મ્યૂનિક (Munich or Munchen) : બર્લિન અને હૅમ્બર્ગ પછીના (ત્રીજા) ક્રમે આવતું જર્મનીનું મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 48° 08´ ઉ. અ. અને 11° 34´ પૂ. રે.. તે જર્મનીના અગ્નિ ભાગમાં બવેરિયાના મેદાની વિસ્તારમાં ઈસર નદી પર આવેલું છે. બવેરિયાનું તે વડું વહીવટી મથક (પાટનગર) છે. તેનું જર્મન નામ મ્યુકેન (Miichen) છે, જેનો અર્થ થાય છે ‘સાધુઓનું સ્થાન’ (Place of Monks). પરંપરા કહે છે કે આ સ્થળનું ‘મ્યુકેન’ નામ આપણને આઠમી સદી સુધી પાછળ લઈ જાય છે, કારણ કે અહીં તે વખતે મઠની એક સમૃદ્ધ વસાહત સ્થાપવામાં આવેલી. ઈસર નદી મ્યૂનિક શહેરમાં થઈને પસાર થાય છે અને ડૅન્યુબ નદીને મળે છે. આ શહેર ઑસ્ટ્રિયા અને ઇટાલી વચ્ચેની સરહદ પરના આલ્પ્સ પર્વત પરના બ્રેનર ઘાટથી 160 કિમી. કરતાં ઓછા અંતરે આવેલું છે. તેના આ વિશિષ્ટ સ્થાનને કારણે તે ઉત્તર અને દક્ષિણ યુરોપ માટે ભેગા થવાના જંકશન સમું બની રહેલું છે.
ઉદ્યોગો : મ્યૂનિક જર્મનીનું આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ઘણું જ મહત્વનું મથક બની રહેલું છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં વીજળી અને વીજાણુ સાધનો, અત્યંત ચોકસાઈ ધરાવતાં વૈજ્ઞાનિક-પ્રકાશીય સાધનો, યાંત્રિકો, ઓજારો, ખાદ્ય-પ્રક્રમણ, છાપકામ અને પ્રકાશન, રસાયણો તેમજ કાપડ-ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મ્યૂનિક તેની દારૂ ગાળવાની ભઠ્ઠીઓ માટે જાણીતું છે. અગાઉના સમયમાં આ શહેર તેની હસ્તકારીગરીની ચીજવસ્તુઓ તેમજ દેવળોની બારીઓ માટેના અભિરંજિત કાચના ઉત્પાદન માટે પણ ખૂબ વખણાતું હતું.
સંસ્કૃતિ–જોવાલાયક સ્થળો : મ્યૂનિકને સ્થાપત્ય અને કલાસમૃદ્ધ બનાવવા માટેનો યશ લુડવિગ પહેલા અને મૅક્સમિલિયન બીજા જેવા રાજાઓને ફાળે જાય છે. પંદરમી સદીના અંતિમ ભાગમાં બાંધેલું કેથીડ્રલ, રાજમહેલ અને જર્મન મ્યુઝિયમ જેવી ત્રણ ઇમારતો અહીં ખૂબ જ જાણીતી છે. આ ઉપરાંત આ શહેરમાં બીજાં ઘણાં દેવળો, ઘણા મહેલો અને અન્ય જાહેર ઇમારતો છે. જર્મન મ્યુઝિયમ તેમાં પ્રદર્શિત વિજ્ઞાન અને ટૅકનૉલૉજી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. સ્ટેટ લાઇબ્રેરીમાં દસ લાખ પુસ્તકો અને પચાસ હજારથી વધુ હસ્તપ્રતો છે. જર્મનીનું મોટામાં મોટું ‘નૅશનલ થિયેટર’ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બૉંબવર્ષાથી નાશ પામેલું, પરંતુ પાંચ વર્ષના પરિશ્રમ બાદ તેને તૈયાર કરીને 1963માં ફરીથી ખુલ્લું મૂકવામાં આવેલું છે. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જૂના કલાકારોનાં ચિત્રો ધરાવતું પિનોકોથેક (જૂનું સંગ્રહાલય), અર્વાચીન ચિત્રો ધરાવતું ન્યૂ પિનોકોથેક (નવું સંગ્રહાલય) તથા ગ્લાયપ્ટોથેક જેવાં જાણીતાં સંગ્રહાલયો પણ બૉંબવર્ષાથી નાશ પામેલાં. આ સંગ્રહાલયોમાંનાં કેટલાંક ખૂબ જ મૂલ્યવાન ચિત્રો અને શિલ્પોને બચાવી લેવાયેલાં, તે બધાંની પુનર્ગોઠવણી કરીને ફરીથી પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. અહીંની લુડવિગ-મૅક્સમિલિયન યુનિવર્સિટીમાં આશરે 25,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,
તેની લાઇબ્રેરીમાં સાત લાખ જેટલા ગ્રંથો છે. આ યુનિવર્સિટી 1471–72માં સ્થપાયેલી. તેને લૅન્ડશટ (ઇગ્નોલ્સ્ટેડ) ખાતે ખેસવી 1826માં મ્યૂનિક ખાતે લાવવામાં આવી. ઈશાન ભાગમાં ગાર્ચિગ ખાતે અણુ-સંશોધનમથક આવેલું છે.
ઇતિહાસ : 1158માં ડ્યૂક હેન્રી ધ લાયને મ્યૂનિકની સ્થાપના કરેલી. 1255માં તે ઉમરાવોના વંશની ગાદીનું મથક બનેલું. ત્યારે તે બવેરિયાના સ્વતંત્ર પાટનગર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. તેમણે સમગ્ર બવેરિયા પર 1918 સુધી શાસન કરેલું. મ્યૂનિક 1918ની નવેમ્બર ક્રાંતિનું સાક્ષી રહેલું. 1919થી બીજા વિશ્વયુદ્ધ સુધી તે નાઝીવાદની મજબૂત પકડનું સ્થળ બની રહેલું. 1923ના ઍડોલ્ફ હિટલરના ‘બિયર હૉલ પુત્શ’નું સ્થળ રહેલું. મ્યૂનિકમાં સામૂહિક સંમેલનોના માધ્યમથી હિટલરે સત્તા હાંસલ કરવા ક્રાંતિકારી પ્રયાસ કરેલો. 1938માં ગ્રેટ બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ અને જર્મનીએ મ્યૂનિક ખાતે ભેગાં મળીને 1991 પહેલાના ચેકોસ્લોવાકિયાનું સુદાતનલૅન્ડ જર્મનીને આપવાનો કરાર કરેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બૉંબવર્ષાથી આ શહેરના મોટા ભાગનો નાશ થયેલો; પરંતુ તે પછીથી આ શહેર તેની મૂળ પરંપરા મુજબ ફરીથી તૈયાર થયું છે. 1972માં અહીં યોજાયેલા ઉનાળુ રમતોત્સવ દરમિયાન પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશનના આતંકવાદીઓએ અહીં 11 ઇઝરાયલી ઍથ્લેટોની હત્યા કરેલી.
2009 મુજબ મ્યૂનિકની વસ્તી આશરે 13,27,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા