ્વસ્થ કરવાનું અને દીર્ઘાયુ જીવન આપતું જ્ઞાન છે. ચિકિત્સા ત્રણ પ્રકારની છે : મંત્રચિકિત્સા, ઔષધિચિકિત્સા અને શલ્ય-શાલાક્ય(વાઢકાપ, સર્જરી)ની ચિકિત્સા.

આયુર્વેદવિજ્ઞાનમાં પ્રાચીન કાળમાં પણ સર્જરી કે વાઢકાપની વિદ્યા ખૂબ ઉન્નત કક્ષાએ હતી. ખાસ કરી મહાભારતના યુદ્ધમાં વૈદ્યો ઘાયલ સૈનિકોનો ખૂબ કુશળતાપૂર્વક ઇલાજ કરતા હતા. આયુર્વેદની ‘સુશ્રુતસંહિતા’ આજે પણ આયુર્વેદિક સર્જરીનો મહાન ગ્રંથ, આધુનિક સર્જ્યનો માટે પણ પ્રેરણારૂપ રહ્યો છે.

સુશ્રુતે પોતાની સંહિતાના સૂત્રસ્થાનના 7મા તથા 8મા અધ્યાયોમાં અને મહર્ષિ વાગ્ભટ્ટે ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના સૂત્રસ્થાનના 25 અને 26મા અધ્યાયોમાં આયુર્વેદિક ચિકિત્સકો સર્જરી માટે વાપરતા હતા તે યંત્રો તથા શસ્ત્રોનું ઘણી વિગતથી વર્ણન અને માર્ગદર્શન આપેલું છે, જે માટે જિજ્ઞાસુઓએ આ મૂળ ગ્રંથો જોવા જોઈએ.

યંત્રપરિચય : આયુર્વેદમાં ચિકિત્સાકાર્યમાં વપરાતાં યંત્રોની વ્યાખ્યા આ મુજબ કરાઈ છે : શરીરના કોઈ પણ ભાગમાં રહીને નડતાં કે પીડા કરતાં વિકૃત અંગો કે બહારથી દાખલ થયેલ વસ્તુ(શલ્ય)ને બહાર ખેંચી કાઢવાનું કે વાઢકાપમાં ઉપયોગી બનતું ચિકિત્સકીય પ્રસાધન તે ‘યંત્ર’. આવાં યંત્રો શરીરમાં થયેલાં હરસ-ભગંદર, ગડ-ગૂમડાં, રસોળી જેવાં વિકૃત અંગો કે રૂપોને કાપવા કે ક્ષારકર્મ, અગ્નિકર્મ (ડામ દેવો) કે એનિમા (બસ્તિ) દેવી, લોહી ખેંચવું, પાટો બાંધવો જેવી ક્રિયાઓમાં વપરાતી ચીજવસ્તુઓ ‘યંત્રો’ છે.

યંત્રો અસંખ્ય હોય છે. આકાર અને કાર્ય પરત્વે યંત્રોના અનેક પ્રકારો પડે છે. સુશ્રુતે યંત્રોના આકાર પરત્વે મુખ્યત્વે 6 પ્રકારનાં યંત્રો આ મુજબ ગણાવ્યાં છે :

(1) સ્વસ્તિક (પકડ જેવાં) યંત્રો 24
(2) સંદંશ (સાણસી જેવાં) યંત્રો 2
(3) તાલયંત્ર 2
(4) નાડી (ભૂંગળી જેવાં) યંત્રો 20
(5) શલાકા (સળી-પ્રોબ) યંત્રો 28 અને
(6) ઉપયંત્રો 25

મળી કુલ 101 યંત્રો. આ ઉપરાંત વૈદ્ય પોતાની બુદ્ધિ અનુસાર આવશ્યકતા અનુસાર નવાં યંત્રો બનાવીને વાપરી શકે છે. વાગ્ભટ્ટે પોતાના ગ્રંથમાં સુશ્રુતોક્ત યંત્રો ઉપરાંત તાલયંત્ર, મુચુંડી (સમાણી), અંગુલિપ્રાણ યંત્રો, યોનિવ્રણેક્ષણ યંત્ર, નાડીવ્રણપ્રક્ષાલક યંત્ર, શૃંગ (રૂમડી), અલાબુ (તૂમડી, કપિંગ ગ્લાસ), ઘટી (કુલડી) તથા શંકુ (આંકડા) જેવાં બીજાં અનેક યંત્રોનું વર્ણન કરેલું છે.

આ ચિકિત્સકીય યંત્રોની કામગીરી કે કાર્યો : અંગ કે અસ્થિ મચડવાં-વાળવાં, ઊંચાં-નીચાં કરવાં, ક્ષાર કે દ્રવ ઔષધિ રેડવી કે શરીરમાં દાખલ કરવી, દેહની દોષ-શુદ્ધિ કરવી, સ્થાનચ્યુત અંગોને ફરી મૂળ સ્થાને ગોઠવી પાટા બાંધવા કે દોષો બહાર કાઢી નાંખવા, બાંધવું, વાળવું, ચૂસવું, ઊંચું ઉપાડવું, હચમચાવવું, ભાંગવું, સીધું કરવું કે ગોળ ફેરવવું.

આમ, યંત્રો ચિકિત્સાકાર્યમાં ખૂબ ઉપયોગી સાધનો પ્રાચીન કાળે પણ હતાં અને આજે પણ છે. જરૂર હોય છે, તેનો ઉપયોગ કરનાર જાણકારની.

શસ્ત્રપરિચય : સુશ્રુતે તથા વાગ્ભટ્ટે શરીરનો રોગ દૂર કરવા માટે કરાતી ચીરફાડ કે સર્જરી (ઑપરેશન) માટે વપરાતાં સાધનોને ‘ચિકિત્સકીય શસ્ત્રો’ કહેલાં છે. ઈ.પૂ.માં પણ ભારતમાં સર્જરી વિદ્યા એટલી ઉન્નત કક્ષાએ હતી કે વિશ્વમાંથી અનેક દેશોમાંથી જ્ઞાનપિપાસુ લોકો આ વિદ્યા શીખવા ભારતમાં આવતા. માથાના એક વાળને પણ કાપી શકે એવાં અને માથાની ખોપરીને ખોલીને તેની સર્જરી કરી શકે તેવાં શસ્ત્રો ભારતીય વૈદ્યો પાસે હતાં. આ શસ્ત્રો ઊંચી ગજવેલ (સ્ટીલ), લોખંડ, હાથીદાંત, સુવર્ણ કે વાંસ અથવા લાકડામાંથી બનાવેલાં હતાં. આ શસ્ત્રો આધુનિક સર્જરીનાં સાધનો જેવાં ઉચ્ચ કક્ષાનાં, મજબૂત અને કાર્યસાધક હતાં. શસ્ત્રોનો ઉપયોગ આઠ પ્રકારનાં કાર્યોમાં નીચે મુજબ થતો :

1. મંડલાગ્ર અને કરપત્ર છેદન-લેખન(ખોતરવા)ના કાર્ય માટે; 2. વૃદ્ધિપત્ર, નખશસ્ત્ર, મુદ્રિકા, ઉત્પલપત્ર તથા અર્ધધાર કાપવા-ભેદવા માટે; 3. સૂચિ (સોય) સાંધવા; 4. કુશપત્ર, આરીમુખ, શરારીમુખ, અંતર્મુખ તથા ત્રિકૂર્ચક દોષો વહાવવા-ખેંચવા-કાઢવા માટે; 5. કુઠારિકા, વ્રીહિમુખાદિ, કરપત્ર (કરવત) કાપવા તથા વીંધવા માટે; 6. બડિશ, દન્તશંકુ વગેરે મેલ-દોષાદિ દૂર કરવા કે ખેંચવા માટે; 7. એષણી અનુલોમન કાર્ય માટે; કાતર (કર્તરી) કાપવા માટે; નખશસ્ત્ર (નરેણી) ઇત્યાદિ.

આમ હજારો વર્ષ પૂર્વે ભારતમાં શસ્ત્રક્રિયા (surgery) માટે જે યંત્ર-શસ્ત્રો વપરાતાં હતાં, તેના પ્રકારો અને ઉપયોગ જોતાં, તે આધુનિક સર્જરીની સમકક્ષામાં આવી શકે તેવાં હતાં. આજની આખી પ્લાસ્ટિક સર્જરીનું આખું મૂળ આયુર્વેદમાં પડ્યું છે. યુદ્ધમાં ઘાયલ થયેલાની તેમજ અંગ કપાયેલા દર્દીઓને કૃત્રિમ અંગો બેસાડી દેવાની  પણ ચિકિત્સા થતી હતી તેમજ માથાની શસ્ત્રક્રિયા (head surgery) પણ થતી હતી.

જોકે આજે ભારતમાં કાળબળપ્રભાવે હરસ, મસા, ભગંદર, સાયૅટિકા, ગડ-ગૂમડાં-વ્રણ-અપચી જેવાં ઓછાં જોખમકારી દર્દોમાં અને કેટલાક નેત્રરોગો તથા દંતરોગોમાં (5થી 10 ટકા જેટલા) મર્યાદિત પ્રમાણમાં જ આયુર્વેદિક શસ્ત્રક્રિયાનું કામ પ્રચલિત છે. આજે (2002માં) આયુર્વેદની પ્રાચીન સર્જરી કલા અસ્તિત્વમાં નથી રહી. પરંતુ આજના સર્જ્યનો જો આયુર્વેદના સર્જરીના ગ્રંથો વાંચશે, તો તેમને ઘણું નવું ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થાય તેવી સજ્જતા તેમાં છે; તે વાત યંત્ર-શસ્ત્રોનાં નામપ્રકાર સાબિત કરે છે.

 બળદેવપ્રસાદ પનારા