મૌલાના શકેબી (જ. 1557, ઇસ્ફહાન નજીક; અ. 1614, દિલ્હી) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ રિઝા છે. તેમના પિતા ખ્વાજા ઝહીરુદ્દીન અબ્દુલ્લાહ ઇસ્ફહાનના એક પ્રસિદ્ધ સંતપુરુષ હતા. મૌલાના જામીએ પણ તેમની કૃતિ ‘નફહાતુલ ઉન્સ’માં શકેબીના જીવનની થોડી વિગતો નોંધી છે.
મૌલાના શકેબી જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં ઇસ્ફહાનથી ખુરાસાન આવ્યા અને શીરાઝના અમીર તકીયુદ્દીન મોહંમદ પાસેથી શિક્ષણ મેળવ્યું. તેમણે ઘણો સમય મશહદમાં પણ ગાળ્યો. અહીંયાં તેમણે વિવિધ વિદ્યાઓ પ્રાપ્ત કરી અને સંગીતમાં પારંગત બન્યા. અહીં જ તેમનો પરિચય હકીમ સનાઈ અને વલી દશ્ત બયદી જેવા કવિઓ સાથે થયો. કવિ તરીકેની પ્રસિદ્ધિ પામ્યા પછી તેઓ હિંદ આવ્યા અને અબ્દુર્રહીમ ખાનેખાનાનના સંપર્કમાં આવ્યા અને શાહી દરબારમાં કવિ તરીકેની કાબેલિયતનો પ્રભાવ પાડ્યો. અબ્દુર્રહીમ ખાનેખાનાન તેમની કવિત્વ-શક્તિથી બહુ જ પ્રભાવિત થઈ ગયા. ‘થટ્ટા’ના વિજય પરની તેમની કૃતિની રચના બદલ ખાનેખાનાને 1,000 સોનામહોરની તેમણે ભેટ આપી હતી.
કેટલાક સમય પછી તે દક્ષિણમાંથી આગ્રા આવ્યા. મહોબતખાને જહાંગીરના દરબારમાં તેમને પ્રવેશ અપાવ્યો. જહાંગીરે તેમની ‘સદ્રે દેહલી’ના પદ પર નિયુક્તિ કરી તેમની યોગ્ય કદર કરી અને અહીં જ 67 વર્ષની વયે તે મૃત્યુ પામ્યા.
મૌલાના શકેબી કાવ્યરચનામાં પ્રવીણ હતા. દરેક પ્રકારનાં કાવ્ય-સ્વરૂપ — જેમ કે ગઝલ, કસીદહ, મસ્નવી અને રુબાઈ–માં તેમણે કાવ્યરચના કરી છે. તેમણે પોતાનાં કાવ્યોમાં, ઈરાનમાં તેમની કદરદાની ન થવાની અને આશ્રયદાતાઓના અભાવની પણ શિકાયત કરી છે. હિંદમાં ખાનેખાનાન જેવા કાબેલ વહીવટકાર અને વિદ્વાને તેમની કાબેલિયત અને કવિત્વશક્તિને પિછાણી યોગ્ય કદર કરી આશ્રય આપ્યો.
શકેબીની રચનાઓ શુદ્ધ ફારસી શૈલીનો નમૂનો છે. તેમાં અતિશયોક્તિ નથી, તેમનાં ઉપમા અને રૂપકો રોચક છે. તેમનાં કાવ્યોમાં સાદગી અને મધુરતા પણ રહેલાં છે.
ઈસ્માઈલ કરેડિયા