મ્યૂલર, ઑટો (જ. 16 ઑક્ટોબર 1874, લીબો, જર્મની; અ. 24 સપ્ટેમ્બર 1930, બ્રેસ્લાવ, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1890થી 1894 સુધી ગૉર્લિટ્ઝમાં લિથોગ્રાફર તરીકે તાલીમ લીધી, પણ અહીંના જડ અને નિયમપરસ્ત અભ્યાસમાળખાથી તેઓ કંટાળી ગયા. 1894થી 1896 સુધી ડ્રેસ્ડન એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1896માં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના પ્રવાસો કર્યા. આ દરમિયાન તેમને હૅન્સ ફૉન મારીસ (Hans von Marees) અને આર્નોલ્ડ બોક્લિનનાં ચિત્રોનું આકર્ષણ જાગ્યું. 1898થી ’99 સુધી મ્યૂનિક એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. અહીં તેમના અધ્યાપક ચિત્રકાર ફૉન સ્ટક (von Stuck) સાથે મતભેદ ઊભો થતાં મ્યૂનિક એકૅડેમી ઑવ્ આર્ટનો ત્યાગ કરી ડ્રેસ્ડન ચાલ્યા ગયા. 1908માં તેમણે બર્લિનને નિવાસસ્થાન બનાવ્યું. અહીં તેઓ શિલ્પી લેમ્બ્રક અને કવિ રિલ્કેના પરિચયમાં આવ્યા. 1910માં તેઓ બ્રુક નામના અભિવ્યક્તિવાદી કલાકારોના જૂથના સભ્ય બન્યા અને ‘ન્યૂ સેસેશન’ જૂથના સહસ્થાપક બન્યા. 1912માં તેમણે ‘સૉન્ડર્બન્ડ’ પ્રદર્શનમાં ભાગ લીધો, અને ચિત્રકાર કર્કનર (Kirchner) સાથે બોહીમિયાનો પ્રવાસ કર્યો. 1916થી 1918 સુધી સૈનિક તરીકે લશ્કરમાં જોડાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો. 1919માં કોઑપરેટિવ કાઉન્સિલ ફૉર આર્ટના સભ્ય બન્યા અને બ્રેસ્લાવ એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રોફેસર નિમાયા. 1924થી 1930 દરમિયાન ડૅલ્મેશિયા, બલ્ગેરિયા, હંગેરી અને રોમાનિયાનો અનેક વાર પ્રવાસ કર્યો. 1937માં નાઝી હકૂમતે તેમને ભ્રષ્ટ થયેલા ઘોષિત કર્યા અને જર્મનીનાં મ્યુઝિયમોમાં રખાયેલાં તેમનાં 357 ચિત્રોનો નાશ કર્યો.
મ્યૂલરની કલા બ્રુક જૂથના અન્ય ચિત્રકારો કરતાં ઘણી જુદી પડે છે. અન્ય ચિત્રકારોએ તત્કાલીન યુરોપના નગરજીવનનાં દૂષણો ચીતર્યાં છે. આનાથી ઊલટું, મ્યૂલરે નૈસર્ગિક પશ્ચાદભૂમાં પાતળા અને વિસ્તીર્ણ તથા પોતાનામાં જ મશગૂલ, મસ્ત પ્રેમી યુગલો અને નગ્ન મહિલાઓનાં વૃંદો આલેખ્યાં છે. જોકે મ્યૂલરનાં ચિત્રો રતિ-ભાવનું નહિ, પણ શાંત ભાવનું ઉદ્દીપન કરે છે. મ્યૂલરનાં ચિત્રોમાં રંગો ભડકીલા નહિ, પણ સૌમ્ય છે. તેમણે ઘણાં ચિત્રોમાં ડિસ્ટેમ્પર રંગો વાપર્યા છે, જેથી તૈલચિત્ર જેવી ચળકતી નહિ, પણ સૂકી-ઝાંખી સપાટી ઊપસી આવે છે. આ પદ્ધતિથી તેમણે બર્લિન અને બ્રેસ્લાવમાં કેટલાંક ભીંતચિત્રો પણ તૈયાર કરેલાં, પરંતુ આજે તે બધાં જ નાશ પામ્યાં છે. યુદ્ધમાં રણમોરચે 4 વરસ સૈનિક તરીકેનો અનુભવ હોવા છતાં તેમનાં ચિત્રોમાં યુદ્ધની વરવી વાસ્તવિકતા અને માનવજીવનની યાતનાઓનું ચિત્રણ જોવા નથી મળતું. યુદ્ધ પછીની કેટલીક ચિત્રકૃતિઓમાં રખડુ વ્યક્તિઓનું નિરૂપણ જોવા મળે છે.
અમિતાભ મડિયા