યંગ, સાઈ (જ. 29 માર્ચ 1867, ગિલ્મોર, ઓહાયો, અમેરિકા; અ. 4 નવેમ્બર 1955, ન્યૂકમર્સટાઉન, ઓહાયો) : બેઝબૉલની રમતના અગ્રણી અમેરિકન ખેલાડી. મૂળ નામ ડેન્ટન ટ્રુ યંગ.
લીગકક્ષાની મહત્વની મૅચમાં રમવાનો પ્રારંભ તેમણે 1890માં કર્યો. આ જમણેરી ખેલાડીએ 22 વર્ષની (1890–1911) તેમની રમત-કારકિર્દી દરમિયાન 5 ટીમ માટે દડા-ફેંક ખેલાડી (pitcher) તરીકેની કામગીરી બજાવી. આ સુર્દઢ બાંધાના ખેલાડીની ઊંચાઈ 1.8796 મીટર (6 ફૂટ 2 ઇંચ) અને વજન 94.50 કિગ્રા. (210 રતલ) હતું. કુલ 16 સીઝન(તેમાંની 14 સળંગ સીઝન)માંની પ્રત્યેક સીઝનમાં તેઓ 1891–1894 દરમિયાન કુલ 20 રમતોમાં વિજેતા બન્યા. પછીનાં 5 વર્ષોમાં તેઓ 30 કરતાં વધુ રમતોમાં વિજેતા બન્યા. તેમની કારકિર્દી દરમિયાન તે સંપૂર્ણપણે રમાયેલી 749 રમતોમાં દડા-ફેંક ખેલાડી તરીકે રમ્યા અને 511 રમતોમાં વિજેતા નીવડ્યા. આ બંને સંખ્યાઓ વિક્રમરૂપ છે.
1937માં તેઓ ‘બેઝબૉલ હૉલ ઑવ્ ફેમ’ માટે પસંદ થયા. તેમની યાદમાં 1956થી ‘સાઈ યંગ ઍવૉર્ડ’ દર વર્ષે આપવામાં આવે છે. આ સન્માન રાષ્ટ્રકક્ષાના અમેરિકન દડા-ફેંક ખેલાડીને અને 1967થી પ્રત્યેક લીગકક્ષાના ખેલાડીને પણ અપાય છે.
મહેશ ચોકસી