મ્યૂઑન (Muon) : ઇલેક્ટ્રૉન જેવો પણ તેના કરતાં વધુ દળ ધરાવતો મૂળભૂત કણ. કોઈ પણ મૂળભૂત કણ તેની અંદર તેના કરતાં નાનો એકમ ધરાવતો નથી. લેપ્ટૉન તરીકે ઓળખાતા મૂળભૂત કણોના પરિવારમાં મ્યૂઑનનો સમાવેશ થાય છે. લેપ્ટૉન પરિવારમાં ઇલેક્ટ્રૉનનો પણ સમાવેશ થાય છે. ઇલેક્ટ્રૉનની જેમ મ્યૂઑન પણ ઋણ વિદ્યુતભાર ધરાવે છે. મ્યૂઑનનું દળ આશરે 207me જેટલું હોય છે; જ્યાં me ઇલેક્ટ્રૉનનું દળ છે. મ્યૂઑન અસ્થાયી કણ છે અને તેનો ક્ષય થતાં ઇલેક્ટ્રૉન અને બીજા લઘુ કણોનું ઉત્સર્જન થાય છે.
જુદાં જુદાં બે જૂથો દ્વારા મ્યૂઑન 1957માં શોધાયો હતો. એક જૂથમાં યુ.એસ.ના કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના સી.ડી. એન્ડરસન અને એસ. એચ. નેડરમેયર હતા; અને બીજા જૂથમાં યુ. એસ.ની હાર્વર્ડ યુનિવર્સિટીના જે. સી. સ્ટ્રીટ અને ઈ. સી. સ્ટીવન્સન હતા.
આનંદ પ્ર. પટેલ