યંગ, લોરેટા (જ. 6 જાન્યુઆરી 1913, સૉલ્ટ લેક સિટી; અ. 12 ઑગસ્ટ 2000, કૅલિફૉર્નિયા) : ચલચિત્રો અને ટેલિવિઝનમાં સુદીર્ઘ કારકિર્દી ધરાવતાં અભિનેત્રી. તેમનું મૂળ નામ ગ્રેચન મિશેલા યંગ હતું. માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતા વચ્ચે વિચ્છેદ થતાં માતા ત્રણેય દીકરીઓને લઈને હૉલિવુડ આવ્યાં અને એક બૉર્ડિંગહાઉસ શરૂ કર્યું. ચાર વર્ષની ઉંમરે લોરેટાએ બાલકલાકાર તરીકે ચિત્રોમાં કામ શરૂ કરી દીધું હતું, જોકે પછી શાળામાં ભણતરને કારણે તેઓ દસેક વર્ષ અભિનયથી દૂર રહ્યાં હતાં; પણ આ દરમિયાન તેમની બે બહેનો પૉલી એન યંગ અને એલિઝાબેથ ઝેન પણ ચિત્રોમાં કામ કરવા માંડી હતી. એક દિવસ એક નિર્માતાએ તેમનાં બહેન પૉલીને એક ચિત્રમાં કામ કરવા માટે ફોન કર્યો, જે લોરેટાએ ઉપાડ્યો.
પૉલી ત્યારે ઘેર ન હોવાથી નિર્માતાએ એ ભૂમિકા લોરેટાને ભજવવા કહ્યું, જે તેમણે સ્વીકારી લીધું અને આમ ફરી વાર તેઓ અભિનયક્ષેત્રે આવી ગયાં. ‘નૉટી બટ નાઇસ’ (1927) નામના ચિત્રમાં કામ કરતી વખતે તેમનું નામ લોરેટા રખાયું હતું. એ પછી થોડા જ સમયમાં તેમને નાયિકાની ભૂમિકાઓ મળવા માંડી અને મૂકમાંથી સવાક્ ચિત્રોમાં આવ્યાં, પણ તેમને સંવાદ-અદાયગી વગેરે કોઈ અડચણો ન નડી. 1930ના દાયકામાં તેમની ગણના અગ્રણી કલાકારોમાં થવા માંડી હતી. પછી તેઓ ટ્વેન્ટિએથ સેન્ચુરી ફૉક્સ સાથે જોડાયાં. તેમનું અપ્રતિમ સૌંદર્ય અને સંઘેડાઉતાર ચહેરાને કારણે તેમને મોટાભાગે રોમૅન્ટિક ભૂમિકાઓ મળતી, તેમ છતાં જ્યારે પણ તક મળી ત્યારે તેમણે પોતાની અભિનયક્ષમતા પુરવાર કરવામાં કંઈ બાકી ન રાખ્યું. 1947માં ‘ફાર્મર્સ ડૉટર’ ચિત્રમાં એક કિસાનકન્યાની ભૂમિકામાં તેમણે એવો જીવ રેડી દીધો હતો કે તેમને એ વર્ષે આ ચિત્ર માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. ‘રાચેલ ઍન્ડ સ્ટ્રેન્જર’ (1948), ‘કમ ટુ ધ સ્ટેબલ’ (1949, આ ચિત્ર માટે તેમને ઑસ્કરનું શ્રેષ્ઠ અભિનેત્રીનું નામાંકન મળ્યું હતું) અને ‘કૉઝ ફૉર ઍલાર્મ’ (1951) તેમનાં નોંધપાત્ર ચિત્રો હતાં. 1953માં ચિત્રોને અલવિદા કરીને તેમણે એ સમયે ઝડપભેર પાંગરી રહેલા નવા ક્ષેત્ર ટેલિવિઝનમાં કારકિર્દી શરૂ કરી. ટેલિવિઝન પર તેમનો ‘ધ લોરેટા યંગ શો’ ટીવી-કાર્યક્રમોના ઇતિહાસમાં સફળતમ કાર્યક્રમોમાંનો એક ગણાય છે, સતત આઠ વર્ષ આ કાર્યક્રમ ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં તેઓ પ્રારંભે આવીને ઘટના અંગે ટિપ્પણી કરતી ઉદઘોષણા કરતાં, વળી આ જ કાર્યક્રમમાં અનેક વખત તેમણે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી અને ત્રણ વખત પ્રતિષ્ઠિત ‘એમ્મી’ ઍવૉર્ડ પણ મેળવ્યો હતો. પ્રથમ વાર 1931માં અભિનેતા ગ્રાંટ વાઇધર અને એ પછી નિર્માતા-દિગ્દર્શક ટૉમસ લૂઇસ સાથે લગ્ન કર્યાં હતાં અને આ બંને લગ્નો છૂટાછેડામાં પરિણમ્યાં હતાં. 1961માં તેમણે ‘ધ થિંગ્સ આઈ હૅડ ટુ લર્ન’ પુસ્તકમાં પોતાનાં સ્મરણો આલેખ્યાં છે. છેલ્લે 1986માં એક ટીવી-પ્લે ‘ક્રિસમસ ઈવ’માં તેમણે કામ કર્યું હતું.
હરસુખ થાનકી