મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, ન્યૂયૉર્ક
March, 2002
મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, ન્યૂયૉર્ક (સ્થાપના 1869) : વિશ્વનું સૌથી મોટું નૅચરલ સાયન્સ મ્યુઝિયમ. શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોના પુરુષાર્થથી તે મહત્વનું સંશોધન-કેન્દ્ર બન્યું છે. તે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં સેન્ટ્રલ પાર્ક વેસ્ટ પર હારબંધ મકાનોમાં ગોઠવવામાં આવેલું છે. તેનાં પૂરક સંશોધન-મથકો હંટિંગ્ટન – ન્યૂયૉર્ક, લેક પ્લૅસિડ ફલા, પૉર્ટલ આરિઝ અને બહામામાં બિમિની ટાપુ પર આવેલાં છે.
આ મ્યુઝિયમની સ્થાપનામાં આલ્બર્ટ બિકમોર, થિયડૉર રૂઝવેલ્ટ અને અન્યનો મહત્વનો ફાળો છે. આ મ્યુઝિયમમાં માનવશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, કીટકવિજ્ઞાન, અશ્મિલ, સરીસૃપવિષયક શાસ્ત્ર, મત્સ્યવિદ્યા, ખનિજવિદ્યા, પક્ષીવિદ્યા ઉપરાંત કરોડ વિનાનાં પ્રાણીઓનો વિભાગ અને સસ્તન પ્રાણીઓનો વિભાગ જેવા વિવિધ વિભાગોને લગતા 18,00,000 નમૂનાઓ વિવિધ ખંડોમાં પ્રદર્શિત કરાયા છે. તેમાં 4,000 પક્ષીઓ, 600 ઉપરાંત પશુઓ અને 2,000 માછલીઓના નમૂના તથા 4,000 સસ્તન પ્રાણીઓનાં અસ્થિપિંજરો ગોઠવવામાં આવ્યાં છે. તેમાં લૉંગ સ્ટાર રુબિ–અતિસુંદર કીમતી હીરો, જુરાસિક કાળના મોટા કાચિંડા અને વિકરાળ ડાઇનોસૉરનાં અસ્થિ-પિંજરો ધ્યાનાકર્ષક છે.
તેમાં નૅચરલ હિસ્ટરી અંગેનું પુસ્તકાલય અને સંશોધન માટેની પ્રયોગશાળાઓ અંગેના 3,50,000 ગ્રંથો છે. આ ઉપરાંત હેડન પ્લૅનિટેરિયમ આ મ્યુઝિયમનો એક ભાગ બની રહ્યું છે તેમજ બૉન્ક્ષ પાર્કમાં બેનમૂન પ્રાણીસંગ્રહાલય આવેલું છે. 10,000 ગ્રંથો ધરાવતું ખગોળશાસ્ત્ર વિશેનું પુસ્તકાલય પણ સમૃદ્ધ છે. વળી, 15 મીટરના વ્યાસવાળું ખુલ્લું થિયેટર પણ તેમાં આવેલું છે.
બૉર્ડ ઑવ્ ટ્રસ્ટિઝ આ મ્યુઝિયમનું સંચાલન કરે છે. કુલ 600 ઉપરાંત કર્મચારીઓમાં 100 કર્મચારીઓ નિવાસી છે, જેમાં સંશોધકો અને અધ્યાપકોનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં નૅચરલ સાયન્સ વિશે સંશોધન, પ્રદર્શન અને શિક્ષણને લગતી પ્રવૃત્તિઓમાં વ્યાખ્યાનો, નિદર્શનો અને માર્ગદર્શન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે. તે ઉપરાંત રેડિયો કાર્યક્રમો તથા દૈનિકો મારફત અને સ્લાઇડ ચલચિત્ર દ્વારા અમેરિકા તથા પડોશી દેશોની હજારો વ્યક્તિઓને માહિતી અને સામગ્રી પૂરી પાડવામાં આવે છે. ‘અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી બુલેટિન’ અને ‘નૅચરલ હિસ્ટરી’ નામનાં સામયિક તેના તરફથી પ્રગટ કરવામાં આવે છે. મ્યુઝિયમમાં વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે. વર્ષે 30 લાખથી વધુ લોકો તેની મુલાકાત લે છે. 1877માં આ મ્યુઝિયમ કાયમી ધોરણે મેનહટ્ટન સ્ક્વેરમાં ખસેડવામાં આવ્યું હતું.
બળદેવભાઈ કનીજિયા