મ્યૂલર જોહાનેસ પીટર (જ. 7 એપ્રિલ 1801, કૉબ્લેન્ઝ; અ. 28 એપ્રિલ 1858, બર્લિન) : જર્મન દેહધર્મવિજ્ઞાની. ગર્ભવિજ્ઞાનના એક સ્થાપક તેમજ દરિયાઈ પ્રાણીશાસ્ત્રના અભ્યાસની પહેલ કરનાર ખ્યાતનામ વિજ્ઞાની.

મ્યૂલરે, ઈ. સ. 1823માં બૉન વિશ્વવિદ્યાલયની આયુર્વિજ્ઞાનની ઉપાધિ પ્રાપ્ત કરી. તેનાં શરૂઆતનાં સંશોધનો સસ્તનોની દેહધર્મવિદ્યા તેમજ પેશીવિજ્ઞાનના ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. રોગ-વિજ્ઞાન(pathology)ના અભ્યાસમાં એક અગત્યના સાધન તરીકે તેઓ સૂક્ષ્મદર્શક વાપરવા લાગ્યા. સંવેદનો (sensations) ચેતાઓની ક્રિયાશીલતા પર આધારિત હોય છે તે માન્યતા ધરાવીને મ્યૂલરે આ ક્ષેત્રે નોંધપાત્ર સંશોધનો કર્યાં છે.

ઈ. સ. 1826માં તેઓ બૉન વિશ્વવિદ્યાલયના દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક તરીકે નિમાયા. તે જ વર્ષે મ્યૂલરે દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, ગંધ જેવાં સંવેદનોની ગુણવત્તા, તે સંવેદનોથી ઉત્તેજિત થયેલી ચેતા પર આધારિત હોય છે તેવું પ્રતિપાદન કર્યું અને આ હકીકતને ‘સૂત્ર’ (formulation) રૂપે મૂકી. તેનું આ સૂત્ર ચેતાકીય દેહધર્મવિદ્યાનાં સંશોધનોના મૂળભૂત આધારરૂપ બની ચૂક્યું છે.

ઈ. સ. 1833માં મ્યૂલરની નિમણૂક બર્લિન વિશ્વવિદ્યાલયના શારીરિકી અને દેહધર્મવિદ્યાના તુલનાત્મક અધ્યયન-વિભાગના પ્રમુખ તરીકે થઈ. તેમણે સંવેદનશીલતા વિશેના ઘણા પ્રયોગો પોતાના શરીર પર કર્યા; પરંતુ આ પ્રયોગોની વિપરીત અસરને લીધે તેમની તબિયત અને માનસિક શક્તિ નબળી પડી અને તેઓ વારંવાર માંદગીના ભોગ બન્યા. પરિણામે તેઓ આવા પ્રયોગો કરવાનું બંધ કરી, પોતાનું ધ્યાન તુલનાત્મક શારીરિકી તેમજ ઉભયજીવીઓ અને  સરીસૃપોની ઉત્ક્રાંતિ તરફ વાળ્યું. તેમણે લખેલ ‘Handbook of human physiology’ ગ્રંથ પરથી માનવી શારીરિકી અને દેહધર્મ વિશેના તેમના અગાધ જ્ઞાનનો ખરેખરો ખ્યાલ આવે છે.

મ. શિ. દૂબળે